હું દેશભક્ત હિન્દુ, જીતી તો ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધારવાનો પ્રયાસ કરીશઃ સવીરા પ્રકાશ
image : Twitter
ઈસ્લામાબાદ,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતની બુનેર બેઠક પરથી પીપીપી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા પહેલા હિન્દુ મહિલા ઉમેદવાર ડોકટર સવીરા પ્રકાશે કહ્યુ છે કે, હું ચૂંટણી જીતી તો પાકિસ્તાન અને ભારતના સબંધો સુધારવાના પુલ તરીકે કામ કરીશ.
સાથે સાથે તેમણે મહિલા અધિકારીઓની લડાઈ લડવાનુ પણ વચન આપ્યુ છે. સવીરા પ્રકાશ વ્યવસાયે ડોકટર છે અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયની નજર તેમની ચૂંટણી પર છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા 25 વર્ષીય સવીરા પ્રકાશે કહ્યુ હતુ કે, મને બુનેરની દીકરીનુ ઉપનામ મળેલુ છે. મુસ્લિમ ભાઈઓએ મને મત આપવાનુ તો વચન આપ્યુ જ છે પણ તેઓ મારા સમર્થનમાં પ્રચાર પણ કરી રહ્યા છે. દુનિયામાં સૌથી મોટો ધર્મ માનવતાનો છે અને હું આ જ ધર્મ માટે કામ કરીશ.
તેમણે કહ્યુ હતુ કે, પીપીપી પાર્ટી સાથે મારા પરિવારનો 37 વર્ષથી સબંધ છે. મને ટિકિટ મળ્યા બાદ જે રીતે મુસ્લિમ ભાઈઓનુ સમર્થન મળી રહ્યુ છે તેના કારણે મારો આત્મવિશ્વાસ હિમાલય કરતા પણ વધારે ઉંચાઈ પર છે. હું દેશભક્ત હિન્દુ છું અને હું ચૂંટણી જીતી તો દિલ્હી અને ઈસ્લામાબાદના સબંધોમાં હકારાત્મક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરીશ.
સવીરાએ કહ્યુ હતુ કે, પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનો ગોવા પ્રવાસ ભારત અને પાક વચ્ચેના સબંધોને સુધારવાની દીશામાં એક પહેલ હતી.
ઉલ્લેખનીય છે કે, સવીરા પ્રકાશ પીપીપી પાર્ટીની મહિલા પાંખના મહાસચિવ પણ છે. તેમના પિતા ત્રણ દાયકા કરતા વધારે સમયથી પીપીપી સાથે જોડાયેલા છે.
પાકિસ્તાનમાં આઠ ફેબ્રૂઆરીએ ચૂંટણઈ યોજાવાની છે અને નેશનલ એસેમ્બલીની 266 બેઠકો માટે મતદાન થશે. નેશનલ એસેમ્બલીમાં મહિલાઓ માટે 60 તેમજ લઘુમતીઓ માટે 10 બેઠકો અનામત છે.