ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીએ ડાઉન પેમેન્ટ તરીકે ઘઉં અને લસણ સ્વીકારવાનુ શરૂ કર્યુ
બીજિંગ, તા. 22 જૂન 2022 બુધવાર
ચીનમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ ઘર ખરીદદારોને લોભાવવા માટે અનોખી રીત શોધી છે. કંપનીએ ઘર ખરીદવાના ઈચ્છુક લોકો પાસેથી ડાઉન પેમેન્ટ તરીકે ઘઉં અને લસણને સ્વીકાર કરવાનુ શરૂ કર્યુ છે.
આ રિયલ એસ્ટેટ કંપની હેનાન સ્થિત સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ છે. જેણે એક જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે ઘર ખરીદવા માટે ઘઉં આપો.
એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે ખરીદદાર ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ તરીકે બે યુઆન પ્રતિ કૈટીના દરથી ઘઉંનો ઉપયોગ કરી શકે છે. કૈટી ચીનનુ એક યુનિટ છે, જે લગભગ 500 ગ્રામ બરાબર હોય છે. એક ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ 160,000 યુઆન છે.
સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટના એક સેલ્સ એજન્ટે જણાવ્યુ કે વિસ્તારના ખેડૂતોને મુખ્યરીતે આકર્ષિત કરવા માટે આ પ્રકારની જાહેરાત શરૂ કરી દેવાઈ છે. કંપનીનુ આ પ્રમોશન સોમવારે શરૂ થયુ અને 10 જુલાઈ સુધી રહેશે. એજન્ટે ઓળખ ઉજાગર ના કરવાની શરતે જણાવ્યુ કે કંપની 600,000થી 900,000 યુઆન સુધીના ઘર વેચી રહી છે.
ગયા મહિને સેન્ટ્રલ ચાઈનાએ એક અન્ય જાહેરાત પ્રકાશિત કરી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ઘર ખરીદવાના ઈચ્છુક પાંચ યુઆન પ્રતિ કૈટીના દરથી ડાઉન પેમેન્ટ તરીકે લસણનો ઉપયોગ કરી શકે છે.
જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે લસણના આ પ્રમોશનથી 852 લોકો પ્રભાવિત થયા અને 30 ડીલ થઈ. લસણ અને ઘઉંનો જથ્થાબંધ બજાર ભાવ 1.5 યુઆન પ્રતિ ગ્રામ છે.
ચીનમાં કોરોનાના કારણે પ્રોપર્ટી બજારમાં લાંબા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી મે દરમિયાન પ્રોપર્ટી કંપનીઓ વેચાણ વધારવાને લઈને ઝઝૂમતી જોવા મળી. આ કારણ રહ્યુ કે ફ્રી પાર્કિંગ લોટ અને ઘર ખરીદી બાદ રિનોવેશન જેવી લોભામણી ઓફર આપીને રોકાણકારોનુ ધ્યાન ખેંચવામાં આવ્યુ.
આ વર્ષે ચીનના અમુક શહેરોમાં પણ પ્રોપર્ટી ખરીદીને લઈને નિયમોમાં છુટ આપવામાં આવી. આનો હેતુ આ સેક્ટરમાં ફરીથી જીવ ફૂંકવાનો છે. નાના-નાના ડાઉન પેમેન્ટ્સ અને સબસિડી જેવા પગલાથી ખરીદદારોને લોભાવવામાં આવી રહ્યા છે. પ્રોપર્ટી એજન્ટ્સનુ કહેવુ છે કે લોકોની ખરીદ ક્ષમતા એક વાર ફરીથી વધી રહી છે.