ભારતના ખેડૂત આંદોલનના પડઘા બ્રિટિશ સંસદમાં પડ્યા, શીખ સાંસદે ખેડૂતોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
image : Socialmedia
લંડન,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
ભારતમાં નવેસરથી શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા બ્રિટનની સંસદમાં પણ પડયા છે.
આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચેની વાટાઘાટો હજી સુધી સફળ થઈ નથી. તેમાં પણ બુધવારે એક યુવકનુ ગોળી વાગવાથી મોત થયુ હોવાના કારણે આંદોલન વધારે ભડકયુ છે. જોકે આ યુવકનુ મોત પોલીસ ફાયરિંગમાં થયુ હોવાનો પોલીસે ઈનકાર કર્યો છે.
હવે ભારતના ખેડૂત આંદોલનમાં બ્રિટિશ સાંસદો પણ ચંચૂપાત કરવા માંડ્યા છે. બ્રિટનમાં સિખ સાસંદ તનમનજીત સિંહ ઢેસીએ ખેડૂત આંદોલનમાં યુવકના મોતનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, શીખ સમુદાય અને સ્થાનિક ગુરુદ્વારા કમિટિઓએ આંદોલનમાં ખેડૂતોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરીને મને પત્ર લખ્યો છે. એક આંદોલનકારીનુ પોલીસ ઘર્ષણ દરમિયાન મોત થયુ છે અને તેનુ મોત ગોળી વાગવાથી થયુ છે. પંજાબ સરકારે પણ આ વાતને સમર્થન આપ્યુ છે. શું બ્રિટિશ સરકાર ખેડૂતોના માનવાધિકારોના સમર્થનમાં છે અને બ્રિટિશ સરકારે આ બાબતે કોઈ કાર્યવાહી કરી છે?
આ સવાલ પર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પેની મોડોંટે જવાબ આપતા કહ્યુ હતુ કે, આ એક ગંભીર મામલો છે. સરકાર સુરક્ષા સાથે પ્રદર્શનના અધિકારનુ સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના મંત્રી આ બાબતે તમને બહુ જલ્દી જવાબ આપશે.
ખેડૂત આંદોલનમાં યુવકના મોતને લઈને ભારતમાં બે રાજ્યો વિરોધાભાસી દાવા કરી રહ્યા છે. હરિયાણા પોલીસનુ કહેવુ છે કે, દેખાવો દરમિયાન યુવકનુ મોત નથી થયુ તો પંજાબ સરકાર કહી રહી છે કે, ખેડૂતનુ ગોળી વાગવાથી મોત થયુ છે.