USમાં શટડાઉનનો ખતરો 45 દિવસ માટે ટળ્યો, ફન્ડિંગ બિલને મંજૂરી, બાયડેન સરકારે લીધા રાહતના શ્વાસ

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 335-91 વોટથી સ્ટોપગેટ ફન્ડિંગ બિલને મંજૂરી આપી હતી

એક ડેમોક્રેટ અને 90 રિપબ્લિકન સાંસદોએ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
USમાં શટડાઉનનો ખતરો 45 દિવસ માટે ટળ્યો, ફન્ડિંગ બિલને મંજૂરી, બાયડેન સરકારે લીધા રાહતના શ્વાસ 1 - image

અમેરિકામાં 1 ઓક્ટોબરથી શટડાઉન (US Shutdown)નો ખતરો લગભગ ટળી ગયો છે. અમેરિકી સંસદનું નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House Of Representatives) દ્વારા ફેડરલ સરકારને 45 દિવસની ફન્ડિંગ (Funding Plan) માટે રજૂ કરાયેલા બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 335-91 વોટથી સ્ટોપગેટ ફન્ડિંગ બિલને મંજૂરી આપી હતી. જો બિલને સેનેટ (US Senate) ની મંજૂરી મળી જશે તો નવેમ્બરના મધ્ય સુધીમાં શટડાઉનનો ખતરો ટળી જશે.

રિપબ્લિકન સાંસદોએ પણ આપ્યું સમર્થન 

ડેમોક્રેટ્સ સહિત મોટાભાગના રિપબ્લિકન સાંસદોએ પણ આ ફંડિંગ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે એક ડેમોક્રેટ અને 90 રિપબ્લિકન સાંસદોએ આ સમજૂતીનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ બિલને સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ઉપલા ગૃહ સેનેટમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં મધ્યરાત્રિ પહેલા 88 સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે વિરોધમાં માત્ર નવ મત પડ્યા હતા.

હવે કેટલી મુદ્દત આગળ વધી 

આ બિલ રાષ્ટ્રપતિ જો બાયડેન (joe Biden) ની આગેવાની હેઠળની સંઘીય સરકારને 17 નવેમ્બર સુધી 45 દિવસ માટે ભંડોળ પૂરું પાડશે. તે જ સમયે સેનેટ પ્રસ્તાવમાં યુક્રેન માટે રશિયા સામે યુદ્ધ લડવા માટે છ અબજ ડોલર અને અમેરિકન આપત્તિ રાહત માટે છ અબજ ડોલરની જોગવાઈ કરવામાં આવી છે.

રિપબ્લિકન્સે ખર્ચમાં જંગી કાપની માંગણીથી પીછેહઠ કરી

ઉલ્લેખનીય છે કે હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ ખર્ચમાં ભારે કાપ મૂકવાની તેમની માગણીમાંથી પીછેહઠ કરી લીધા બાદ જ આ બિલ પસાર થવું શક્ય થયું હતું. મેકકાર્થીએ ગૃહના મતદાન પહેલા કહ્યું હતું કે અમે અમારી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છીએ. અમે ગૃહમાં સમજણ બતાવીશું અને સરકારને સમર્થન આપીશું. 

  USમાં શટડાઉનનો ખતરો 45 દિવસ માટે ટળ્યો, ફન્ડિંગ બિલને મંજૂરી, બાયડેન સરકારે લીધા રાહતના શ્વાસ 2 - image



Google NewsGoogle News