કાર્યકુશળ કર્મચારીઓ કાયદેસર યુએસમાં આવે તેની સામે મને વાંધો નથી : ટ્રમ્પ
એચવનબી વીઝા પરકાર્યકુશળ કર્મચારીઓ આવે તો ગમશે
કાર્યકુશળ લોકો આવવા સાથે બિઝનેસ વિસ્તરશે અને તેમાં દરેક જણને ફાયદો થશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં મંગળવારે ઓરેકલના સીટીઓ લેરી એલિસન, સોફ્ટ બેન્કના સીઇઓ માસાયોશી સોન અને ઓપન એઆઇના સીઇઓ સામ અલ્ટમેન સાથે સહિયારી પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારા દેશમાં કાર્યકુશળ લોકો આવે તેમ અમે ઇચ્છીએ છીએ. અને એચબીવન પ્રોગ્રામની મને બરાબર ખબર છે. મે આ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. વાઇન નિષ્ણાત કે સારી કક્ષાના વેઇટર્સ પણ આ પ્રોગ્રામ હેઠળ આવી શકે છે. કાર્યકુશળ લોકો આવવા સાથે બિઝનેસ વિસ્તરશે અને તેમાં દરેક જણને ફાયદો થશે. આમ, મને બંને તરફની દલીલો ગમે છે પણ મને લાગે છે કે આપણે ખરેખર કાર્યકુશળ લોકોને આપણાં દેશમાંઆવવા દેવા જોઇએ. અને આપણે એચવન બી પ્રોગ્રામ દ્વારા તે કરીશું.
એચવન બી વીઝા એ ઉચ્ચ કાર્યકુશળતા ધરાવતાં વિદેશની નાગરિકોને યુએસમાં છ વર્ષ માટે વસવાની મંજૂરી આપે છે. આ વીઝા શરૂઆતમાં ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે જેને બીજા ત્રણ વર્ષ લંબાવી શકાય છે. હાલ ૭૨ ટકા એચવન બી વીઝા ભારતીયો ધરાવે છે. જે લોકો એચવનબી વીઝા લંબાવવા અરજી કરી હોય તેમને યુએસની બહાર પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઓવલ ઓફિસમાં નવા આદેશો પર હસ્તાક્ષર કર્યા બાદ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે મને કાયદેસર ઇમિગ્રેશન સામે કશો વાધો નથી. મને તે ગમે છે. આપણે લોકોની જરૂર છે અને મને તેની સામે કોઇ વાંધો નથી. અમે ઇચ્છીએ છીએ કે લોકો કાયદેસર ઇમિગ્રેશન કરી આવે.
૨૦૨૪માં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત ૧૯૨ દેશોમાં ૨,૭૦,૦૦૦ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોમાં ૧૫૨૯ ભારતીયોનો પણ સમાવેશ થતો હતો. મેકિસકો અને સાલ્વાડોરના રહેવાસીઓ બાદ ભારતીયો ત્રીજા ક્રમના સૌથી મોટાં ગેરકાયદે ઇમિગ્રન્ટ જૂથ ગણાય છે. આઇસીઇ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧,૧૩,૪૩૧ જણાંની ધરપકડ કરવામાં આવી હતી. જે ગયા વર્ષે કરવામાં આવેલી ૧,૭૦,૫૯૦ ધરપકડ કરતાં ૩૪ ટકા ઓછી છે. આઇસીઇને મેક્સિકોની સરહદે વધારે બંદોબસ્ત કરવાની જરૂર પડતી હોઇ તેઓ દેશની અંદર ધરપકડ કરવા પર તેમનું ધ્યાનકેન્દ્રિત કરી શકતાં નથી.
- ટ્રમ્પે રેફ્યુજી પ્રોગ્રામ બંધ કરી દેતા વિશ્વભરના એરપોર્ટ પર હજારો લોકો અટવાયા
વોશિંગ્ટન,તા.૨૨
અમેરિકાના રેફ્યુજી રિસેટલમેન્ટ પ્રોગ્રામમાં ૨૭મી જાન્યુઆરી પહેલા નિરાશ્રિતોને પહોંચી વળવાની મંજૂરી આપવામાં આવી હતી હતી, પણ ટ્રમ્પ વહીવટીતંત્રએ આ આખો ટ્રાવેલ પ્લાન જ રદ કરી દીધો છે. તેના લીધે વિશ્વના વિવિધ સ્થળોએ હજારો નિરાશ્રિતો અટવાઈ પડયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સહી કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં રેફ્યુજી રિસેટલમેન્ટ પ્રોગ્રામ બંધ કરવાનો આદેશ પણ હતો. તેના લીધે હવે આ નિરાશ્રિતોએ અમેરિકા આવવાની મંજૂરી માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે તેમ છે. આ પહેલા તો ૨૭મી સુધી આ નિરાશ્રિતોને આવી જવાની છૂટ હતી. હવે આ અંગેનો ઇ-મેઇલ બતાવે છે કે રેફ્યુજી પ્રોસેસિંગ જોતી અમેરિકન એજન્સીએ સ્ટાફ અને હિસ્સેદારોને જણાવ્યું છે કે અમેરિકામાં આગળ નોટિસ મળે નહીં ત્યાં સુધી રેફ્યુજી પ્રોગ્રામ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.