વેપારી જહાજોને બચાવવા તહેનાત 2 અમેરિકન યુધ્ધ જહાજો પર હુથી જૂથનો ડ્રોન અને મિસાઈલ એટેક
image : Socialmedia
સાના,તા.06 માર્ચ 2024,બુધવાર
ગાઝા અને હમાસ વચ્ચે યુધ્ધ છેડાયુ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે, રેડ સી એટલે કે રાતો સમુદ્ર પણ જંગના મેદાનમાં ફેરવાઈ જશે. અહીંયા ઈરાન સમર્થક હુથી વિદ્રોહીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વ્યાપારી જહાજો પર ડ્રોન અને મિસાઈલ એટેક થઈ રહ્યા છે. જેને રોકવા માટે અમેરિકા અને બીજા દેશોએ પોતાના યુધ્ધ જહાજો તૈનાત કર્યા છે.
જોકે હવે મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાના જ બે યુધ્ધ જહાજોને હૂતી જૂથે રેડ સીમાં ટાર્ગેટ કર્યા છે. હુથી જૂથના પ્રવકતા યાહ્યા સરેયાએ મોટો દાવો કરતા કહ્યુ છે કે, આ બંને જહાજો પર ડ્રોન અને મિસાઈલ વડે એટેક કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકા દ્વારા આ બાબતે વળતુ કોઈ નિવેદન હજી આપવામાં આવ્યુ નથી.
હુથી જૂથને કાબૂમાં લેવા માટે અ્મેરિકા અને બ્રિટને આ જૂથના ઘણા આશ્રય સ્થાનો પર હવાઈ હુમલા કર્યા છે. જોકે તેની કોઈ ખાસ અસર થઈ હોય તેમ લાગતુ નથી. કારણકે હૂતી જૂથના હુમલા યથાવત છે અને તેના કારણે ઘણા વેપારી જહાજો પોતાનો રૂટ પણ બદલી રહ્યા છે. લાંબા રૂટના કારણે દુનિયાના વિવિધ દેશોમાં માલ સામાનની આયાત મોંઘી બનતા મોંઘવારી વધવાની પણ શક્યતા છે.