'મને આ પદ માટે આદર છે પરંતુ હું મારા દેશને વધુ ચાહું છું : જો બાયડનનું રાષ્ટ્રજોગ વિદાય સંબોધન'

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
'મને આ પદ માટે આદર છે પરંતુ હું મારા દેશને વધુ ચાહું છું : જો બાયડનનું રાષ્ટ્રજોગ વિદાય સંબોધન' 1 - image


- 'પદ કરતાં લોકશાહી વધુ મહત્ત્વની છે, તેથી જ મેં મશાલ નવી પેઢીના હાથમાં સોંપી છે' : પ્રમુખ બાયડને કહ્યું

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડને રાષ્ટ્રપ્રમુખ પદની સ્પર્ધામાંથી અચાનક ખસી જઈ પોતાના 'સેકન્ડ ઇન કમાન્ડ' કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી રાષ્ટ્રજોગ કરેલા 'વિદાય પ્રવચન'માં કહ્યું હતું કે, 'મને આ પદ (પ્રમુખ પદ) માટે આદર છે પરંતુ લોકશાહી દાવ ઉપર મૂકાઈ ગઈ હતી. મારા માટે પદ કરતાં પણ લોકશાહી વધુ મહત્ત્વની છે.' તેમણે કહ્યું 'મને આ પદ પ્રત્યે આદર છે પરંતુ હું મારા દેશને વધુ માનું છું. પ્રમુખ તરીકે આ દેશની સેવા કરવાનો મને ગર્વ છે પરંતુ લોકશાહી જ્યારે દાવ પર મૂકાઈ છે ત્યારે તેનું રક્ષણ કોઈ પણ પદ કરતાં વધુ મહત્ત્વનું છે. લોકશાહીમાંથી જ હું શક્તિ મેળવું છું અને અમેરિકાના લોકો માટે કામ કરવાનો મને આનંદ આવે છે.'

પોતાની ઑફિસમાં પોતાના કાર્ય માટેના ડેસ્ક ઉપરથી બોલતાં અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખે જનસામાન્યને વધુમાં કહ્યું હતું કે, એ પવિત્ર કાર્ય (લોકશાહીના રક્ષણનું કાર્ય) માત્ર મારું જ નથી, તમારું પણ છે. તમારા કુટુંબનું પણ છે તે આપણા સર્વેનું છે.

લોકશાહીના બચાવ માટેનો શ્રેષ્ઠ માર્ગ તો આગામી પેઢીને મશાલ સોંપી દેવાનો છે. (યાદ રહે કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીમાં 'લિબર્ટી' (સ્વાતંત્ર્યની દેવી)ના હાથમાં મશાલ રહેલી છે.)

જો બાયડને નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી ગયા પછી આ પહેલું રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું. તેઓની ઉપર તેઓના જ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણીઓ દ્વારા તેઓની વધતી જતી વયને લીધે તેઓ ઘણી વાર ઘણું ભૂલી જતા હોય, તેમજ ઘણીવાર અસંબદ્ધ બોલતા હોવાની તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની વકતૃત્વ સ્પર્ધામાં પણ તેઓએ કરેલા નબળા દેખાવને લીધે તેઓને તેમના જ પક્ષના અગ્રણીઓ દ્વારા 'સ્પર્ધા'માંથી ખસી જવાબ દબાણ કર્યું હતું. ગત શનિવાર સુધી તો તેઓ સ્પર્ધામાં રહેવા મક્કમ હતા પરંતુ રવિવારે તેઓએ બીજી વખત પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જવાનું જાહેર કર્યું હતું. બીજી વખત સ્પર્ધામાંથી ખસી જનારા બાયડેન પદ ઉપર રહેલા પ્રમુખો પૈકીના બીજા પ્રમુખ છે આ પૂર્વે લીન્ડા વી. જહોન્સન ૧૯૬૮માં બીજી વખતની સ્પર્ધામાંથી ખસી ગયા હતા.


Google NewsGoogle News