નેધરલેન્ડમાં નવ કલાક કાફેને બાનમાં લેવાયા પછી બંધકોનો અંતે છૂટકારો
- એડે શહેરમાં હોસ્ટેજ ડ્રામા : 150 ઘરો ખાલી કરાવા પડયા
- કાફેમાં પાર્ટી રાતે પૂરી થાય તે પહેલાં જ વિસ્ફોટકો સાથે યુવાન ક્લબમાં ઘૂસ્યો : બપોરે આત્મસમર્પણ કરતાં ધરપકડ કરાઈ
(નેધરલેન્ડ્સ) : નેધરલેન્ડના એડે શહેરમાં નાઈટ ક્લબમાં અનેક લોકોને નવ કલાક સુધી બંધક બનાવાયા પછી અંતે તેમનો સુરક્ષિત છૂટકારો થતાં 'હોસ્ટેજ ડ્રામા'નો અંતે શાંતિપૂર્ણ અંત આવી ગયો છે. કાફેમાં સવારે ૧૧.૦૦ વાગ્યે છેલ્લા ત્રણ બંધકોના છૂટકારા પછી બેલક્લાવાન માસ્ક પહેરેલા એક યુવાને આત્મસમર્પણ કરતા તેની ધરપકડ કરાઈ છે. નેધરલેન્ડ પોલીસે સોશિયલ મીડિયા 'એક્સ' પર પોસ્ટમાં કહ્યું, 'છેલ્લા બંધકને છોડી લેવાયો છે. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. અમે હાલ વધુ માહિતી આપી શકીએ તેમ નથી.'
નેધરલેન્ડના એડે શહેરમાં પોલીસને 'કાફે પેટિકોટ'માં હથિયારો સાથે એક વ્યક્તિ ઘૂસ્યો હોવાના અને તેણે કેટલાક લોકોને બંધક બનાવી પોતાની જાતને ઉડાવી દેવાની ધમકી આપતા મેસેજ મળ્યા હતા. કાફેમાં સગીરોને બંધક બનાવાયા હોવાની જાણ થતાં પોલીસે આજુબાજુના લગભગ ૧૫૦ જેટલા ઘરોને ખાલી કરાવી દીધા હતા.
ડચ પોલીસના જણાવ્યા મુજબ એડે શહેરમાં મોટાભાગે ૧૬-૧૭ વર્ષના સગીરોમાં અત્યંત લોકપ્રિય નાઈટ ક્લબ કાફે પેટિકોટમાં ગઈકાલે એક પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટી વહેલી સવારે ૪.૦૦ વાગ્યા સુધી ચાલશે તેવી જાહેરાત નાઈટ ક્લબ તરફથી કરાઈ હતી. પાર્ટી પૂરી થવાના થોડાકજ સમય પહેલાં હથિયારો સાથે એક યુવાન કાફેમાં ઘૂસ્યો હતો અને તેણે અનેક લોકોને બંધક બનાવ્યા હતા.
મીડિયા અહેવાલો મુજબ કાફેમાંથી બપોરે ૧૨.૩૦ વાગ્યે માસ્ક પહેરેલો એક યુવાન બહાર આવ્યો અને ઘૂંટણીયે બેસી ગયો. તેણે માથાની પાછળ હાથ રાખી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે આ આતંકી કૃત્ય હોવાની સંભાવનાનો ઈન્કાર કર્યો છે. જોકે, તેમણે કહ્યું કે, આરોપી પાસે હથિયાર હતા. આ સિવાય તેમણે વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો છે.
જોકે, અગાઉ નાઈટ ક્લબમાં કર્મચારીઓ સહિત કેટલાક લોકોને બંધક બનાવાયા હોવાની માહિતી મળતા પોલીસે કાફેની આજુબાજુ મોટી સંખ્યામાં હથિયારધારી જવાનો તૈનાત કરી દીધા હતા. ૧૫૦થી વધુ ઘરોને ખાલી કરી દેવાયા હતા તથા લોકોને કાફે પેટિકોટ તરફ આવતા રોકવામાં આવ્યા હતા.
પોલીસે કહ્યું કે, લોકોને બંધક બનાવવા પાછળનો આશય સ્પષ્ટ થયો નથી. લોકોને બંધક બનાવનાર વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ થયા પછી માહિતી અપાશે.
ઘટનાસ્થળની તસવીરોમાં હથિયારબંધ પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘેરાબંદી કરેલા એક રસ્તા પર જોઈ શકાતા હતા. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું હતું કે, અનેક પોલીસ જવાનોને ઘટના સ્થળ પર તૈનાત કરાયા છે. મ્યુનિસિપાલિટીએ લોકોને કાફે પેટિકોટના વિસ્તારથી દૂર રહેવા અને આજુબાજુની બધી જ દુકાનોને બંધ રાખવા નિર્દેશ આપ્યા હતા. વધુમાં એડે શહેરમાં આવતી ટ્રેનોને અટકાવી દેવાઈ હતી અથવા તેમના રૂટ બદલવામાં આવ્યા હતા.