તાલિબાનનું એક વધુ તઘલખી ફરમાન : મહિલા પરપુરૂષ સાથે સંબંધ બાંધતી પકડાશે તો પથ્થરો મારી તેને મારી નખાશે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
તાલિબાનનું એક વધુ તઘલખી ફરમાન : મહિલા પરપુરૂષ સાથે સંબંધ બાંધતી પકડાશે તો પથ્થરો મારી તેને મારી નખાશે 1 - image


- તાલિબાનોના સુપ્રીમ લીડર આખુંદજાદાએ પશ્ચિમને પડકારતાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં શરીયા કાનૂન સખ્તાઈથી અમલી કરાશે

કાબુલ : મોટાભાગના ઈસ્લામિક દેશોમાં મહિલાઓની સ્થિતિ કંઈ સારી તો નથી જ, પરંતુ અફઘાનિસ્તાનમાં તો તેમની સ્થિતિ જ ખરાબ હતી. તેમાં તાલિબાની શાસન આવતાં તેમની સ્થિતિ તો ઘણી જ કફોડી બની ગઈ છે. તાલિબાનોના સર્વોચ્ચ નેતા મુલ્લા હીબાતુલ્લાહ આખુંદજાદાએ મહિલાઓ વિરૂદ્ધ એક વધુ ફરમાન જારી કર્યું છે તે પ્રમાણે કોઈ મહિલા પરપુરૂષ સાથે સંબંધ રાખે તો તેને પથ્થરો મારીને કે કોરડા મારી મારીને મારી નાખવામાં આવશે.

આ આખુંદજાદાનો એક રેડીયો મેસેજ પ્રસિદ્ધ થયો છે. તેમાં તેણે પશ્ચિમના દેશોનાં લોકતંત્રોને પડકાર્યો છે. સાથે શરીયા કાનૂન સખત રીતે લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમાં તેણે જણાવ્યું છે કે 'તમે કહો છો કે આ મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન છે, પરંતુ પરપુરૂષ સાથે સંબંધ રાખનાર મહિલાને પથ્થરો મારી મારી કે કોરડા મારી મારી મારી નાખવાનો શરીયા કાનૂન ટૂંક સમયમાં જ લાગુ પડાશે.' પશ્ચિમના દેશો મહિલાઓને જે અધિકારો આપે છે, તે શરીયા અને મૌલવીઓની સલાહથી વિરૂદ્ધનાં છે. આ એ જ મૌલવીઓ છે કે જેમણે પશ્ચિમી લોકતંત્રને ઉખેડી ફેંકી દીધું છે. અમે ૨૦ વર્ષ સુધી પશ્ચિમ સામે લડયા છીએ, જરૂર પડશે તો આગામી ૨૦ વર્ષ સુધી પણ લડીશું. અમે મુંગા મુંગા બેસીને ચા પીવા વાળા નથી. અમે શરિયા પાછો અમલી કરીને જ રહીશું.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં મહિલાઓની અને છોકરીઓની સ્થિતિ અંગે યુનોને રીપોર્ટ પ્રસિદ્ધ થયો છે. તેમાં મહિલાઓ અને છોકરીઓને મનમાની રીતે જેલમાં ધકેલવા અંગે ચિંતા દર્શાવાઈ છે. તેટલું જ નહીં પરંતુ જેલોમાં તેમની સાથે શારીરિક દુર્વ્યવહાર પણ કરાય છે. તે રીપોર્ટમાં મહિલાઓ ઉપર અફઘાનિસ્તાનમાં લાદવામાં આવેલા પ્રતિબંધો તત્કાળ હઠાવવા માંગણી કરાઈ છે.

નિરીક્ષકો કહે છે આ બધું પથ્થર ઉપર પાણી છે. તાલિબાનો ઘડીયાળના કાંટા ઉંધા ફેરવી રહ્યાં છે.


Google NewsGoogle News