Get The App

ફલોરિડામાં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વેરાશે, દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ફલોરિડામાં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વેરાશે, દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે 1 - image


- મહત્તમ 177 કિમીની ઝડપે પવન ફૂંકાશે, એટલાન્ટામાં પૂરની ચેતવણી  

- હરિકેન હેલેનની અસર જ્યોર્જિયા-ફલોરિડાથી માંડી ટેનેસી, કેન્ટુકી અને ઇન્ડિયાનામાં પણ અનુભવાશે 

તાલાહાસિ, ફલોરિડા : મેક્સિકોના અખાતમાંથી ૧૫૫ કિમીની ઝડપે વાવાઝોડું હેલેન ફૂંકાવા સાથે ફલોરિડામાં ભારે વરસાદ થવાની તથા અપાલાચી અખાતમાં ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળવાની આગાહી તાલાહાસીમાં આવેલા નેશનલ વેધર સર્વિસની ઓફિસમાંથી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા હરિકન હેલેન હાલ કેટેગરી ટુ સ્ટોર્મ છે તે વધારે ભયાનક બની ગુરૂવારે સાંજે ફલોરિડાના કાંઠે ત્રાટકે ત્યારે કેટેગરી થ્રી સ્ટોર્મ પણ બની શકે છે. ફલોરિડા, જ્યોર્જિયા અને કેરોલિનાના ગવર્નર્સ દ્વારા તેમના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવાઇ છે. 

ગુરૂવારે હરિકેન ચેતવણી કેન્દ્રો દ્વારા અચાનક પૂરની આપત્તિ સામે સાવધ રહેવાની ચેતવણી અપાઇ હતી. માયામીમાં આવેલાં નેશનલ હરિકેન સેન્ટર ખાતે કામ કરતાં હરિકેન વિશેષજ્ઞા જેક બેવને જણાવ્યું હતું કે આ હરિકેન બીગ બેન્ડ વિસ્તારમાં લેન્ડફોલ કરશે. જેની અસર ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળશે. હરિકેન હેલેનની અસરો જ્યોર્જિયા-ફલોરિડા લાઇનથી ઉત્તરે ૧૦૦ માઇલ સુધી અનુભવાશે તો તેને કારણે ટેનેસી, કેન્ટુકી અને ઇન્ડિયાનામાં પણ વરસાદ પડવાની વકી છે. ગુરૂવારે સવારે  હરિકેન હેલેન ટેમ્પાથી સાઉથવેસ્ટમાં ૩૨૦ માઇલના અંતરે હતું. તે ૧૧૫ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે  ઇશાન દિશામાં  કલાકે ૧૯ કિમીની ઝડપે આગળ વધી રહ્ય ું છે. હરિકેન હેલેન કેટેગરી થ્રીમાં પરિવર્તિત થશે  તો ભારે તારાજી  થવાની આગાહી કરાઇ છે. 

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારે કેરેબિયન સીમાં સર્જાયેલું આ હરિકેન કોર્ટેસ બે પર ત્રાટકતાં ૧૬ ફૂટ માજાં ઉછળવાને પગલે ક્યુબાની સરકારે સાવચેતીના પગલાં તરીકે ઘણાં વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દીધો હતો. કેમેન ટાપુને ધમરોળ્યા બાદ વાવાઝોડાને પગલે થઇ રહેલો વરસાદ બુધવારથી એટલાન્ટામાં પડી રહ્યો  છે. આ વરસાદને કારણે ક્રોગર સુપરમાર્કેટમાં પાણી ભરાઇ ગયા હતા. 

પહેલી જુનથી શરૂ થયેલી એટલાન્ટિક હરિકેન સિઝનમાં હેલેન એ આઠમું હરિકેન છે. આ વર્ષે સમુદ્ર વધારે પડતો ગરમ થઇ ગયો હોવાથી આ વર્ષે સરેરાશ કરતાં વધારે હરિકેન એટલે કે વાવાઝોડાં ફૂંકાવાની આગાહી છે. બુધવારે એટલાન્ટિક મહાસાગરમાં ઇસાક નામનું ટ્રોપિકલ સ્ટોર્મ સર્જાયું છે જે સપ્તાહાંતે હરિકેનમાં પલટાઇ શકે છે. તે બરમ્યુડા પર ૮૫ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. દરમ્યાન પેસેફિક મહાસાગરમાં ફૂંકાયેલા જ્હોન વાવાઝોડામાં બે જણાના મોત થયા હતા. તે કેટેગરી થ્રી હરિકેનમાં ફેરવાઇ અકાપુલ્કોની પૂર્વ તરફ જમીન પર વીરમ્યુ હતું. 


Google NewsGoogle News