ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં કેટલો તફાવત? સસ્તું સોનું મળવાના શું છે કારણો
Gold News : દિન પ્રતિદિન સોનાના ભાવમાં વધારો થતો જાય તેમ મધ્યમ વર્ગની મુશ્કેલી વધે છે કારણ કે ભારતમાં સોનું એક ધાતું નહી પરંતુ સામાજિક વ્યહવાર સાથે જોડાયેલી વસ્તું છે. સગાઇ અને લગ્ન જેવા પ્રસંગમાં સોનાની જરુર પડે છે. લોકો લગ્નપ્રસંગ માટે વર્ષો સુધી કરેલી બચતમાંથી સોનાની ખરીદી કરીને વ્યહવાર નિભાવે છે. સોનું સસ્તુ થાય ત્યારે થોડું ખરીદી લઇએ એવું વિચારે ત્યારે તો સોનાનો ભાવ વધી ગયો હોય છે.
આમ તો સોનાના ગ્લોબલ માર્કેટમાં થતી વધઘટની સીધી અસર થાય છે તેમ છતાં દરેક દેશમાં ભાવની વધઘટ હોય છે. દુબઇમાં સોનું સસ્તુ મળે છે. દુબઈ, જેને ઘણીવાર "સોનાનું શહેર" તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વના અન્ય ઘણા ભાગો કરતાં નોંધપાત્ર રીતે ઓછી કિંમતે સોનું ઓફર કરવા માટે પ્રખ્યાત છે. આથી પ્રવાસીઓ, રોકાણકારો અને ઝવેરીઓને રસ પડતો હોય છે.
દુબઈ (સોનાનું શહેર) માં સોનાના નીચા ભાવ માટે ફાળો આપતા અનેક પરિબળો છે. દુબઇમાં સોનાની કિંમત ભારત કરતા ઓછી હોવાનું કારણ આયાત શૂલ્ક (ઇમ્પોર્ટ ડયૂટી) અને કર નીતિઓમાં ફેરફાર છે. દુબઈમાં સોનું સસ્તું હોવાનું મુખ્ય કારણ એ છે કે અહીં સોનાની ખરીદી પર કોઈ ટેક્સ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72430 રુપિયા છે જયારે ભારતમાં 89000 થી 90000 છે. બંને વચ્ચે તફાવત 18000 રુપિયા જેટલો છે. ભારતમાં પુરુષ પ્રવાસી 20 ગ્રામ જયારે મહિલા પ્રવાસી 40 ગ્રામ સોનું વગર કસ્ટમ ડયૂટીએ લાવી શકે છે. જો કે આ છુટ મળે છે તે સોનાના ઘરેણા પર મળે છે તેમાં સોનાની બિસ્કિટ,ઇંટ કે સિક્કાઓ પર મળતી નથી. મર્યાદા કરતા વધારે સોનું લાવવામાં આવેતો 10 થી 12 ટકા જેટલી કસ્ટમ ડયૂટી ભરવી પડે છે.