ફરી યુદ્ધની આગમાં હોમાશે સીરિયા! ‘અલેપ્પો' પર બળવાખોરોનો કબજો, સેંકડોના મોત-એરપોર્ટ બંધ
Syria War : મધ્યપૂર્વમાં લાગેલી યુદ્ધની આગ શમવાનું નામ નથી લેતી. ઈઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે સળગેલું ઊંબાડિયું સહેજ શાંત થયું ત્યાં તો હવે સીરિયામાં પૂળો ચંપાયો છે. ઈસ્લામિક જૂથ ‘હયાત તહરિર અલ-શામ’ (HTS) અને ‘ફ્રી સીરિયન આર્મી’ દ્વારા કરાયેલા હુમલાને કારણે સીરિયામાં મોટા પાયે હિંસા ફાટી નીકળી છે.
શું બની રહ્યું છે સીરિયામાં?
ગયા અઠવાડિયે સીરિયન બળવાખોર દળોએ સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારો પર મોટા પાયે હુમલો કર્યો હતો અને 30 નવેમ્બર, શનિવારના રોજ દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેર ‘અલેપ્પો’ પર કબજો કરી લીધો હતો. આ હુમલામાં 412 લોકો માર્યા ગયા છે. જીવ બચાવવા માટે સેંકડો નાગરિકો શહેર છોડીને ભાગી ગયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદ હુમલાખોરોને નાથવામાં વામણા પડી રહ્યા છે. બળવાખોરોએ સીરિયન આર્મીની ઘણી ટેન્કો અને મિસાઈલોનો ભંડાર કબજે કર્યો છે.
હયાત તહરિર અલ-શામ શું છે?
હયાત તહરીર અલ-શામ (HTS) એ એક ઈસ્લામિક રાજકીય અને આતંકવાદી જૂથ છે જે મુખ્યત્વે સીરિયાના ગ્રેટર ઈદલેબ વિસ્તારમાં કાર્યરત છે, જેમાં અલેપ્પોના પશ્ચિમી ગ્રામ્ય વિસ્તારો, લત્તાકિયા પર્વતો અને ઉત્તર-પશ્ચિમ હમામાં અલ-ગબ મેદાનનો સમાવેશ થાય છે.
આઝાદી માટે લડતું આતંકી સંગઠન!
HTS નો અર્થ થાય છે ‘ઓર્ગેનાઈઝેશન ફોર ધ લિબરેશન ઓફ ધ લેવન્ટ’, એટલે કે ‘લેવન્ટ પ્રાંતની આઝાદી માટે લડતું સંગઠન’. મેડિટેરેનિયન સમુદ્રને અડીને આવેલ ઈઝરાયલ, પેલેસ્ટાઇન, જોર્ડન, સીરિયા, લેબેનોન અને સાયપ્રસ જેવા દેશોના સંપૂર્ણ અથવા અંશતઃ વિસ્તારના બનેલા પ્રાંતને લેવન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
કઈ રીતે જન્મ્યું HTS?
મધ્યપૂર્વી દેશોમાં અમુક-તમુક પ્રાંતો-પ્રદેશોને આઝાદી અપાવવાની ચળ સાથે જાત-ભાતના આતંકવાદી સંગઠનો પેદા થતાં રહે છે. HTS પણ એવી જ એક શૂળ છે. 2011 માં કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા સંગઠન જભાત અલ-નુસરામાંથી HTS ની ઉત્પત્તિ થઈ હતી. ઈસ્લામિક સ્ટેટ જૂથનો નેતા અબુ બકર અલ-બગદાદી પણ HTSની રચનામાં સામેલ હોવાનું કહેવાય છે. અબુ મોહમ્મદ અલ-જવલાનીના નેતૃત્વ હેઠળ મજબૂત બનેલું HTS સીરિયા માટે માથાનો દુખાવો સાબિત થયું છે.
આ રીતે ફાલ્યું-ફૂલ્યું HTS
HTS પોતાના નિયંત્રણ હેઠળના પ્રદેશોમાંથી જે કંઈ આવક થાય છે એનો ઉપયોગ સીરિયાના સૈન્ય પર હુમલા કરવામાં વાપરે છે. કામધંધાના અભાવે સીરિયાના નાગરિકો આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયા છે, તેથી ભૂખે મરવાને બદલે આતંકી બની જવું શું ખોટું, એમ સમજીને યુવાનો HTS માં જોડાઈ જાય છે, જેથી HTS ની તાકાત વધતી જાય છે.
કયા કારણે જોરમાં આવ્યું HTS?
ઈઝરાયલ સામેની જંગમાં પેલેસ્ટાઈનને ટેકો આપવામાં સીરિયાનું સૈન્ય અને સરકાર વ્યસ્ત થઈ ગઈ અને સીરિયાની મદદ કરતું રશિયા યુક્રેન સાથે ભીડવામાં લાગેલું રહ્યું એટલે HTS ને ફાવતું મળી ગયું. લાગ જોઈને એણે ઘરઆંગણે જ પલીતો ચાંપ્યો અને અલેપ્પો ગજવે ઘાલી દીધું. હવે એની મંશા દેશના અન્ય પ્રાંતો પર કબજો જમાવવાની છે.
પડદા પાછળથી અમેરિકા ખેલી રહ્યું છે?
તાજેતરમાં, જો બાઈડને યુક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઈલોથી હુમલો કરવાની છૂટ આપી દીધી, અને યુક્રેને એમ કર્યું. એનો બદલો લેવા માટે રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક ઓર્શેનિક મિસાઈલોનો મારો ચલાવ્યો. રશિયા-યુક્રેન વચ્ચેની આગ વધુ ભડકે તો રશિયા દ્વારા સીરિયાને મળતી સૈન્ય મદદ ઓછી થાય, (અસદના સમર્થક પુતિન તેની આર્મીને સીરિયા મોકલી શકતા નથી, ફક્ત હવાઈ હુમલા કરવામાં અસદને મદદ કરી શકે છે) અને એ તકનો લાભ લઈને અસદ સરકારને ઉથલાવી શકાય, એવી ગણતરીએ અમેરિકા અને એના મળતિયા એવા યુરોપના દેશો પડદા પાછળ રહીને આ ખેલ ખેલી રહ્યા હોવાનું કહેવાય છે.
પશ્ચિમી દેશોને ભારી પડી શકે છે અસદની અળવીતરાઈ
દસ વર્ષ અગાઉ અસદે દમાસ્કસના ઘૌટા જિલ્લામાં ઘાતક નર્વ એજન્ટ સરીન ધરાવતા રોકેટ વડે હુમલો કરાવ્યો હતો, જેમાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા. પોતાના જ દેશના લોકો પર રાસાયણિક હુમલો કરાવનાર ક્રૂર સરમુખત્યાર બીજા દેશો બાબતે તો શું નું શું કરી શકે? પશ્ચિમી દેશો સામે જંગે ચઢવામાં અસદ દુનિયાને વિશ્વ યુદ્ધમાં પણ ધકેલી શકે એમ છે. અને જો HTS અસદને હરાવવામાં સફળ થશે તો એની સફળતાથી પ્રેરાઈને મધ્યપૂર્વી દેશોમાં નવા-નવા આતંકવાદી જૂથો ફૂટી નીકળશે.