ઈઝરાયેલ પરના આતંકી હુમલાના વધુ એક માસ્ટર માઈન્ડનુ ઘર સેનાએ તબાહ કરી નાંખ્યુ
image : Twitter
તેલ અવીવ,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર
ઈઝરાયેલ પર સાત ઓક્ટોબરે આતંકી હુમલો કરનારા હમાસના વધુ એક ટોચના લશ્કરી કમાન્ડર તેમજ હુમલાના માસ્ટર માઈન્ડ મનાતા મોહમ્મદ દેઈફના ઘરને તબાહ કરી નાંખવાનો દાવો ઈઝરાયેલની સેનાએ કર્યો છે.
સેનાનુ કહેવુ છે કે, દેઈફ અને હમાસન બીજા એક કમાન્ડર યાહ્યા સિનવારે સાત ઓક્ટોબરે ઈઝરાયેલ પર કરેલા આતંકી હુમલાનુ કાવતરુ ઘડ્યુ હતુ. જોકે એ પછી ગાઝામાં ઓપરેશન ચલાવી રહેલી ઈઝરાયેલી સેનાએ તેના ઘરને ટાર્ગેટ બનાવીને આખુ ઘર તબાર કરી નાંખ્યુ છે. આ દરમિયાન ઘરના કાટમાળમાંથી ઈઝરાયેલી સેનાને મહોમ્મદ દેઈફનુ પેલેસ્ટાઈનનુ આઈ કાર્ડ પણ મળ્યુ છે.
દેઈફ હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડનો કમાન્ડર છે. ઈઝરાયેલની સેનાનુ કહેવુ છે કે, આઈ કાર્ડની સાથે સાથે તેની અંગત ડાયરી અને બીજા દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
ઈઝરાયેલની સેનાએ તાજેતરમાં જ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા દરમિયાન પેમફ્લેટ પણ ફેંક્યા હતા. જેમાં મોહમ્મદ દેઈફ અંગે જાણકારી આપનારને એક લાખ અમેરિકન ડોલર ઈનામ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો.
દેઈફની હત્યાના અત્યાર સુધીમાં સાત પ્રયાસો થઈ ચુકયા છે. જેમાંથી ચાર પ્રયાસ 2014માં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુધ્ધ દરમિયાન કરવામાં આવ્યા હતા. એવુ મનાય છે કે, હત્યાની કોશિશ દરમિયાન તેના કેટલાક સબંધીઓ પણ માર્યા ગયા હતા.
દેઈફ વિકલાંગ હોવાની જાણકારી મોસદને મળી હતી પણ બાદમાં આ જાણકારી ખોટી પૂરવાર થઈ હતી અને ઈઝરાયેલની સેનાને જાણવા મળ્યુ છે કે, તેનુ સ્વાસ્થ્ય સારુ જ છે.
બીજી તરફ ગાઝામાં ઈઝરાયેલના હુમલા યથાવત છે. છેલ્લા 48 કલાકમાં ગાઝામાં 390 પેલેસ્ટાઈનના નાગરિકોના મોત થયા હોવાનુ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે.