અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા પર સંકટ, ટ્રમ્પ યુએસ સંસદમાં નવું બિલ લાવ્યા
US May End OPT Work Program : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી છે. ટ્રમ્પ અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં નવું બિલ લઈને આવ્યા છે, જેના કારણે ત્યાં અભ્યાસ કરતા અનેક દેશોના વિદ્યાર્થીઓના વિઝા, નોકરી અને ભવિષ્ય પર સંકટ ઘેરાયું છે. રિપોર્ટ મુજબ આ બિલનું નામ ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ અમેરિકન્સ એક્ટ ઓફ 2025 છે અને તેને કોંગ્રેસમેન પોલ ગોસરે ગૃહમાં રજૂ કર્યું છે.
બિલથી અન્ય દેશના લાખો વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
વાસ્તવમાં ટ્રમ્પ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (Optional Practical Training-OPT) પ્રોગ્રામને સંપૂર્ણ ખતમ કરવા માટે આ બિલ લાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો બિલ પાસ થઈ જશે તો અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ કામ કરવાની ઈચ્છા રાખનારા અન્ય દેશોના લાખો વિદ્યાર્થીઓનું સપનું રોડાઈ જશે. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ યુએસ છોડવાની ફરજ પડશે.
આ પણ વાંચો : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર 2.0, ભારત સહિત દુનિયાના અન્ય દેશો પર કેવી અસર થશે?
ઓપીટી પ્રોગ્રામ એટલે શું?
ઓપીટી પ્રોગ્રામના કારણે અનેક દેશોના વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. તેઓ આ પ્રોગ્રામ હેઠળ F-1 વિઝા મેળવી ત્યાં અભ્યાસ કરી શકે છે તેમજ આ પ્રોગ્રામ હેઠળ જ તેઓ અભ્યાસ સંબંધીત કામચલાઉ નોકરી પણ કરી શકે છે. ઓપીટીના કારણે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા બાદ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહી નોકરી શોધવાની તક મળે છે.
વિદ્યાર્થીઓને F-1 વીઝા પર કામ કરવાની મંજૂરી નહીં મળે
2023-24ના અહેવાલ મુજબ, લગભગ ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી 33 ટકા વિદ્યાર્થીઓ ઓપીટી મેળવવામાં સફળ થયા હતા. જો નવું બિલ પાસ થઈ જશે તો વિદ્યાર્થીઓને એફ-1 વીઝા પર કામ કરવાની મંજૂરી નહીં મળે અને તેઓએ સીધા જ એચ-1બી વિઝા (H1B Visa) માટે અરજી કરવી પડશે. બીજીતરફ એચ-1બી વિઝાનો કોટા મર્યાદિત છે અને તેની પ્રક્રિયા પણ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પનું બિલ ચિંતાનો વિષય બની ગયો છે.