જાણો, એક બીજાના પ્રશંસક મોહમ્મદ યુનુસ અને શેખ હસીના વચ્ચે વેરના 'બીજ' કેવી રીતે રોપાયા ?
યુનુસે રાજકારણમાં ઝંપલાવતા શેખ હસીના હરિફ તરીકે જોવા લાગ્યા
આર્થિક નિયમ ભંગને લગતા ૧૦૦થી વધુ કેસ યુનુસ પર કર્યા હતા
નવી દિલ્હી,૮ ઓગસ્ટ,૨૦૨૪,ગુરુવાર
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસનું ભાગ્ય પણ ખુલી ગયું છે. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભાગી જતા તેઓ રાજકિય વર્તુળોના કેન્દ્રમાં આવી ગયા છે. બાંગ્લાદેશની સેના અને ખાલિદા ઝીયાની પાર્ટી બીએનપી તથા જમાતે ઇસ્લામી સહિતના લોકો મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકારની રચનાને સર્મથન આપી રહયા છે.
બાંગ્લાદેશમાં ચુંટણી દ્વારા ચુંટાયેલી સરકાર સત્તા ના સંભાળે ત્યાં સુધી યુનુસના નેતૃત્વવાળી સરકાર બાંગ્લાદેશનો વહિવટ સંભાળશે. મોહમ્મદ યુનુસે ગ્રામીણ બેંકોની સ્થાપના કરીને બાંગ્લાદેશના બેન્કિંગ સેકટર સાથે ગરીબ માણસોને જોડવાની કામગીરી કરવાનો યશસ્વી ભૂતકાળ ધરાવે છે. ૧૯૯૭માં આ કામગીરી બદલ તેમને નોબેલ કમિટીએ નોબેલ પારિતોષિક આપ્યો હતો.
બાંગ્લાદેશમાં યુનુસનું નામ ખૂબજ માન સન્માનથી લેવાતું હતું. યુનુસ ખૂદ શેખ હસીના અને તેમના પિતા મુજીબૂર રહેમાનના પ્રશંસક રહયા હતા.શેખ હસીના પણ યુનુસના વખાણ કરતા થાકતા ન હતા. શેખ હસીના અને યુનુસ વચ્ચે વર્ષો સુધી સારા સંબંધો રહયા હતા. ૧૮ ફેબુ્રઆરી ૨૦૦૭માં યુનુસે નાગરિક શકિત નામના રાજકિય પક્ષની સ્થાપના કરી જે હસીનાને ગમ્યું ન હતું. મોહમ્મદ યુનુસે રાજકારણમાં ઝંપલાવતા શેખ હસીના તેમને હરિફ તરીકે જોતી હતી.
પોતાની ગાદી માટે ખતરો વધવાના ડરથી યુનુસ પર તપાસ એજન્સીઓ છોડી દીધી. તેમના પર આર્થિક નિયમ ભંગના ૧૦૦ થી પણ વધુ કેસ કર્યા. યુનુસે શેખ હસીના સરકારનો વિરોધ કરતા બંને વચ્ચે દુશ્મની શરુ થઇ હતી. શેખ હસીના સરકારના પતનની ઘટનાની યુનુસે બાંગ્લાદેશની બીજી આઝાદી સાથે સરખામણી કરી હતી. શેખ હસીના હાલ પુરતો ભારતમાં આશરો લઇ રહયા છે તેની પણ મોહમ્મદ યુનુસે ટીકા કરી છે.