ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતને મોટું નુકસાન, આ 3 વસ્તુઓ પર થશે સીધી અસર
Image: Facebook
Iran vs Israel War: ઈરાને ઈઝરાયલની સાથે યુદ્ધમાં પીછેહઠ ન કરવાનું એલાન કરી દીધું છે. સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું છે કે 'જરૂર પડવા પર ઈઝરાયલ પર ફરીથી હુમલો કરવામાં આવશે.' તેમણે સાત ઓક્ટોબર, 2023એ ઈઝરાયલ પર થયેલા હમાસના હુમલાને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે 'પોતાની ધરતીની રક્ષાનો અધિકાર તમામને છે.' ખામેનેઈએ કુરાનની આયાતનો હવાલો આપતાં મુસ્લિમોથી એકત્ર થવાનું આહ્વાન કર્યું. સર્વોચ્ચ નેતાએ કહ્યું કે 'ઈરાન, હિઝબુલ્લાહ અને હમાસનો સાથ આપતા રહીશું.'
ભારત પર ઈરાન-ઈઝરાયલ યુદ્ધની શું અસર પડશે?
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે પણ યુદ્ધ છેડાઈ શકે છે. જો એવું થયું તો તેની ખરાબ અસર મિડલ ઈસ્ટની સાથે-સાથે ભારત પર પણ જોવા મળી શકે છે. ભારત અને ઈરાનની વચ્ચે વ્યાપારિક સંબંધ ખૂબ જૂનો છે. ભારત મોટા પાયે ઈરાનને બાસમતી ચોખા અને ચા ની પત્તી નિકાસ કરે છે.
સરકારી આંકડા અનુસાર ભારતે વર્ષ 2023-24માં ઈરાનને 680 મિલિયન ડોલરના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. ભારત પોતાના ત્યાં પેદા થનાર બાસમતી ચોખાનો કુલ 19 ટકા ભાગ ઈરાનને નિકાસ કરે છે. જો ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધ છેડાય છે તો તેની સીધી અસર ચોખાની નિકાસ પર પડશે.
વર્ષ 2023-24માં ઈરાનને 32 મિલિયન ડોલર ચા ની નિકાસ કરવામાં આવી હતી. ઈરાનથી ભારત સનફ્લાવર ઓઈલની આયાત કરે છે. જો ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ વધે છે તો દેશમાં સનફ્લાવર ઓઈલ મોંઘુ થઈ શકે છે.
લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી ચાલુ
ઈઝરાયલી સેના તરફથી લેબનોનમાં હવાઈ હુમલા ચાલુ છે, લેબનાની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકોમાં લેબનોનના વિભિન્ન વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા 37 થઈ ગઈ છે, જ્યારે ઈજાગ્રસ્તની સંખ્યા 151 છે.
ગયા વર્ષે સાત ઓક્ટોબરની અડધી રાતે હમાસે ઈઝરાયલ પર આતંકી હુમલા કર્યા હતા. જે બાદ ઈઝરાયલે હમાસ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો. હાલ ઈઝરાયલ, હમાસની સાથે-સાથે હિઝબુલ્લાહના ખાત્મામાં પણ લાગેલું છે.
ઈઝરાયલ-ઈરાનનું ટેન્શન વધી ગયુ છે
ઈરાન ખુલીને હમાસ અને હિઝબુલ્લાહની સાથે ઊભું છે. મંગળવારની રાત્રે ઈરાને લગભગ 25 મિનિટમાં ઈઝરાયલ પર 181 બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો. તેના જવાબમાં ઈઝરાયલે કાર્યવાહી કરવાના સોગંધ ખાધા છે. ઈઝરાયલનું કહેવું છે કે ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે.