હુથી સ્ટીમરો ડૂબાડે છે : તે પૂર્વે સ્ટીમર ઉપર ચઢી જઈ ખલાસીઓ, અધિકારીઓને જીવતા સળગાવી દે છે
- ઈરાનથી પુષ્ટિ પામેલા હુથીનો હાહાકાર
- હુથી અપહરણ પણ કરે છે : રાતા સમુદ્રમાં કાળો કેર વર્સાવે છે : બાર્બાડોઝની સ્ટીમર પરના 21 ખલાસીઓને ભારતીય નૌસેનાએ બચાવ્યા
નવી દિલ્હી : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં હમાસને આડકતરી રીતે સહાયભુત થવા અરબસ્તાનની દક્ષિણે આવેલા યમનના હુથીઓએ રાતાસમુદ્ર અને એડનના આખાત તથા અરબી સમુદ્રના ઉત્તર પશ્ચિમ ભાગમાં તો કાળો કેર વરસાવવો શરૂ કરી દીધો છે.
ઈરાનથી પુષ્ટિ પામેલા હુથીઓ ડ્રોન અને મિસાઈલ્સ હુમલા દ્વારા પહેલા તો ઈઝરાયલ સમર્થક દેશોના જ સ્ટીમરો ડૂબાડતા હતા પરંતુ હવે તો કોઈ પણ સ્ટીમર ઝડપમાં આવે, તેની ઉપર ચઢી જઈ ખલાસીઓ અને અધિકારીઓને જીવતા સળગાવી દે છે. તો કોઇના અપહરણ પણ કરે છે. પછી સ્ટીમર ડૂબાડી દે છે.
તેમણે બાર્બાડોસનો ફલેગ ધરાવતી સ્ટીમરને ડૂબાડી દીધી તે પૂર્વે સ્ટીમરમાંથી S.O.S. (સેવ અવર સોલ્સ) નો મેસેજ ભારતીય નૌકાદળની એક ફ્રીગ્રેટને પહોંચતાં ફ્રીગેટ તે તરફ ધસી ગઇ હતી. ત્યારે સ્ટીમરના ૨૧ જેટલા ખલાસીઓ અને અધિકારીઓ લાઇફ બોટના સહારે તરી રહ્યા હતા. તેમને INS કાવેરીએ બચાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતની ફ્રીગેટો અરબી સમુદ્રના પૂર્વના વિસ્તારોમાં તો સતત પહેરો ભરતી જ હોય છે. આવા S.O.S મળે કે તુર્ત જ તે તરફ ધસી જાય છે. ભારતનો ધ્વજ ફરકાવતી ફ્રીગેટને જોતાં જ હુથીની સ્ટીમરો રાતા સમુદ્રમાં ભાગી જાય છે. પરંતુ ત્યાં સુધીમાં (તે પહેલા) તો તેઓ જે કોઈ વિદેશી સ્ટીમર આવે તેની ઉપર કાળો કેર વરતાવી દેતા હોય છે. અપહરણો કરે છે, સ્ટીમરો ઉપર ચઢી જઈ અનેકની ક્રૂર હત્યાઓ કરી સ્ટીમર ડૂબાડી દે છે. તેઓએ હજી સુધીમાં ૧૦૦ જેટલી સ્ટીમરો ડૂબાડી દીધી છે તેમ જોઇન્ટ મેરીટાઇમ ઇન્ફર્મેશન સેન્ટર જણાવે છે. આ કેન્દ્રનું સંચાલન વેસ્ટર્ન નેવલ કોએવીએશન કરે છે.
હુથીએ ડૂબાડેલા મહત્વના જહાજોની યાદી તો ઘણી લાંબી થવા જાય છે : (૧) ગત નવેમ્બરમાં હુથીના યમની અને પેલેસ્ટાઇની ધ્વજ ફરકાવતાં યુદ્ધ જહાજે એક બ્રિટિશ નાગરિકની માલિકીનું ગેલેક્ષી- GSL નામક જહાજને જળ-સમાધી અપાવી દીધી હતી. એ જહાજ જાપાનીઝ કંપનીનું હતું પરંતુ તે કંપનીમાં ઇઝરાયલી શાહ-સોદાગર અબ્રહામ રામી ઉનગેર ઘણી મોટી ભાગીદારી છે.
ગત જાન્યુઆરીમાં બનેલી આ ઘટના બાદ ફેબુ્ર. ૧૮ના દિને ૨૧,૦૦૦ ટન રાસાયણિક ખાતર લઈ જતા જહાજ ઉપર હુથીએ મિસાઇલ હુમલો કર્યો હતો. તેથી સ્ટીમરને એટલુ બધુ નુકસાન થયું હતું કે તેને જીબુટીમાં સમારકામ માટે લઈ જવું પડયું.
તે પછી માર્ચની ૨જીએ લેટિન અમેરિકી દેશ બેલિઝેનો ધ્વજ ફરકાવતું બ્રિટનમાં રજીસ્ટર થયેલુ અને લેબનીઝ કંપની દ્વારા ચલાવાતુ જહાજ હુથીની ઝપટમાં આવી ગયું હતું.
તેને અમન પાસેના અમનના જ એક ટાપુ પાસે હુથીએ ડૂબાડી દીધું. તે પછી માર્ચની છઠ્ઠી તારીખે ટ્રુ-કોન્ટ્રીકન્સ નામક એક વ્યાપારી જહાજને પણ હુથીએ જળ-સમાધી આપી દીધી હતી.
આ યાદી ઘણી લાંબી થવા જાય છે. હુથી એટલા ક્રૂર માનસવાળા છે કે જે કોઈ સ્ટીમરને ડૂબાડે તેનો વિડીયો સોશ્યલ મીડીયા પર વહેતો મુકે છે. આથી આંતરરાષ્ટ્રીય નૌકા સંગઠન - જોઇન્ટ મેરી ટાઇમ ઇન્ફર્મેશન સેન્ટરે આ હુથી બળવાખોરોનો સફાયો કરવા તૈયારી શરૂ કરી દીધી છે અને અત્યારથી જ વિમાનો દ્વારા હુથી યુદ્ધ જહાજો પર નજર રાખી રહ્યું છે.