રાષ્ટ્રપ્રમુખ બન્યા પહેલા ટ્રમ્પને સજા સંભળાવશે કોર્ટ? પોર્ન સ્ટારને નાણાં આપી ચૂપ કરાવવાનો છે આરોપ
- ટ્રમ્પ પર પોર્ન સ્ટાર્સને નાણાં આપી ચૂપ રાખવાનો આરોપ
- ટ્રમ્પના વકીલોની સ્ટેટ અપીલ્સ કોર્ટમાં જજ જુઆન મર્ચનના ગયા સપ્તાહના આદેશને પડકારવાની તૈયારી
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ જજને 10 જાન્યુઆરીએ સજા ન સંભળાવવાની અપીલ કરી છે. આ કેસમાં ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે પોર્ન સ્ટાર્સને નાણાં આપીને ચૂપ રહેવા જણાવ્યું હતું.
10 જાન્યુઆરીએ ટ્રમ્પને પોતાને કોર્ટમાં હાજર રહેવું પડશે. આ અગાઉ ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે તેમણે સ્ટેટ અપીલ્સ કોર્ટમાં જજ જુઆન એમ મર્ચનના ગયા સપ્તાહના આદેશને પડકારવાની યોજના બનાવી છે.
જસ્ટિસ જુઆન મર્ચનના આદેશનો અર્થ થાય છે કે ટ્રમ્પને ૨૦ જાન્યુઆરીએ પોતાના શપથના ૧૦ દિવસ પહેલા કોર્ટની સુનાવણીમાં હાજર રહેવું પડશે. જે અમેરિકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે. ટ્રમ્પથી પહેલા કોઇ પણ પૂર્વ કે વર્તમાન અમેરિકન પ્રમુખ પર કોઇ અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો નથી અને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
ન્યૂયોર્કના જજ જુઆન મર્ચેને સંકેત આપ્યા હતાં કે તે ટ્રમ્પને જેલની સજા કે દંડ ફટકારશે નહી પણ તેમને શરતોને આધિન મુક્ત કરશે. તેમણે પોતાના આદેશમાં જણાવ્યું છે કે નવા ચૂંટાયેલા પ્રમુખ સુનાવણી માટે વ્યકિતગત રીતે અથવા વર્ચયુઅલ રીતે હાજર રહી શકશે.
એક નિવેદનમાં ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે જણાવ્યું હતું કે આ કેસમાં કોઇ સજા સંભળાવવી જોઇએ નહીં. બંધારણની માંગ છે કે આ કેસને તાત્કાલિક ફગાવવામાં આવે.
આ અગાઉ ટ્રમ્પે પોતાની વિરુદ્ધના કેસને ફગાવવા માટે દલીલ કરી હતી કે તે ચૂંટણી જીતી ગયા છે. તેમણે સજાની સાથે આગળ વધવા માટે જજના ચુકાદાની ટીકા કરી હતી.