આઈસલેન્ડઃ 800 વર્ષ જૂના જ્વાળામુખીમાં ચોથો વિસ્ફોટ, બે શહેર ખાલી કરાવાયા, ચારે તરફ લાવાની નદીઓ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
આઈસલેન્ડઃ 800 વર્ષ જૂના જ્વાળામુખીમાં ચોથો વિસ્ફોટ, બે શહેર ખાલી કરાવાયા, ચારે તરફ લાવાની નદીઓ 1 - image


રેજેવિક,તા. 17 માર્ચ 2024

આઈસલેન્ડના રેન્જેસ પેનિન્સ્યુલા( પ્રાયદ્વીપ) પર એક મોટો જ્વાળામુખી ફાટયા બાદ દેશના દક્ષિણ હિસ્સામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અત્યાર સુધીનો  આ સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ જ્વાળામુખી સતત લાવા ઓકી રહ્યો છે અને આ લાવા ગ્રિંડાવિક શહેર સુધી પહોંચી ગયો છે. જેના પગલે હવે બ્લૂ લગૂન તેમજ ગ્રિંડાવિક શહેરને ખાલી કરાવવામાં આવ્યુ છે.

ડિસેમ્બર બાદ રેન્જેસ પેનિન્સ્યુલા વિસ્તારમાં જ્વાળામુખી વિસ્ફોટની ચોથી ઘટના છે. આઈસલેન્ડનુ હવાઈ ક્ષેત્ર હાલમાં તો વિમાનોની અવર જવર માટે ખુલ્લુ છે પણ લાવાનો ધૂમાડો આ વિસ્તારના આકાશમાં ચારે તરફ છવાઈ રહ્યો છે.

આઈસલેન્ડની સિવિલ ડિફેન્સ સર્વિસના કહેવા પ્રમાણે શનિવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યે આ જવાળામુખી ફાટયો હતો. આ એ જ જગ્યાએ છે જ્યાં આઠ ફેબ્રુઆરીએ પણ જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટના વિડિયો ફૂટેજ પણ સા મે આવ્યા છે. જેમાં ધરતીના પેટાળમાંથી સેંકડો ડિગ્રી તાપમાન ધરાવતો લાવા નીકળીને જમીન પર ફેલાતો નજરે પડી રહ્યો છે.

આ વિસ્તારમાં જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહી છે અને તેના કારણે ગ્રિંડાવિક શહેરની ફરતે સંરક્ષણ દિવાલ પણ બનાવાઈ છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે તેના કારણે નીકળેલો લાવા શહેરની પૂર્વ તરફની દિવાલો સુધી પહોંચી ચુકયો છે.

ગ્રિંડાવિક શઙેરને આ પહેલા નવેમ્બર મહિનામાં ખાલી કરાવાયુ હતુ. તે વખતે નજીકનો સ્વાર્ટસેંગી જ્વાળામુખી 800 વર્ષ બાદ સક્રિય થવાના એંધાણ મળી રહ્યા હતા. એ પછી શહેરની ઉત્તરમાં જમીનમાં સેંકડો કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ હતી. 18 ડિસેમ્બરે આ જ્વાળામુખી ફાટયો હતો.

14 જાન્યુઆરીએ તેમાં બીજો વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીમાંથી નીકળી રહેલો લાવા શહેર સુધી પહોંચ્યો હતો અને સંરક્ષણ દિવાલ હોવા છતા લાવાના સપાટામાં આવેલી કેટલીક ઈમારતો ભસ્મીભૂત થઈ ગઈ હતી.

ત્રીજો વિસ્ફોટ આઠ ફેબ્રુઆરીએ થયો હતો. જોકે થોડા કલાકોમાં જ જવાળામુખી શાંત થઈ ગયો પણ તેમાંથી નીકળેલા લાવાએ પાણીની પાઈપલાઈનનો ખતામો બોલાવી દીધો હતો. હવે આ જ જવાળામુખીમાં ચોથો વિસ્ફોટ થયો છે અને તે અગાઉના વિસ્ફોટ કરતા વધારે ખતરનાક હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

આઈસલેન્ડ દેશ એમ પણ જ્વાળામુખીનો દેશ કહેવાય છે. અહીંયા ઘણા સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીની સૌથી વધુ વિનાશકતા 2010માં જોવા મળી હતી. જ્યારે જ્વાળામુખી ફાટવાથી રાખોડી અને ધૂમાડાના વાદળો આકાશમાં એ હદે છવાઈ ગયા હતા કે, યુરોપની મોટાભાગના હવાઈ સેવાઓ દિવસો સુધી ખોરવાઈ ગઈ હતી.


Google NewsGoogle News