કમલા હેરિસનું જવાહરલાલ નહેરુ સાથે રસપ્રદ કનેક્શન, જાણો તેઓ પ્રમુખ બને તો ભારતને કેટલો ફાયદો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
કમલા હેરિસનું જવાહરલાલ નહેરુ સાથે રસપ્રદ કનેક્શન, જાણો તેઓ પ્રમુખ બને તો ભારતને કેટલો ફાયદો 1 - image

India will benefit if Kamala Harris becomes President: આખરે જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે ડેમોક્રેટિક પક્ષમાંથી કમલા હેરીસ રાષ્ટ્રપતિ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તેમનું સમર્થન બાઈડને પણ કરી દીધું છે. ત્યારે મનાઈ રહ્યું છે આગામી ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુકાબલો થશે. ભારતમાં હંમેશા એ ઉત્સુકતા રહી છે કે કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકી નેતા છે. પરંતુ શું ભારતીય મૂળના હોવાથી કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત માટે કંઈ ખાસ કરશે? અથવા તો શું કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ભારત માટે વધુ ફાયદાકારક છે. આખરે, ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ભારત માટે કોણ સારું છે અને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર નેહરુ સાથે કમલા હેરિસનું શું સંબંધ છે. ચાલો આપણે વિગતવાર જાણીએ...

આ પણ વાંચો: ...એ તો હિલેરી ક્લિન્ટનની નોકરાણી છે', કમલા અંગે અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદના નિવેદનથી ખળભળાટ

કમલા હેરિસ ભારતના ચેન્નાઈમાં આવી ચૂક્યા છે

જવાહરલાલ નેહરુ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા. ત્યારે દેશમાં જોઈન્ટ સેક્રેટરીની નિમણૂક અને બદલીના અધિકારો વડાપ્રધાન પાસે રહેતા હતા. વર્ષ 1960માં પંડિત નેહરુએ આ પદ પર પી. વી. ગોપાલન ની નિમણૂક કરી હતી. તેમની સૌથી મોટી દીકરી શ્યામલાનું એડમિશન દિલ્લીની લેડી ઈરવીન કોલેજમાં હોમ સાયન્સમાં બી. એસસીમાં કરાવ્યું હતું. શ્યામલાએ બી. એસસી પૂરું કરીને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં ન્યુટ્રિશન અને એન્ડોક્રિનોલોજીમાં માસ્ટર્સ માટે અરજી કરી હતી. જેમાં શ્યામલાની પસંદગી થતા તેને શિષ્યવૃત્તિ મળી હતી. તે દરમિયાન શ્યામલાની મુલાકાત જમૈકા મૂળના ડોનાલ્ડ જે. હેરીસ સાથે થઇ. તેમની વચ્ચેનો પ્રેમ લગ્નમાં પરીણમયો અને ત્યારબાદ તેમને સંતાનમાં બે દીકરીઓ થઇ. એક માયા અને બીજી કમલા. પરંતુ વર્ષ 1970માં શ્યામલાએ હેરીસ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. શ્યામલા તેની દીકરીઓ સાથે ઘણી વખત ચેન્નાઈમાં તેના પિતાના ઘરે આવતી હતી. શ્યામલાનું 11 ફેબ્રુઆરી 2009ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. વર્ષ 2009માં કમલા હેરિસ તેની રાખ લઈને ચેન્નાઈ આવી હતી. જ્યારે કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે ભારતના લોકોના મનમાં એક આશા જાગી હતી.

આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં નોકરી કરવા ઈચ્છુક ભારતીયો માટે માઠા સમાચાર, નિયમ બદલાયો

કમલા હેરિસની પ્રાથમિકતા અમેરિકા છે ભારત નહી

શું એ આશા પૂરી થઇ? આનો જવાબ હા કે ના હોઈ શકે નહીં કારણ કે કમલા હેરિસ ભારતીય મૂળની હોવા છતાં પણ તેની પ્રાથમિકતા માત્ર અમેરિકા જ છે. બીજો કોઈ દેશ નથી. કમલાએ ભારત માટે માત્ર એટલું જ કહે છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોને રાજકારણમાં જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળ્યું નથી. તે જાહેરમાં ક્યારેય પોતે ભારતીય મૂળના હોવાની વાત પણ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એવું જ છે. તેમની પ્રાથમિકતા અન્ય કોઈ દેશ નહીં પરંતુ માત્ર અમેરિકા જ છે. જે લોકો કામ કરવા માટે ભારતથી અમેરિકા જાય છે તેમને H1B વિઝાની જરૂર હોય છે અને ટ્રમ્પ હંમેશા આ વિઝાના વિરોધમાં રહ્યા છે. જ્યારે કમલા હેરિસ ઈચ્છે છે કે આ પ્રકારના વિઝા આપવામાં આવે અને તે પણ કોઈપણ જાતની કેપિંગ વગર. આ સંદર્ભમાં જો કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો ભારતીયોને લાભ થઈ શકે. કમલા હેરિસના જન્મ સમયે અમેરિકામાં માત્ર 12 હજાર ભારતીય મૂળના લોકો હતા. હવે તેની સંખ્યા વધીને 30 લાખને વટાવી ગઈ છે. હાલમાં અમેરિકાની રાજનીતિમાંથી બાઈડનની વિદાય બાદ ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂત સ્થિતિમાં છે. આ સ્થિતિમાં જો ટ્રમ્પના ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને કે કમલા હેરિસ. એક દેશ તરીકે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે કંઈપણ બદલશે નહી. જ્યાં સુધી ભારતના લોકોની અમેરિકા જવા માટેની વિઝાની વાત છે તો તેમાં કમલા હેરિસનું વલણ ટ્રમ્પ કરતાં વધુ લચીલું છે.

ફક્ત ભારતીય મૂળના હોવાથી કમલા હેરિસ ભારતના હિતમાં કામ કરશે તે કહેવું અતિશયોક્તિપૂર્ણ છે. કારણકે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં દેશો હમેશાં પોતાના રાષ્ટ્રીય હિત(National Intrest)ને મહત્વ આપતા હોય છે. તેનું ઉદાહરણ બ્રિટનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક છે. વડાપ્રધાન બન્યા પછી તેમણે ક્યારેય એવું કંઈ કર્યું નથી કે જેની ભારત-બ્રિટેનના સંબંધોના ઇતિહાસમાં નોંધી લઇ શકાય. હાલમાં તો જોવું રહ્યું કે 5 નવેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂટણી જીતશે કે પછી કમલા હેરિસ અમેરિકાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનશે.


Google NewsGoogle News