હશ મની કેસ : ટ્રમ્પને પ્રમુખપદના શપથ પહેલાં સજા સંભળાવાય તેવી શક્યતા
- અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત ચૂંટાયેલા પ્રમુખ કોર્ટમાં હાજર થશે
- પ્રમુખપદની મુક્તિના આધારે કેસ રદ કરવા ટ્રમ્પની વિનંતી જજે ફગાવી : દંડ કે સજા વિના શરતી ડિસ્ચાર્જ અપાય તેવી સંભાવના
- ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત ઠરનારા અમેરિકાના પહેલા પ્રમુખ બને તેવી સંભાવના
ન્યૂયોર્ક : અમેરિકામાં બીજી વખત પ્રમુખપદના શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. ન્યૂયોર્કની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવ્યા છે અને પ્રમુખપદે શપથ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટ હશ મની કેસમાં સજા સંભળાવે તેવી શક્યતા છે. ૨૦ જાન્યુઆરીએ પ્રમુખપદના શપથ પહેલાં ટ્રમ્પને ૧૦ જાન્યુઆરીએ કોર્ટ સજા સંભળાવે તેવી સંભાવના છે. જોકે, કોર્ટે સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલ નહીં જવું પડે. આ સાથે અમેરિકન ઈતિહાસમાં પહેલી વખત કોઈ ચૂંટાયેલા પ્રમુખે કોર્ટનો સામનો કરવો પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પના કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ જુઆન એમ. મર્ચેને ચૂંટાયેલા પ્રમુખને જેલ થશે તેવી અટકળોને ફગાવી દીધી છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પને જેલ કે દંડ કશું જ નહીં થાય. ૧૦ જાન્યુઆરીએ થનારી સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને સશરત છોડી મૂકવામાં આવી શકે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા દોષિત પ્રમુખ બનશે તે લગભગ નિશ્ચિત મનાય છે. આ સિવાય આગામી સુનાવણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં વ્યક્તિગત હાજર નહીં રહે. તેઓ વર્ચ્યુઅલ હાજરી આપશે.
ટ્રમ્પના કેસની સુનાવણી કરી રહેલા જજ જુઆન મર્ચેને સંકેત આપ્યા હતા કે તેઓ ભૂતપૂર્વ અને ભાવી પ્રમુખને શરતી ડિસ્ચાર્જ તરીકે ઓળખાતી સજા આપશે, જેમાં પ્રતિવાદી ફરીથી ધરપકડ ટાળે તો કેસ રદ થઈ જાય છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની મુક્તિના ધોરણે પોતાની સામેનો કેસ રદ કરવા અને આ કેસમાં ચૂકાદો ના આવે તે માટે જજ મર્ચેન પર દબાણ કર્યું હતું, પરંતુ તેઓ ટ્રમ્પના દબાણને વશ થયા નહોતા. જજે કહ્યું કે, તેમને ટ્રમ્પને સજા સંભળાવવામાં કોઈ કાયદાકીય અવરોધ જોવા મળ્યો નથી. તેથી ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પ પ્રમુખપદના શપથ લે તે પહેલાં જ તેઓ તેમને સજા કરી શકે છે.
આ પહેલાં ટ્રમ્પને સજાની તારીખ ઘણી વખત બદલવામાં આવી હતી. અગાઉ ૧૧ જુલાઈ ૨૦૨૩ના રોજ ટ્રમ્પને સજાની તારીખ નિશ્ચિત કરાઈ હતી, પરંતુ તેમના વકીલોની વિનંતી પર કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. છેવટે પ્રમુખપદની ચૂંટણી પછી નવેમ્બરના અંતમાં તારીખ નક્કી કરાઈ હતી. જોકે, ત્યાર બાદ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને મર્ચેને કાર્યવાહી અટકાવી દીધી, જેથી તેઓ આગળ શું કરવું તે અંગ ેવિચારી શકે. જજ મર્ચેન ટ્રમ્પને સજાની જાહેરાત ના કરે ત્યાં સુધી આ અંગે કશું કહી શકાય તેમ નથી. જોકે તેમણે તેમણે કાયદા મુજબ પ્રોસેક્યુટર્સ અને ટ્રમ્પને તેમની વાત કહેવાની તક આપવી પડશે. ટ્રમ્પ પર થયેલા આરોપો હેઠળ દંડથી લઈને ચાર વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. પરંતુ જજે સંકેત આપી દીધા છે કે ટ્રમ્પને દંડ અને જેલ વિના શરતી ડિસ્ચાર્જ અપાશે. જોકે, તેનાથી ટ્રમ્પ દોષિત ઠરનારા અમેરિકાના પહેલા પ્રમુખ બનશે તેવો ઈતિહાસ તો લખાઈ જ જશે. હકીકતમાં વર્ષ ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખ બન્યા પછી એડલ્ટ ફિલ્મોની સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેના સંબંધો જાહેર કરી દેવાની ધમકી આપી હતી. આ સમયે ટ્રમ્પે સ્ટોર્મીને ૧.૩૦ લાખ ડોલર આપીને ચૂપ રહેવા જણાવ્યું હતું. આ લેવડ-દેવડ છુપાવવા માટે તેમણે બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરી હતી. ટ્રમ્પ પર લાગેલા આ આરોપો સાચા સાબિત થયા હતા, જે અંગે હવે ૧૦ જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.
ભડકેલા ટ્રમ્પે જજને ભ્રષ્ટાચારી અને વિવાદાસ્પદ ગણાવ્યા
વોશિંગ્ટન : અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સામેનો હશ મની કેસ રદ કરવા જજ જુઆન મર્ચેન પર દબાણ કર્યુ ંહતું. પરંતુ જજે કેસ રદ કરવાનો ઈન્કાર કરી દેતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પર ભડક્યા હતા અને આકરી પ્રતિક્રિયા આપી હતી. ઉલટાનું તેમણે ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ પ્રમુખપદની ચૂંટણી લે તે પહેલાં જ ૧૦ જાન્યુઆરીએ આ કેસનો ચૂકાદો આપવાની જાહેરાત કરી દીધી. આ બાબતથી ભડકી ઉઠેલા ટ્રમ્પે જજ મર્ચેન પર કાયદો તોડવાનો આરોપ લગાવ્યો. પ્રવક્તા મારફત આપેલા નિવેદનમાં ટ્રમ્પે મર્ચેનને વિવાદાસ્પદ અને ભ્રષ્ટ જજ પણ જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર તેમના દાવાનું પુનરાવર્તન કરતાં ટ્રમ્પે લખ્યું, મર્ચેને બ્રેગ દ્વારા લગાવાયેલા આરોપ પર સુનાવણી કરીને કાયદા સાથે છેતરપિંડી કરી છે. આ કેસ તેમના વિરુદ્ધ ચલાવાયેલા વિરોધ અભિયાનનો એક ભાગ છે. તેમાં કોઈ સત્ય નથી. જજનું આ રીતે મારા પર કાર્યવાહી કરવું અયોગ્ય રાજકીય હુમલો છે. આપણે તેમને રોકવા પડશે. આપણે આ પ્રકારની પ્રક્રિયા ખતમ કરવી પડશે. ત્યારે જ આપણે એક રાષ્ટ્ર તરીકે સાથે આવી શકીએ છીએ અને એક વખત ફરીથી અમેરિકાને મહાન બનાવવા માટે કામ કરી શકીએ છીએ.