Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ, 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Donald Trump press conference during COVID-19
Image : IANS (File Pic)

Donald Trump: બહેતર ભવિષ્યની આશામાં સુપરપાવર અમેરિકાના સીમાડા ઠેકીને ગેરકાયદે અમેરિકામાં વસી જનારા ઘૂસણખોરોની કમી નથી. એક કરોડથી વધારે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોવાનો અંદાજ છે. કામ-ધંધાના સ્થળે ભલે શોષણ થતું, ભલે ઓછું વેતન મળતું, પણ અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં જીવનધોરણ સારું અને અર્થ-ઉપાર્જન વધુ હોવાથી વર્ષોથી એ દેશમાં ઇલ્લિગલ ઇમિગ્રેશન થતું જ રહે છે. 

ઘૂસણખોરો માટે કાળસમા ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા લોકોને હાંકી કાઢવાની હાકલ સ્પષ્ટ શબ્દોમાં કરતા રહ્યા છે. 2016માં તેઓ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી એમણે એ દિશામાં નોંધપાત્ર પ્રયાસ પણ કર્યા હતા. જ્યાંથી સૌથી મોટી માત્રામાં ઘૂસણખોરી થાય છે એવી મેક્સિકોની સરહદે એમણે ઊંચી દીવાલ પણ બનાવી દીધી હતી અને કડક પહેરેદારી પણ ગોઠવી દીધી હતી.

હવે, 2024ની ચૂંટણીમાં પ્રમુખપદ મેળવવાની સ્પર્ધામાં ટ્રમ્પ સૌથી આગળ હોવાથી ફરી એમના નામનો ખૌફ ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. લોકોને ડર છે કે આધુનિક ટેક્નોલોજી અને AI ના ઉપયોગ થકી ગેરકાયદે વસતા નાગરિકોને પકડી લેવામાં આવશે અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ધકેલી દેવામાં આવશે.

કેવી ટેક્નોલોજી અને ટૂલ્સ વપરાશે? 

‘સર્વેલન્સ’ અને ‘AI-સંચાલિત ડેટા એકત્ર’ કરવાની સિસ્ટમ અમેરિકામાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. એનો ઉપયોગ યુ.એસ.માં ઇલ્લિગલ ઇમિગ્રન્ટ્સને લક્ષ્ય બનાવવા માટે થઈ શકે છે. ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) એજન્ટો સ્માર્ટ અલ્ગોરિધમ અને ડેટા બ્રોકર્સનો ઉપયોગ કરીને ઘૂસણખોરોને ટ્રેક કરી શકે છે. એમના વાહનોની નંબર પ્લેટ તથા જાહેર સ્થળે મૂકેલ કૅમેરામાં ઝીલાતા એમના ચહેરાના ‘ફેસિયલ રેકગ્નિશન’ થકી એમની ઓળખાણ મેળવી શકે છે. નાગરિકો દ્વારા ચૂકવાતા નાનામાં નાના ખરીદી-બિલ પરથી પણ એમને ટ્રેક કરી શકાય, એવા હાઇટેક ટૂલ્સ અમેરિકા પાસે છે. હવે તો દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ AI નો પગપેસારો થયો હોવાથી એના થકી પણ કોઈપણ નાગરિકનો ‘થપ્પો’ મારી શકાય એમ છે. અમેરિકામાં કાયમી વસવાટ માટે કરાયેલ અરજીઓમાંથી પણ કોણ કોણ ગેરકાયદે ઘૂસ્યું છે, એનો પત્તો લગાવાશે. 

આ પણ વાંચો : 'પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય...' કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર

કોઈ છે બેલી ઘૂસણખોરોનું?

લોકશાહી દેશ હોવાથી અમેરિકામાં અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય છે, અને હક માંગવાનો અધિકાર પણ છે. ગેરકાયદે ઘૂસેલા લોકોના પક્ષે લડનારી માનવતાવાદી સંસ્થાઓ પણ ત્યાં છે. આવી સંસ્થાઓના મજબૂત વિરોધને કારણે જ અમેરિકન સરકાર ઇલ્લિગલ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ એક હદથી વધારે કડક વલણ અખત્યાર નથી કરી શકતી. આવી સંસ્થાઓ હંમેશાં એવી દલીલ કરે છે કે આખું અમેરિકા જ બહારથી આવીને વસેલા લોકોનું બનેલું છે, એટલે તમે કોઈને દેશમાંથી કાઢી ન શકો. આવી સંસ્થાઓ જે ખાનગી કંપનીઓ પાસે નાગરિકોના ડેટા હોય છે એ કંપનીઓને એ ડેટા સરકારને ન આપવા માટે દબાણ કરતી રહે છે.

