24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો... ટ્રમ્પના ચૂંટાવાથી શાંતિકાળ આવશે કે હચમચશે દુનિયા?
Image Source: Twitter
Donald Trump: રિપબ્લિકન ઉમેદવાર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં 277 ઇલેક્ટોરલ વોટ સાથે અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ રહેવાની સાથે શપથ લેનારા અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બનશે. તેમના પહેલા જો બાઈડેને સૌથી વૃદ્ધ અમેરિકન પ્રમુખ તરીકે 78 વર્ષ અને 61 દિવસે શપથ લીધા હતા. જ્યારે ટ્રમ્પ 78 વર્ષ 221 દિવસે શપથ લેશે. ચૂંટણી જીતવા 270 ઇલેક્ટોરલ વોટની જરૂર હોય છે. તેમની કટ્ટર હરીફ ડેમોક્રેટ્સ કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં પ્રમુખ બનશે. તેમણે વર્ષ 2020માં જો બાઈડેનની સામે હાર બાદ ફરી એક વખત ધમાકેદાર વાપસી કરી છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2016માં પ્રમુખ બન્યા હતા. પરંતુ તેમનો આ બીજો કાર્યકાળ 2016ના મુકાબલે ખૂબ જ અલગ રહેશે.
2016માં જ્યારે ટ્રમ્પ પ્રથમ વખત ચૂંટાઈને વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા ત્યારે વૈશ્વિક પરિસ્થિતિ અલગ હતી અને હવે સંપૂર્ણપણે અલગ છે. તે સમયે ટ્રમ્પ શિખાઉ નેતા તરીકે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા પરંતુ આ વખતે તેઓ અનુભવ અને વધુ આક્રમકતા સાથે સરકાર ચલાવવાનો ઈરાદો ધરાવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રમુખ તરીકે આ તેમનો છેલ્લો કાર્યકાળ હોવાથી ટ્રમ્પ ખૂબ જ આક્રમક રીતે કામ કરશે.
ટ્રમ્પ 2024માં વધુ શક્તિશાળી કેવી રીતે બન્યા?
2024ની પ્રમુખ ચૂંટણીમાં ટ્રમ્પની આ જીત તેમની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. તેમણે 2016ના મુકાબલે આ વખતે વધુ વોટથી પોતાની હરીફને હરાવ્યા છે. પરંતુ તેનાથી પણ મોટો પ્લસ પોઈન્ટ અમેરિકન સેનેટમાં બહુમતી હાંસલ કરવાનો છે.
પ્રમુખની ચૂંટણીની સાથે-સાથે અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદની પણ ચૂંટણી યોજાઈ હતી. અમેરિકન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયેલી છે - ઉપલું ગૃહ એટલે કે સેનેટ અને નીચલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ. રિપબ્લિકન પાર્ટીએ અત્યાર સુધીની ચૂંટણીની ગણતરીમાં અમેરિકન સેનેટમાં બહુમતી હાંસલ કરી લીધી છે. 100 સભ્યોની સેનેટમાં રિપબ્લિકનને 52 બેઠકો મળી છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીને 44 બેઠકો મળી છે. આ રીતે ચાર વર્ષમાં પહેલીવાર રિપબ્લિકન પાર્ટીને સેનેટમાં બહુમતી મળી છે.
અમેરિકન સેનેટની જેમ રિપબ્લિકન પાર્ટીને નીચલું ગૃહ એટલે કે પ્રતિનિધિ સભામાં પણ બહુમતી મળી છે. અત્યાર સુધીની કાઉન્ટિંગમાં પ્રતિનિધિ સભામાં રિપબ્લિકન પાર્ટીની 206 બેઠકો થઈ ગઈ છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી 190 બેઠકો પર છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, હજુ મતગણતરી ચાલી રહી છે અને આ આંકડો વધી કે ઘટી શકે છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે ટ્રમ્પ માત્ર પ્રમુખ જ નથી બન્યા પરંતુ તેમની પાર્ટીએ અમેરિકી સંસદમાં પણ પકડ જમાવી લીધી છે.
અમેરિકન સંસદની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઘણી વખત પ્રમુખના નિર્ણયોને પણ પલટી નાખ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે ટ્રમ્પને ખબર છે કે અમેરિકન સંસદમાં પોતાની પાર્ટીનું વર્ચસ્વ છે, ત્યારે તેઓ વધુ ખુલ્લેઆમ નિર્ણયો લેવામાં અચકાશે નહીં.
શું આ ટ્રમ્પનો અંતિમ કાર્યકાળ હશે?
