આઈસ એન્ડ ફાયર : વીએકએક્સ નહીં, અસલી સીન !
આયર્લેન્ડના ગ્રીનડેવિક શહેર નજીકના જ્વાળામુખીએ લાવા ઓક્યો હતો. એક વર્ષમાં સાતમી વખત જ્વાળામુખી ફાટયો હતો. એ વખતે શહેરમાં એક તરફ ઠંડી અને હિમવર્ષાનું મોજું ફરી વળ્યું હતું, બીજી તરફ અગનજ્વાળાએ એનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. આ જ્વાળામુખી અને તેની આસપાસના સ્થળો પોપ્યુલર પર્યટન ડેસ્ટિનેશન છે. ઘણાં દેશી-વિદેશી પ્રવાસીઓ જ્વાળામુખી નજીક જઈને કુદરતી સૌંદર્યનો આનંદ ઉઠાવે છે. અચાનક જ્વાળામુખીમાંથી લાવા બહાર નીકળ્યો હતો અને પ્રવાસીઓને હેલિકોપ્ટરની મદદથી બહાર લવાયા હતા. વારંવાર જ્વાળામુખીમાંથી લાવા નીકળે છે એટલે ગ્રીનડેવિડમાં એક દીવાલ બનાવવામાં આવી છે, પરંતુ ફેબુ્રઆરીમાં જ્વાળામુખી ફાટયો ત્યારે એ દીવાલ પણ શહેરમાં આગને પહોંચતા અટકાવી શકી ન હતી. બરફ અને આગનું મનોહર લાગતું આ દૃશ્ય ખરેખર તો બિહામણુ છે. સામાન્ય રીતે ફિલ્મોમાં વીએફએક્સની મદદથી આવા દૃશ્યો જોવા મળે છે, પરંતુ કુદરતને આવા સીન સર્જવા માટે વીએફએક્સની જરૂર પડતી નથી. એ પળ-બેપળમાં આવા દૃશ્યો સર્જી શકે છે.
મિલન કે બાદ ભી તુમ તુમ રહે, હમ હમ રહે...
કેમેરામાં નવી નવી ટેકનોલોજી ઉમેરાઈ પછી અંડરવોટર ફોટોગ્રાફીનો દબદબો વધતો જાય છે. તેના કારણે પાણીની અંદરની દુનિયાના દૃશ્યો મોબાઈલની સ્ક્રીનમાં જોઈ શકાય છે. પાણીમાં વસતી સજીવસૃષ્ટિને જોવા-સમજવા માટે અંડરવોટર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બહુ ઉપયોગી થઈ પડી છે, પરંતુ ક્યારેય એ સિવાયના મજેદાર દૃશ્યો પણ એમાં ઝીલાઈ જાય છે. આ તસવીર એવી જ છે. અમેરિકાની સુવન્ની ઓવરફ્લો થઈ અને એનું પાણી ફ્લોરિડામાં ઘૂસ્યું. ફ્લોરિડામાં શુદ્ધપાણીના જે સરોવરો છે એમાં એ પાણી ભળી ગયું, પણ બંને પાણીએ મિક્સ થવાને બદલે પોત-પોતાની પ્રકૃતિ જાળવી રાખી. મેક્સિકોની ખાડીમાંથી આવતી સુવન્ની નદીના પાણીમાં ખૂબ કાદવ હતો, માટી તણાઈને આવી હતી. જ્યારે સરોવરો સ્વચ્છ પાણીને સાચવીને બેઠા હતા. બંનેનું પાણી ભેગું થયું ત્યારે સરોવરોએ પોતાની પ્રકૃત્તિ ન થોડી, નદીએ પોતાની પ્રકૃતિ ન મૂકી. પરિણામે બંને પાણી સ્પષ્ટ રીતે જુદા દેખાતા હતા.
