તમે જ્યાંથી ચૂંટણી લડશો ત્યાંથી હું ચૂંટણી લડીશ, ઈમરાન ખાનનો નવાઝ શરીફને પડકાર

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
તમે જ્યાંથી ચૂંટણી લડશો ત્યાંથી હું ચૂંટણી લડીશ, ઈમરાન ખાનનો નવાઝ શરીફને પડકાર 1 - image

image : twitter

ઈસ્લામાબાદ,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘર વાપસી થઈ ચુક છે અને તેમણે ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારી શરુ કરી દીધી છે. 

તેમને હવે પાકિસ્તાનના અન્ય એક પૂર્વ પીએમ અને તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાન ખાને પડકાર ફેંકીને કહ્યુ છે કે, નવાઝ શરીફ આગામી ચૂંટણીમાં ઈચ્છે એ બેઠક પરથી લડી શકે છે અને એ જ બેઠક પરથી હું તેમની સામે ચૂંટણી લડીશ. 

હાલમાં સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના મામલામાં જેલમાં બંધ ઈમરાનખાને સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને નવાઝ શરીફને ચેલેન્જ આપી છે. આ વિડિયો તેમણે પોતાની ધરપકડ પહેલા બનાવ્યો હતો. 

જેમાં ઈમરાન ખાન કહેતા સંભળાય છે કે, મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે નવાઝ શરીફ કયા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે. હું તેમની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છું. હું ચૂંટણી દરમિયાન પ્રચાર સુધ્ધા નહીં કરુ અને આમ છતા ચૂંટણી જીતીશ. આ ચૂંટણીથી તેમને અહેસાસ થઈ જશે કે દેશ બલાઈ ચુકયો છે. આર્મીના દમ પર ચૂંટણી જીતવાના દિવસો ગયા. 

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના અધ્યક્ષ નવાઝ શરીફ ચાર વર્ષ બાદ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પાછા ફર્યા છે. જેના પર ઈમરાનખાને કહ્યુ છે કે, નવાઝ શરીફ રાહ જોઈ રહ્યા હતા કે મને જેલમાં મોકલવામાં આવે અને મારી પાર્ટીને ખતમ કરવામાં આવે. નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના જેટલા પણ કેસ હતા તે ક્લોઝ કરી દેવાયા છે. 

પાકિસ્તાનમાં જાન્યુઆરી 2024માં ચૂંટણી યોજવાની જાહેરાત પાકિસ્તાનનુ ઈલેક્શન કમિશન કરી ચુકયુ છે. જોકે તારીખોનુ એલાન હજી કરવામાં આવ્યુ નથી. 


Google NewsGoogle News