Get The App

અમેરિકામાં વાવાઝોડાનો કહેર, 13નાં મોત, 1.20 કરોડ લોકો પ્રભાવિત, 6 રાજ્યોમાં ઈમરજન્સી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં વાવાઝોડાનો કહેર, 13નાં મોત, 1.20 કરોડ લોકો પ્રભાવિત, 6 રાજ્યોમાં ઈમરજન્સી 1 - image


USA Helene Storm News : અમેરિકામાં હેલેન વાવાઝોડાંએ ભારે કેર વર્તાવ્યો હતો. કેટેગરી-૪નું શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાંના કારણે ૧,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી જ્યારે ૧.૨૦ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. છ રાજ્યોમાં ૩૫ લાખથી વધુ લોકોએ પાવર કટનો સામનો કરવો પડયો હતો.

અમેરિકામાં ફ્લોરિડાના દરિયા કિનારે હેલેન વાવાઝોડું ત્રાટક્યા પછી આવેલા વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ઈમર્જન્સી ક્રૂએ ભારે જહેમત ઊઠાવવી પડી હતી. આ વાવાઝોડું ગુરુવારે મોડી રાતે ફ્લોરિડાના ગ્રામીણ બીગ બેન્ડ વિસ્તારમાં દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતું. આ સમયે પવનની ગતિ પ્રતિ કલાક ૨૨૫ કિ.મી. હતી. જોકે, વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિના સુધી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 

ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના, ટેનેસી અને વર્જિનિયા સહિત છ રાજ્યોમાં ૩૫ લાખથી વધુ લોકોએ વીજળી વિના રહેવું પડયું હતું. જ્યોર્જિયાની એક આખી કાઉન્ટીમાં પાવર કટ થઈ ગયો હતો. આ રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં ૧,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી જ્યારે ૪,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી અથવા અન્ય સ્થળે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

વાવાઝોડું એટલું ભયાનક હતું કે, ફ્લોરિડા પર ત્રાટક્યું ત્યારે દરિયામાં કેટલાક સ્થળો પર ૨૦ ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. વાવાઝોડાંના કારણે દરિયાના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને અનેક સ્થળો પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ફ્લોરિડાના ગવર્નર રૉન ડી-સેન્ટિસે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળો પર જતા રહેવા સલાહ આપી હતી. ફ્લોરિડાના પાટનગર ટાલાહૈસીના મેયર જોન ડેલીએ કહ્યું કે, આ વાવઝોડું શહેરમાં આવેલું સૌથી શક્તિશાળી તોફાન હોઈ શકે છે અને તેનાથી શહેરમાં ભારે વિનાશ વેરાયો હશે.

હેલેન વાવાઝોડાંના કારણે પવન એટલી તિવ્ર ગતિએ ફૂંકાયો હતો કે જ્યોર્જિયાની વ્હીલર કાઉન્ટીમાં ખેતરમાં ઊભી રહેલી ટ્રોલી ઊડીને હાઈવે પર પડી હતી. તેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. બે કાર પણ વાવાઝોડાંની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે, તેમાં કેટલાં લોકો ઘાયલ થયા છે તે જાણી શકાયું નથી. જ્યોર્જિયાની થોમસ કાઉન્ટીમાં એક જ વર્ષમાં ત્રીજું વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે.

જોકે, વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક ૧૧૦ કિ.મી. થઈ ગઈ હતી. વાવાઝોડું આગળ વધતાં ટેનેસી અને કેન્ટકી સુધી પહોંચી નબળું પડી જશે તેવી અપેક્ષા સેવાય છે. વધુમાં ફ્લેશ ફ્લડના જોખમ સાથે અપ્પાલાચીન પર્વતો પર ભારે વરસાદ થવાની શક્યતા છે. 

અમેરિકન હવામાન વૈજ્ઞાાનિક ફિલ ક્લોટ્ઝબેકે કહ્યું કે, છેલ્લા ૩૫ વર્ષમાં માત્ર ત્રણ તોફાન હેલેન કરતાં મોટા હતા, જેમાં ૨૦૧૭ના ઈરમા, ૨૦૦૫ના વિલ્મા અને ૧૯૯૫ના ઓપલનો સમાવેશ થાય છે. બીજીબાજુ મેક્સિકોની ખાડીમાંથી છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલું આ સૌથી મોટું વાવાઝોડું છે. ફ્લોરિડામાં વાવાઝોડાંના કારણે અનેક ઘર તણાઈ ગયા હતા. આ વાવાઝોડું એટલું વ્યાપક હતું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પણ તે જોઈ શકાતું હતું. વાવાઝોડાંના કારણે આવેલા મૂશળધાર વરસાદથી લોકોના ઘરો અને ઓફિસોમાં પાણી ભરાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર હેલેન વાવાઝોડાંથી જે વિનાશ વેરાયો હતો તેના અનેક વીડિયો વાયરલ થયા હતા.


Google NewsGoogle News