મારા જિન્સ ભારતીય છે ઇન્ડોનેશિયાન પ્રમુખનો દાવો
- બંને દેશ વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ પર ભાર
- ઇન્ડોનેશિયન મંત્રીઓએ બોલિવૂડનું લોકપ્રિય ગીત કુછ-કુછ હોતા હૈ ગાતા લોકો મંત્રમુગ્ધ
નવી દિલ્હી : ભારતના પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જણાવ્યું હતું કે તાજેતરમાં તેમને ડીએનએ પરીક્ષણથી ખબર પડી કે તેઓ ભારતીય મૂળના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સન્માનમાં યોજેલા સમારંભમાં તેમણે આ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મારો જેનેટિક સીકવન્સિંગ ટેસ્ટ અને મારો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, આ પરીક્ષણે જણાવ્યું હતું કે હું ભારતીય મૂળ ધરાવું છું. દરેક જણ જાણે છે કે હું જ્યારે ભારતીય સંગીત સાંભળું છું ત્યારે નાચવા લાગું છું. મારો પગ આપોઆપ ગીતનો જાણે તાલ પાડતા હોય તેમ થિરકે છે. આ બધુ ચોક્કસપણે મારા ભારતીય જીન્સનો ભાગ હોઈ શકે છે. તેમની આ વાતે પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરને પણ આંચકો આપ્યો હતો.
સુબિયાન્તો ભારતમાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ચીફ ગેસ્ટ હતા. તેમણે આ પ્રસંગનો ઉપયોગ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ પર ભાર આપવા કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે અમારી ભાષાનો નોંધપાત્ર હિસ્સો સંસ્કૃતમાંથી આવ્યો છે. આજે પણ કેટલાય ઇન્ડોનેશિયન નામો સંસ્કૃતમાં છે. અમારા દૈનિક જીવનમાં પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અસર આજે પણ પહેલા જેટલી જ મજબૂત છે. તેમણે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં ઇન્ડોનેશિયન મંત્રીઓએ લોકોનું દિલ જીતી લીધું. આ સમારંભમાં ઉપલબ્ધ લોકો ત્યારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા જ્યારે બોલિવૂડનું લોકપ્રિય ગીત કુછ-કુછ હોતા હૈ ગાયુ. આ જોયાં પછી ઇન્ટરનેટ યુઝર્સ પણ મહેમાનોની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે કરણ જોહરની ફિલ્મ કુછ-કુછ હોતા હૈ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. તેનું થીમ સોંગ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકે ગાયું હતું.