હમાસ સામેના જંગમાં ઈઝરાયેલ હાર્યુ તો આતંકીઓના નિશાના પર યુરોપ હશેઃ નેતાન્યાહૂ
image : twitter
તેલ અવીવ,તા.7 નવેમ્બર 2023,મંગળવાર
હમાસ સાથે ચાલી રહેલા જંગ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યુ છે કે, ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં ઈઝરાયેલની જીત બહુ જરુરી છે. જો ઈઝરાયેલ આ જંગ હારશે તો યુરોપને પણ એક મોટા ખતરાનો સામનો કરવો પડી શકે છે.
નેતાન્યાહૂના કહેવા પ્રમાણે ઈઝરાયેલ અત્યારે ઈરાન, હમાસ અને તેના બીજા મદદકર્તા સંગઠનો સાથે યુધ્ધ લડી રહ્યુ છે. જો આ યુધ્ધ ઈઝરાયેલ ના જીતે તો મિડલ ઈસ્ટ પર ઈરાનનો પ્રભાવ વધશે અને તેના કારણે યુરોપ પર જોખમ સર્જાશે.
નેતાન્યાહૂએ સોમવારે 80 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, અત્યારે જે યુધ્ધ ચાલી રહ્યુ છે તે સભ્યતા અને જંગાલિયત વચ્ચેની લડાઈ છે. તેને અંજામ સુધી પહોંચાડવાી જરુરી છે અને સાથે સાથે હમાસને મદદ કરનારાઓને પણ નબળા પાડવા પડશે. ઈઝરાયેલને સૈન્ય અભિયાન માટે દુનિયાએ મદદ કરવાની જરુર છે.
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ વચ્ચે સોમવારે ફોન પર વાતચીત થઈ હતી. જેમાં સ્વાભાવિક રીતે મુખ્ય મુદ્દો હમાસ સામેના જંગનો રહ્યો હતો.
એ પછી અમેરિકાએ કહ્યુ હતુ કે, અમેરિકા આ યુધ્ધમાં કામચલાઉ અને કાયમી યુધ્ધ વિરામ માટે તરફેણ કરવાનુ ચાલુ રાખશે.