260 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકશે, 33 લાખની વસતી ધરાવતા અમેરિકાના બે શહેરો પર સંકટ
- 33 લાખની વસ્તી ધરાવતા ટેમ્પા બે વિસ્તારમાં વિનાશ વેરાશે
- ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં વાવાઝોડાં સાથે છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી
USA News | ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટામ્પા બે વિસ્તારમાં કેટેગરી ફાઇવ હરિકેન મિલ્ટન બુધવારે મોડી રાત્રે અથવા ગુરૂવારે સવારે 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. સત્તાવાળાઓએ આ વિસ્તારને ખાલી કરવાની તાકીદ કરી હોવા છતાં ઘણાં રહેવાસીઓએ આ સ્થળે રહેવાનો આગ્રહ રાખતાં અધિકારીઓએ તેમના બચવાની તકો ઓછી હોવાનું જણાવી તેમને ચેતવ્યા છે. હરિકેન સેન્ટર દ્વારા અપાયેલી ચેતવણી અનુસાર વેસ્ટ સેન્ટ્રલ ફલોરિડામાં મિલ્ટન સૌથી વિનાશક વાવાઝોડું બની રહેશે. ચેતવણીને પગલે ફલોરિડાવાસીઓએ કારમાં બેસી વિસ્તાર ખાલી કરવા માંડતા હાઇવે પર કારોની લાંબી લાઇન જોવા મળી હતી. દરિયામાં પંદર ફૂટ ઉંચા પાણીના મોજાં ઉછળશે તો શહેરમાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઇ જશે તેવી આગાહી ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કરી હતી.
સૌથી વિનાશક ગણાતું આ વાવાઝોડું હાલ ટેમ્પાથી 485 કિમીના અંતરે 260 કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ફલોરિડા તરફ કલાકે 22 કિમીની ઝડપે આગળ ધસી રહ્યું છે. ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ છે. ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને કારણે વિનાશક પૂર આવશે.
હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકવાની તૈયારીમાં છે. હેલેન વાવાઝોડામાં ૨૩૦ લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે મિલ્ટન વાવાઝોડાંમાં આ ભંગાર ઉડશે તો તે વિનાશક બની જશે. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે સરકારે ૩૦૦ કચરાં ગાડીઓને તહેનાત કરી 1300 ટન ભંગાર દૂર કર્યો છે.
હેલેન વાવાઝોડાંનો ભોગ બનેલા લોકો હવે મિલ્ટન વાવાઝોડાં સામે કોઇ ચાન્સ લવા માંગતા નથી. લોકોના પેટમાં આ વાવાઝોડાની આગાહી થતાં જ ફાળ પડી છે. મોટાભાગના લોકો કારમાં બેસી ફલોરિડાથી રવાના થવા માંડયા છે. તો અમુક લોકો એવા પણ છે જેમણે હેલેન હરિકેન દરમ્યાન ભારે નુકસાન થવા છતાં હરિકેન મિલ્ટન દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવાની તૈયારી કરી લીધી છે.