આ પણ વાંચો : અમેરિકાની બેન્કોની સમસ્યાઓથી બોધપાઠ લઈ RBIનો મોટો નિર્ણય! લાવશે આ નવો નિયમ

એમને ભીતિ છે કે… 

માનવઅધિકાર માટે કામ કરતી સંસ્થાઓને ભીતિ છે કે, કોઈનું કાને ન ધરવાનું વલણ ધરાવતા ટ્રમ્પે એમની અગાઉની પ્રેસિડન્ટશિપમાં પણ દેશહિતને નામે આકરા નિર્ણયો લીધા હતા એટલે ફરી સત્તારૂઢ થશે તો આ વખતે તેઓ અગાઉના કરતાં વધુ જલદ નિર્ણયો લેશે અને બિનદસ્તાવેજીકૃત લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં જરાય ઢીલ નહીં કરે. સંસ્થાઓએ તો અત્યારથી જ કહેવા માંડ્યું છે કે અમેરિકી નાગરિકોના અંગતતા(પ્રાઈવસી)ના અધિકારનો ભંગ કરીને ટ્રમ્પ તમામ પ્રકારના ડેટાનો મિસ-યુઝ કરશે, જેને પરિણામે ઇલ્લિગલ ઇમિગ્રન્ટ્સનો મરો થશે. ડેટા બ્રોકર્સ, સર્વેલન્સ ટૂલ્સ, AI અને સ્માર્ટ અલ્ગોરિધમનો દુરુપયોગ કરીને, માનવશક્તિ, નાણાં અને લોજિસ્ટિક્સ થકી ટ્રમ્પ લાખો લોકોને દેશનિકાલ કરશે. 2016ની સરખામણીમાં અત્યારે ટેક્નોલોજી ક્યાંય વધુ એડવાન્સ્ડ થઈ ચૂકી હોવાથી પણ ટ્રમ્પના ‘દેશનિકાલ દળો’ આ વખતે માઝા મૂકશે, એવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે.

અસ્થાને નથી આ ભીતિ

છેલ્લા એક દાયકામાં અમેરિકામાંથી તગેડી મૂકાયેલા લોકોની સંખ્યા 60,000 થી વધીને 200000 થઈ ગઈ છે. વર્ષ 2017 થી 2021 વચ્ચેના ટ્રમ્પ-રાજમાં ઇમિગ્રેશન બાબતે સખત વલણ અપનાવાયું હતું. ટ્રમ્પ સરકારે મુસ્લિમો માટે અમેરિકા-પ્રવેશ સવિશેષ મુશ્કેલ બનાવ્યો હતો. સરહદો પર એમના આકરા વલણને લીધે પરિવાર તૂટ્યા હતા. કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના જ દેશનિકાલ કરી શકાય એવી સત્તા એમણે ICE એજન્ટોને આપી હતી. આ બધાં કારણોસર પણ ટ્રમ્પ સત્તામાં ન આવે એવું અમેરિકાનો એક મોટો વર્ગ ઈચ્છે છે.

કોને દેશનિકાલ નહીં દઈ શકાય?

બાળવયે અમેરિકામાં દાખલ થયેલા અને હવે પુખ્તવયના થઈ ગયેલા હોય, આજીવન અમેરિકામાં જ રહ્યા હોય, એવાઓને માથે પણ દેશનિકાલનું જોખમ રહેલું જ હોય છે. અલબત્ત બે વર્ષની ઓછી વયે અમેરિકામાં ઘૂસ મારેલી હોય એવા બાળકનો દેશનિકાલ કરી શકાતો નથી. એ સિવાય અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનાર ઘૂસણખોરને પણ દેશનિકાલ કરી શકાતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ, 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે 2 - image


Google NewsGoogle News