લંડનનું હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ, પાવર સબસ્ટેશનમાં અચાનક આગ લાગી
London Heathrow Airport: બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હીથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહેશે. લંડનમાં પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો છે. આ આગને કારણે, હીથ્રો એરપોર્ટની આસપાસના 16 હજારથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે લગભગ 150 લોકોને સલામત સ્થળોએ લઈ જવા પડ્યા છે.
હીથ્રો એરપોર્ટ પ્રશાસને મુસાફરોને કરી વિનંતી
અહેવાલો અનુસાર, હીથ્રો એરપોર્ટ પ્રશાસને આ ઘટના અંગે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમે શુક્રવારે આખા દિવસ માટે હીથ્રો એરપોર્ટ બંધ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત, મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી એરપોર્ટ ફરી ખુલે નહીં ત્યાં સુધી તેઓ ત્યાં ન આવે.'
લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે, 'આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.'
આ પણ વાંચો: જાણીતા ભારતીય ચિત્રકાર એમએફ હુસૈને 70 વર્ષ પહેલા બનાવેલું પેઈન્ટિંગ 118 કરોડમાં વેચાયું
ઉલ્લેખનીય છે કે, હીથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1,300 લેન્ડિંગ અને ટેક-ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ છે.