લોકશાહી જાળવવાનુ ભારત પાસેથી શીખો, પાકિસ્તાની સંસદમાં PTIના નેતાએ શાહબાઝ શરીફની કાઢી ઝાટકણી
ઈસ્લામાબાદ,તા.05 માર્ચ 2024,મંગળવાર
પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનુ સેશન ચાલી રહ્યુ છે અને તેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના સાસંદો નવી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.
પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના સાંસદ અને નેતા ગૌહર ખાને નવા પીએમ શાહબાઝ શરીફને શીખામણ આપી છે કે, લોકશાહી વ્યવસ્થા ટકાવી રાખવા માટે અને લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂર છે.
તેમણે કહ્યુ હતુ કે, શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ છે અને કારણ વગર બેઠકો વધારી દેવાઈ છે. હુ ભારતનુ ઉદાહરણ તમારી સક્ષમ રજૂ કરૂ છુ. ભારતમાં 1971માં 54 કરોડ વસતી હતી અને આજે 140 કરોડ છે પણ લોકસભાની બેઠકો આજે પણ એટલી જ છે. લોકોના પૈસા બચાવવા માટે ભારતે લોકસભાની બેઠકો વધારી નથી. જો તમારે લોકશાહીને આગળ વધારવી હોય તો તમારા લાગતા વળગતાઓને ફાયદો પહોંચાડવાનુ રાજકારણ બંધ કરવુ પડશે.
ગૌહર ખાને આગળ કહ્યુ હતુ કે, પોતાના સબંધીઓને લાભ કરાવવાની શરીફ પરિવારની નીતિના કારણે દેશ પાછળ ધકેલાયો છે અને પાકિસ્તાનમાં લોકશાહી તબાહ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અ્ને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવી છે. કારણકે ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી. શાહબાઝ શરીફ ફરી એક વખત પાકિસ્તાનના પીએમ બન્યા છે. પીએમ પદ માટેની ચૂંટણીમં શાહબાઝને 201 તેમજ પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના ઉમેદવાર ઉમર અયૂબ ખાનને 92 જ વોટ મળ્યા હતા.
ઈમરાન ખાનની પાર્ટી ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સતત પ્રદર્શન કરી રહી છે. તેના સાંસદોએ સંસદમાં પણ દેખાવો કર્યા હતા.