'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર્યા તો...' ટ્રમ્પે મધ્યપૂર્વમાં વિનાશની ધમકી ઉચ્ચારી
Donald Trump Threat Middle East | નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલીઓને 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વના દેશોમાં તેઓ વિનાશ વેરશે.
કેટલા બંધકો હોવાનો અંદાજ?
ઈઝરાયલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલી-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ 101 જેટલાં વિદેશી અને ઇઝરાયલી બંધકોમાંથી લગભગ અડધા જીવીત હોવાનો અંદાજ છે.
ટ્રમ્પે શું આપી ધમકી...
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, 'જો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, 'જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે.' ટ્રમ્પે કહ્યું કે જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.