અમેરિકન બંધારણ પ્રમાણે કોઈપણ વ્યક્તિ માત્ર બે વખત જ દેશના પ્રમુખ પદ પર રહી શકે છે. આ અર્થમાં ટ્રમ્પનો આ બીજો અને છેલ્લો કાર્યકાળ થયો. ટ્રમ્પ સારી રીતે જાણે છે કે હું ફરીથી ચૂંટણી નહીં લડી શકીશ. આ કારણોસર વિશ્લેષકોનું કહેવું છે કે શક્ય છે કે, ટ્રમ્પ આ વખતે અરાજક રીતે નિર્ણય લઈ શકે છે.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે ટ્રમ્પ બંધારણમાં સુધારો કરીને બે વખત ચૂંટણી લડવાના નિયમમાં પણ ફેરફાર કરી શકે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે, આ લગભગ અશક્ય છે અને જો તે થાય તો પણ તેમાં વર્ષો લાગી શકે છે અને તે કોઈપણ રીતે સરળ નહીં થશે.
યુદ્ધો વચ્ચે પ્રમુખ પદ પર ચૂંટાયા ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રમુખની ચૂંટણી એવા સમયે જીતી છે જ્યારે વિશ્વમાં અનેક મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. એક તરફ તે ગાઝામાં હમાસને નિશાન પર લઈ રહ્યું છે તો બીજી તરફ તે ઈરાન અને લેબનોનમાં હિઝબુલ્લાહની કમર તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જો કે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટ્રમ્પ પ્રમુખ બને તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવતી આર્થિક અને સૈન્ય સહાય સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું હતું કે, તેઓ પ્રમુખ બનતાની સાથે જ યુક્રેનને આપવામાં આવેલા સમર્થનથી પાછળ હટી જશે.
બીજી તરફ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટ્રમ્પની મિત્રતાના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મિડલ ઈસ્ટનાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની શકે છે. પરંતુ ટ્રમ્પ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, હું આ યુદ્ધોને સમાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવીશ અને શક્ય તેટલી વહેલી તકે તેને સમાપ્ત કરવા માટે કામ શરૂ કરીશ.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કર્યો હતો દાવો
ટ્રમ્પે એક વખત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી અંગે કહ્યું હતું કે 'અત્યાર સુધી જન્મેલા તમામ નેતાઓમાંથી ઝેલેન્સકી કદાચ શ્રેષ્ઠ સેલ્સમેન છે. દર વખતે તેઓ આપણા દેશમાં આવે છે અને 60 અબજ ડોલર લઈને ચાલ્યા જાય છે. તે ચાર દિવસ પહેલા અમેરિકાથી 60 બિલિયન ડોલર લઈને વતન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ફરી જાહેરાત કરી દીધી હતી કે અમને 60 બિલિયન ડોલરની વધુ મદદની જરૂર છે. આ ક્યારેય ખતમ નહીં થશે.'
ત્યારબાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, હું પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ સત્તા હસ્તગત કરતા પહેલા જ આ મામલાનો ઉકેલ લાવી દઈશ. તેમણે કહ્યું હતું કે, હું 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકુ છું અને બાઈડેન પ્રશાસન પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા.
શુ ટ્રમ્પ શરૂ કરશે ચીન વિરુદ્ધ ટ્રેડ વોર?
2016માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમણે ચીનને આડે હાથ લીધું હતું. ટ્રમ્પને શરૂઆતથી જ ચીન વિરોધી માનવામાં આવે છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો હું પ્રમુખ બનીશ તો હું ચીનથી આયાત થતા સામાન પર ભારે ટેરિફ લગાવીશ.
ટ્રમ્પ તેની એન્ટી ચાઈના પોલિસી માટે ઓળખાય છે. અમેરિકામાં ઉત્પાદન વધારવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે તે ચીનથી આયાત થતા સામાન પર 60% ટેરિફ લાદી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પણ ચીન પર અનેક પ્રકારના ટેરિફ લગાવ્યા હતા. આ વખતે તેમની જીત બાદ માનવામાં આવી રહ્યું છે કે, શું તેઓ આ વખતે ચીન સામે ટ્રેડ વોર શરૂ કરશે?
ટ્રમ્પની જીતથી ઈરાન અને ચીનમાં સન્નાટો
ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે ઈરાનમાં પણ સન્નાટો પસર્યો છે. ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને ફરીથી રિવાઈવ કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ટ્રમ્પની જીતથી આ આશાને મોટો ઝટકો લાગ્યો છે. 2016માં પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે ઈરાન સાથેની ન્યુક્લિયર પ્રોગ્રામ ડીલ રદ્દ કરી દીધી હતી. આ સાથે જ તેના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાદી દીધા હતા.
ટ્રમ્પની જીતને લઈને આવો જ ભય ઈરાનને ફરી એક વાર સતાવી રહ્યો છે. તેનું બીજું એક કારણ હિઝબુલ્લાહ પણ છે. ટ્રમ્પ અગાઉ પણ હિઝબુલ્લાહને લઈને ઈરાનને આડે હાથ લેતા આવ્યા છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પદ સંભાળ્યા બાદ તેઓ ઈરાન વિરુદ્ધ પણ કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે.