પુતિનની ધરપકડ કરો: ઈન્ટરનેશનલ કોર્ટ આદેશ આપતી રહી, મંગોલિયાએ ગાર્ડ ઑફ ઑનર સાથે કર્યું સ્વાગત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
પુતિનની ધરપકડ કરો: ઈન્ટરનેશનલ કોર્ટ આદેશ આપતી રહી, મંગોલિયાએ ગાર્ડ ઑફ ઑનર સાથે કર્યું સ્વાગત 1 - image


Vladimir Putin Mongolia Visit :  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 3 સપ્ટેમ્બરે મંગોલિયાની મુલાકાત લીધી હતી. મંગોલિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) નો સભ્ય દેશ છે. હેગમાં આવેલા ICCએ પુતિન વિરુદ્ધ યુદ્ધ અપરાધોને લઈને ધરપકડ વોરંટ જારી કર્યું છે. ICCએ પુતિનને 2022 માં યુદ્ધ શરૂ થયા પછી ગેરકાયદેસર રીતે યુક્રેનિયન બાળકોના પ્રત્યાર્પણ માટે દોષિત જાહેર કર્યા છે. અને તેમની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. જે અંતર્ગત જો પુતિન ICCના કોઈપણ સભ્ય દેશમાં જાય છે તો આ વોરંટના આધારે તેમની ધરપકડ થઈ શકે છે. તેથી ICCએ મંગોલિયાને પુતિનની ધરપકડ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: યાગી વાવાઝોડાએ મચાવી તબાહી: ફિલિપાઈન્સમાં 14 લોકોએ ગુમાવ્યા જીવ, એરપોર્ટ પર ફસાયા લોકો

મંગોલિયાએ ICCની વિનંતીને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી

ઉલ્લેખનીય છે કે, ICCના સભ્ય દેશની પુતિનની આ પહેલી મુલાકાત છે. પરંતુ મંગોલિયાએ ICCની વિનંતીને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને રાષ્ટ્રપતિ પુતિનને એરપોર્ટ પર રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પુતિન આરામથી હસતા જતા જોવા મળ્યા હતા. પછી તેમને રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે યુક્રેન સહિતના પશ્ચિમી દેશો મંગોલિયાને પુતિનની ધરપકડ કરવા વિનંતી કરી રહ્યા હતા. 

વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલા ICCએ મંગોલિયાને કોર્ટના આદેશોનું પાલન કરવાની તેની પ્રતિબદ્ધતાની યાદ અપાવતા કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મંગોલિયામાં પ્રવેશતાની સાથે જ ધરપકડ કરી લેવી જોઈએ. પરંતુ જ્યારે મંગોલિયા પર તેની કોઈ અસર ન જણાઈ તો 2 સપ્ટેમ્બરે યુક્રેને તેમના પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, પુતિનના યુદ્ધ અપરાધો માટે મંગોલિયાને પણ સંયુક્ત રીતે જવાબદાર ગણવામાં આવશે.


Google NewsGoogle News