'અમેરિકા બહુ મોટી ભૂલ કરી રહ્યું છે...' ટ્રમ્પની ધમકી પર ઈરાનના સર્વોચ્ચ નેતા લાલઘૂમ
Iran News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે મધ્ય પૂર્વમાં હુથી વિદ્રોહીઓ સામે જબરજસ્ત જંગ છેડતાં ઇરાનને પણ ચેતવણી આપી દીધી હતી. ઇરાનને ખુલ્લો પડકાર આપતાં અમેરિકાના પ્રમુખે કહ્યું હતું કે યમનમાં જામી પડેલા હુથીઓ દ્વારા કરવામાં આવતા કોઈપણ હુમલા માટે ઇરાનને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવશે. ટ્રમ્પના આ આક્ષેપોના જવાબ આપતાં ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનાઈએ જણાવ્યું હતું કે ઇરાનને યુદ્ધ કરવા માટે કોઈ પ્રોક્ષીની જરૂર જ નથી. યમન હુથીઓ પોતાના હેતુઓને સિધ્ધ કરવા સ્વતંત્ર રીતે કામ કરે છે.
ખામેનાઈએ એક નિવેદન પ્રસિધ્ધ કરતાં કહ્યું હતું કે અમેરિકા બહુ મોટી ભૂલ કરી રહ્યું છે, તે પ્રાદેશિક વિપ્લવીઓને ઇરાનનું પ્રોક્સી વૉર ગણે છે. પ્રોક્સીનો અર્થ શું છે ? યમન રાષ્ટ્રને પોતાના ઉદ્દેશો છે, તેઓ તે ક્ષેત્રમાં વિદ્રોહી જૂથો માટે પ્રેરણારૂપ છે. વળી ઇરાનને પ્રોક્સીની જરૂર જ નથી.
ખામેનાઈએ વધુમાં કહ્યું તેઓ ધમકીઓ આપે છ, પરંતુ અમે કદી કોઇની સાથે સંઘર્ષ કર્યો જ નથી તેમ છતાં કોઈ ખોટું કામ કરશે તો તેને કઠોર સજા મળશે.
તે સર્વવિદિત છે કે છેલ્લાં કેટલાંયે વર્ષોથી વિપ્લવી જૂથોને સહાય કરવાના ઇરાન પર આક્ષેપો થઇ રહ્યા છે. આ જૂથોમાં હમાસ હિઝબુલ્લાહ અને હુથી વિપ્લવીઓ ઉપરાંત કેટલાયે શિપા જૂથો સામેલ છે. આ જૂથોને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ હિંસા પ્રતિરોધ ધુરીનો ભાગ મનાય છે.