બાળશોષણ કેસમાં દોષીતને માફ કરી વિવાદમાં ફસાયા હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, આપ્યું રાજીનામું

- શુક્રવારે સાંજે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ પેલેસની બહાર એકઠા થઈ ગયા હતા

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
બાળશોષણ કેસમાં દોષીતને માફ કરી વિવાદમાં ફસાયા હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, આપ્યું રાજીનામું 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

Hungary President Resigns : હંગેરીના રાષ્ટ્રપતિ કેટલિન નોવાકે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેટલિન નોવાકે બાળ યૌન શોષણ કેસમાં દોષિતની સજા માફ કરી દીધી હતી જેનો લોકોએ વિરોધ કર્યો હતો અને આ વિરોધને કારણે કેટલિન નોવાકને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દેવુ પડ્યુ છે. કેટલિન નેવાકે કહ્યું કે, મારાથી ભૂલ થઈ છે અને તેના કારણે મેં રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. નોવાકને વડાપ્રધાન વિક્ટર ઓર્બનની નજીકના ગણવામાં આવે છે. વિપક્ષના નેતાઓ આ અંગે રાષ્ટ્રપતિ પર દબાણ બનાવી રહ્યા હતા અને શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનની બહાર પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું.

46 વર્ષીય નોવાકે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું. તેમણે કહ્યું કે હું એ લોકોની માફી માંગી રહી છું જેમને મેં દુઃખ પહોંચાડ્યું છે હું તે પીડિતોની પણ માફી માંગુ છું જેમને લાગે છે કે મેં તેમનું સમર્થન ન કર્યું. હું બાળકો અને પરિવારોના સુરક્ષાના પક્ષમાં હંમેશા હતી, હજુ પણ છું અને હંમેશા રહીશ. કેટલિન નોવાક હંગેરીની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. તેમણે માર્ચ 2022માં આ પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ચિલ્ડ્રન્સ હોમના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરને માફી આપવામાં આવી હતી. તેનો બોસ બાળકોનું જાતીય શોષણ કરતો હતો અને બોસના આ કૃત્યને છુપાવવામાં પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરે મદદ કરી હતી. તેમને માફી આપવાનો નિર્ણય ગત વર્ષે એપ્રિલમાં પોપની બુડાપેસ્ટની મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો હતો. જ્યારથી આ વાત સામે આવી ત્યારથી વિપક્ષી નેતાઓ કેટલિન નોવાકના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

શુક્રવારે સાંજે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ પેલેસની બહાર એકઠા થઈ ગયા હતા. નોવાક ત્યારે કતારમાં વર્લ્ડ વોટર પોલો ચેમ્પિયનશીપમાં કઝાકિસ્તાન VS હંગેરીની મેચમાં સામેલ થવા માટે ગયા હતા. માહિતી મળતાં જ તેઓ બુડાપેસ્ટથી પરત ફર્યા હતા. પરત ફરતાની સાથે જ તેમણે રાજીનામું આપવાનું એલાન કરી દીધુ હતું. આના થોડા સમય બાદ વડાપ્રધાન ઓરબાનના અન્ય સહયોગી જુડિત વારગાએ પણ રાજીનામું આપવાનું એલાન કરી દીધુ હતું. વારગા જ્યારે ન્યાયમંત્રી હતા ત્યારે માફીની અરજીને મંજૂરી આપી હતી.


Google NewsGoogle News