Get The App

90 વર્ષના દાદીએ મેસીનુ નામ આપી જીવ બચાવ્યો, હમાસના આતંકીઓએ ગોળી મારવાની જગ્યાએ સેલ્ફી લીધી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
90 વર્ષના દાદીએ મેસીનુ નામ આપી જીવ બચાવ્યો, હમાસના આતંકીઓએ ગોળી મારવાની જગ્યાએ સેલ્ફી લીધી 1 - image


તેલ અવીવ,તા.23.માર્ચ.2024

હમાસે સાત ઓક્ટોબરે ઈઝરાયેલમાં કરેલા આતંકી હુમલાને લોકો હજી ભુલ્યા નથી.આ હુમલામાં બચેલા લોકો હજી પણ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા.

બચી ગયેલા લોકો પૈકી 90 વર્ષના વૃધ્ધા એસ્થર ક્યૂનિયોએ એવો દાવો કર્યો છે કે, સાત ઓક્ટોબરે બે બુકાનીધારી આતંકીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા પણ મેં તેમને કહ્યુ હતુ કે, હું આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર મેસી જ્યાં રહે છે તે જ જગ્યાની મૂળ રહેવાસી છું અને મેસીનુ નામ સાંભળતાની સાથે જ આતંકીઓએ મને ગોળી મારવાની જગ્યાએ મારી સાથે સેલ્ફી લીધી હતી અને મને છોડી દીધી હતી.

સાત ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલા અંગે બની રહેલી એક ડોક્યુમેન્ટરીમાં એસ્થર ક્યૂનિયોએ આખી ઘટનાનુ વર્ણન કર્યુ છે.તેમણે કહ્યુ છે કે, જ્યારે હુમલો થયો ત્યારે હું નીર ઓઝ નામના કિબુત્ઝમાં રહેતી હતી અને તેના પર પણ આતંકીઓ ત્રાટકયા હતા.આતંકીઓ મારા ઘરમાં ઘૂસ્યા હતા અને તેઓ જાણવા માંગતા હતા કે મારા પરિવારના બાકીના સભ્યો ક્યાં છે. મેં તેમને કહ્યુ હતુ કે, મારી સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.કારણકે હું તમારી ભાષા નથી જાણતી.તમે અરેબિકમાં બોલી રહ્યા છો અને મને તો હિબ્રુ ભાષા પણ બરાબર આવડતી નથી.હું તો મૂળ આર્જેન્ટિનાની છું અને સ્પેનિશમાં જ વાત કરી શકું છું.

એસ્થર ક્યૂનિયો આગળ કહે છે કે, મને આતંકીઓએ પૂછ્યુ હતુ કે આર્જેન્ટિના ક્યાં આવેલુ છે?ત્યારે મેં તેમને ભાંગી તુટી હિબ્રુ, સ્પેનિશ ભાષા અને ઈશારાઓ કરીને પૂછ્યુ હતુ કે તમે ફૂટબોલ જુઓ છો? ત્યારે એક આતંકીએ જવાબ આપ્યો હતો કે મને ફૂટબોલ ગમે છે...એ પછી મેં તેમને સમજાવ્યુ હતું હું એ જ દેશમાંથી આવુ છું જ્યાં મેસી રહે છે ..આટલુ સાંભળતા જ એક આંતકીએ પોતાની એસોલ્ટ રાયફલ મારા ખોળામાં મુકી દીધી હતી અને બીજા આતંકીએ સેલ્ફી લીધી હતી અને એ પછી તેઓ મારા ઘરમાંથી જતા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આતંકી હુમલા બાદ એસ્થર ક્યૂનિયોની અને હમાસના આતંકીની એકે 47 તેમજ પેલેસ્ટાઈનના ઝંડા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


Google NewsGoogle News