બોમ્બની અફવા પછી વાયુસેનાએ ઈરાનના વિમાનને એર સ્પેસમાંથી ભગાડયું
વિમાન ઈરાનના તેહરાનથી ચીનના ગ્યુઆંગઝાઓ જતું હતું
દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગતા પાયલટને જયપુર, ચંડીગઢના વિકલ્પો અપાયા હતા, પરંતુ તેણે પ્રસ્તાવ માન્યો ન હતો
ઈરાનની માહાન એરલાઈન્સની ફ્લાઈટ તેહરાનથી ચીન જવા નીકળી હતી. એમાં બોમ્બની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ પાયલટે દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. ટ્રાફિક કન્ટ્રોલરે તેને અન્ય વિકલ્પો આપ્યા હતા, પરંતુ પાયલટે દિલ્હીમાં જ ઈમરજન્સી લેન્ડિંગની જીદ પકડી રાખતા આખરે વાયુસેનાના વિમાનોએ સુરક્ષાના કારણોસર એ વિમાનને ભારતીય એર સ્પેસમાંથી ભગાડી મૂક્યું હતું.
ઈરાનના પાટનગર તેહરાનથી ચીનના ગ્યુઆંગઝાઓમાં જતી માહાન એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. એરલાઈન્સને બોમ્બ હોવાની જાણકારી મળી તે પછી પાયલટને જાણ કરવામાં આવી હતી. પાયલટે દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરીને દિલ્હી એરપોર્ટમાં વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી, પરંતુ બોમ્બની શક્યતા હોવાથી એરપોર્ટ ઓથોરિટીએ વિમાનને દિલ્હીમાં લેન્ડિંગની પરવાનગી આપી ન હતી. સુરક્ષાના કારણોસર દિલ્હીના બદલે જયપુર અથવા ચંડીગઢમાં લેન્ડિંગ કરાવવાનો વિકલ્પ પાયલટને અપાયો હતો.
પાયલટે દિલ્હીમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની જીદ પકડી રાખી હતી. આખરે એરપોર્ટ ઓથોરિટીએ દિલ્હી પોલીસને જાણ કરી હતી. દિલ્હી પોલીસ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સિવિલ એવિએશન સુરક્ષા બ્યૂરો વગેરે સાથે ચર્ચા કર્યા બાદ વાયુસેનાના બે સુખોઈ-૩૦ વિમાનોને મોકલાયા હતા. વાયુસેનાના વિમાનોએ ઈરાની એરલાઈન્સના વિમાન સાથે સલામત અંતર જાળવીને તેને ભારતીય એર સ્પેસમાંથી ભગાડી મૂક્યું હતું. જોકે, ત્યાં સુધી ઈરાનના તેહરાનથી દિલ્હી એરપોર્ટ ઓથોરિટીને મેસેજ મળી ચૂક્યો હતો કે વિમાનમાં બોમ્બ નથી, કોઈએ માત્ર અફવા ફેલાવી છે. વિમાન તેના નિયત રૃટમાં આગળ વધ્યું હતું અને પછી સલામત રીતે ચીનમાં લેન્ડિંગ થયું હતું.
સુરક્ષા અધિકારીઓના કહેવા પ્રમાણે વિમાનમાં બોમ્બ હોય તો પાટનગર દિલ્હીની સુરક્ષાને જોખમમાં મૂકી ન શકાય. કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે વિમાનને ભારતની એરસ્પેસમાંથી રવાના કરી દેવાયું હતું.