હું ચુંટણી લડતો હોતતો ટ્રમ્પને હરાવી દીધા હોત, બાયડેનનો દાવો
પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાંથી હટાવી લેવાનું નકકી કર્યુ હતું.
હું આગળ વધી શકીશ કે નહી તે બાબતે પાર્ટીમાં ચિંતા હતી.
ન્યૂયોર્ક, 12 જાન્યુઆરી, 2025, રવિવાર
૨૦ જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળી રહયા છે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા હતા. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડેનના સ્થાને છેલ્લી ઘડીએ ડેમોક્રેટ પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જૂન ૨૦૨૪માં એટલાન્ટામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ડિબેટ થઇ જેમાં બાયડેનનું પ્રદર્શન સારું ન હતું. ત્યાર પછી ડેમોક્રેટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાંથી હટાવી લેવાનું નકકી કર્યુ હતું.
ટ્રમ્પે સૌની ધારણા કરતા પણ સારા માર્જીનથી જીત મેળવીને બીજી વાર વ્હાઇટ હાઉસની એન્ટ્રી પાકી કરી લીધી હતી. જો બાયડેન થોડાક દિવસમાં જ વિદાય લઇ રહયા છે. વિદાય લઇ રહેલા બાયડેને દાવો કર્યો છે કે જો ટ્રમ્પ સામે ચુંટણી જંગમાં હોતતો હરાવી દીધા હોત. વ્હાઇટ હાઉસમાં મીડિયાકર્મીઓ સાથેના સંવાદમાં પુછાયેલા સવાલનો જવાબ આપી રહયા હતા.
શું તમે ચુંટણી ના લડયા તેનો રંજ છે ? તમને એવું લાગે છે કે આપે ટ્રમ્પને ઉતરાધિકારી બનવાની સરળ તક આપી દીધી ? બાયડેન આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે હું ટ્રમ્પને હરાવી દીધા હોત. હરાવી શકું તેમ હતો.મને લાગે છે કે કમલા હેરિસ પણ ટ્રમ્પને હરાવી શકે તેમ હતી. પાર્ટીમાં એકતા જળવાઇ રહે તે માટે ચુંટણીમાંથી ખસી ગયા હતા. હું આગળ વધી શકીશ કે નહી તે બાબતે પાર્ટીમાં ચિંતા હતી. જો કે મને એમ હતું કે હુ ફરી જીતી શકું છું.