હું મલાલા નથી, આતંકીઓના કારણે દેશ છોડવો નહીં પડે, ભારતમાં સુરક્ષિત છું
- કાશ્મીરની એક્ટિવિસ્ટ યાના મીરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી
- કાશ્મીરના યુવાનોના વિકાસમાં ભારતીય સૈન્યનું યોગદાન અનન્ય, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : યાના મીર
- બ્રિટિશ સંસદમાં યાના મીર સહિત 100થી વધુ સેલિબ્રિટીઓનું ડાયવર્સિટી એમ્બેસેડર પુરસ્કારથી સન્માન કરાયું
લંડન : ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાનને કાશ્મીરમાં રહેતી પત્રકાર એક્ટિવિસ્ટ યાના મીરે સણસણતો જવાબ આપતા તેની ઝાટકણી કાઢી છે. બ્રિટનની સંસદમાં યાના મીરનું ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે મલાલા સાથે તેની સરખામણીને નકારી કાઢી હતી.
કાશ્મીરની પત્રકાર એક્ટિવિસ્ટ યાના મીરે બ્રિટનની સંસદમાં જણાવ્યું હતું કે, હું મારા દેશમાં સુરક્ષિત છું. પાકિસ્તાન પર નિશાન સાધતા મીરે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હું ત્યાં સ્વતંત્ર તથા સુરક્ષિત છું. આ સમયે તેમણે યુવાનોના વિકાસમાં ભારતીય સૈન્યના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી.
કાશ્મીરી પત્રકાર અને એક્ટિવિસ્ટ યાના મીરને યુકે પાર્લામેન્ટ દ્વારા આયોજિત 'સંકલ્પ દિવસ'માં સન્માનિત કરવા માટે બોલાવી હતી. જમ્મુ-કાશ્મીરમાં વિવિધતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે મીરને ડાયવર્સિટી એમ્બેસેડર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં બ્રિટનના સંસદ સહિત ૧૦૦થી વધુ જાણિતી હસ્તીઓએ ભાગ લીધો હતો.
બ્રિટનની સંસદમાં યાના મીરે એ બાબત પર ભાર મૂક્યો હતો કે તે મલાલા યુસૂફઝઈ નથી, જેણે આતંકીઓની ધમકીઓના કારણે પોતાનો દેશ છોડવો પડયો હતો. યાના મીરે કહ્યું કે, હું મલાલા યુસૂફઝઈ નથી, કારણ કે હું મારા દેશ ભારતમાં સ્વતંત્ર અને સુરક્ષિત છું. હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં સુરક્ષિત છું, જે ભારતનો અભિન્ન ભાગ છે. મારે ક્યારેય પણ ભાગીને તમારા દેશમાં શરણ લેવાની જરૂર નહીીં પડે. હું ક્યારેય પણ મલાલા યુસૂફઝઈ નહીં બનું. મલાલા દ્વારા મારા દેશ અને મારી માતૃભૂમિ કાશ્મીરને ઉત્પીડિત કહીને બદનામ કરવાના કાવતરાં સામે મને વાંધો છે. મને સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયાના એવા બધા જ ટૂલકીટ સભ્યો સામે પણ વાંધો છે, જેમણે ક્યારેય કાશ્મીર જવાની ચિંતા કરી નથી, પરંતુ ઉત્પીડનની વાર્તાઓ બનાવતા રહે છે. મીરે આગળ કહ્યું, હું આપને આગ્રહ કરું છું કે તમે ધર્મના આધારે ભારતીયોને વિભાજિત કરવાનું કામ બંધ કરો. અમે આપને ક્યારેય તેની મંજૂરી નહીં આપીએ. પસંદગીનો પ્રોપેગેંડા ફેલાવવાનું બંધ કરી દો. મને આશા છે કે અમારા દેશના ગૂનેગારો જે પાકિસ્તાન અને બ્રિટનમાં રહે છે તે આંતરરાષ્ટ્રીય મીડિયા અથવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચો પર ભારતને બદનામ કરવાનું બંધ કરે. આંતરરાષ્ટ્રીય મીડિયા પર નિશાન સાધતા યાના મીરે કહ્યું કે, બ્રિટનના લિવિંગ રૂમમાંથી રિપોર્ટિંગ કરીને ભારતને વિભાજિત કરવાના પ્રયત્નો બંધ કરવા જોઈએ. આતંકવાદના કારણે કાશ્મીરની હજારો માતાઓ પહેલાથી જ પોતાના સંતાનોને ગુમાવી ચૂકી છે. કાશ્મીરના લોકોને શાંતિથી જીવવા દો.