સૂર્યગ્રહણના કારણે અંધારું થતા ચામાચીડિયાઓએ ઉજાણી કરી
ચામાચીડિયું નિશાચર સજીવ છે. અંધારામાં બહાર નીકળે છે. અજવાળામાં એ બહાર નીકળતા નથી. અંધારું પડે કે ખોરાકની શોધમાં નીકળી પડે છે. આ વર્ષે મેક્સિકો, અમેરિકા જેવા દેશોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ દુર્લભ સૂર્યગ્રહણના કારણે દિવસે અંધારું થઈ ગયું. તેના કારણે ચામાચીડિયાએ ઉજાણી કરી હતી. ટેક્સાસની ફ્રીઓ ગુફા તેના ચામાચીડિયાના નિવાસસ્થાન માટે જાણીતી છે. સૂર્યગ્રહણ થયું તે દિવસે અચાનક અંધારું થયું હોવાથી અસંખ્ય ચામાચીડિયા દિવસે ગુફામાંથી બહાર નીકળ્યા હતા. આ દુર્લભ નજારો જોવા માટે ઘણાં પ્રવાસીઓ ગુફા આસપાસ આવી ગયા હતા.
સદીઓથી વરસાદી મિજાજ સાચવીને ઉભી રહેલી ગુફા
મધ્ય આફ્રિકામાં આવેલા ગેબોન દેશમાં હજારો વર્ષના વરસાદી પુરાવા સંઘરીને કેટલીય ગુફાઓ ઉભી છે. એમાંની સૌથી વિશિષ્ઠ ગુફા છે - બોંગોલો. આફ્રિકા ખંડમાં ઝડપભેર વરસાદની પેટર્ન બદલી રહી છે અને તેની સીધી અસર ખેતી અને પશુપાલન પર પડી રહી છે. વરસાદની આ પેટર્ન પહેલાંથી જ આવી છે કે એમાં ક્લાઈમેટ ચેન્જના કારણે પરિવર્તન આવ્યું છે એ સમજવા માટે વિજ્ઞાાનીઓએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ પ્રોજેક્ટના ભાગરૂપે બોંગોલોની ઊંડી ગુફામાંથી કાર્બન, કેલ્સિયમ વગેરેના નમૂના એકઠા કરીને એનું વિશ્લેષણ થઈ રહ્યું છે. નમૂના એકઠા કરવા માટે સંશોધકો ગુફામાં ઉતર્યા ત્યારે પ્રકાશ-અંધકારના કારણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના દૃશ્ય જેવો માહોલ સર્જાયો હતો.
સફેદ ગેંડાની પ્રજાતિને બચાવી લેવાની ઉજળી આશા
દુનિયામાં માત્ર બે જ સફેદ ગેંડા બચ્યા છે અને એ બંને માદા છે. જગતના છેલ્લાં નર સફેદ ગેંડાનું ૨૦૧૯માં મોત થયું પછી સફેદ ગેંડાની પ્રજાતિ પર લુપ્ત થવાનો ખતરો છે. આ પ્રજાતિને બચાવવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે ૨૦૨૪ની શરૂઆતમાં એક પ્રયોગ થયો હતો. ઉત્તરી વ્હાઈટ ગેંડાને બચાવવા માટે તેના સંગ્રહી રાખેલા બીજ થકી દક્ષિણ સફેદ ગેંડાની માદામાં આઈવીએફ જેવી ટેકનિક ઉપયોગમાં લેવાઈ હતી. જોકે, કોઈ સંક્રમણથી દક્ષિણ વ્હાઈટ ગેંડાની માદાનું મોત થયું હતું, પરંતુ એના પેટમાં બચ્ચું હતું. તેના કારણે આવા પ્રયોગ થકી ઉત્તરી વ્હાઈટ ગેંડાની પ્રજાતિ બચાવી લેવાશે એવી આશા વધુ જીવંત બની છે.
માનવજાતને દઝાડતી ક્લાઈમેટ ચેન્જની 'આગ'
ક્લાઈમેટ ચેન્જના કારણે સરેરાશ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ખાસ તો જ્યાં વાતાવરણ ઘણું ઠંડું રહેતું આવે છે ત્યાં તાપમાનનો નજીવો વધારો જંગલની આગ માટે કારણભૂત બને છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આગના બનાવો નોંધાયા હતા અને વર્ષના અંતે એકાએક આગ વધી જતાં ચાર લાખ એકરમાં ફેલાઈ હતી. એમાં કેટલાય વન્યજીવો માર્યા ગયા હતા. સેંકડો વૃક્ષો રાખમાં ફેરવાઈ ગયા હતા. હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું. દાવાનળની આવી જ ઘટના બ્રાઝિલમાં બની હતી. ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન દાવાનળના ઘણાં કિસ્સા નોંધાયા હતા અને ૪૧ હજાર હેક્ટરના જંગલ પર એની અસર થઈ હતી.