Get The App

ચીન પર આફત, HMPVના અસંખ્ય કેસ બાદ વુહાનમાં શાળાઓ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ચીન પર આફત, HMPVના અસંખ્ય કેસ બાદ વુહાનમાં શાળાઓ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ 1 - image


HMPV Virus : ચીનમાંથી ફેલાયેલો વાઇરસ HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઇરસ) વિશ્વભરને ડરાવી રહ્યો છે. ચીનમાં વાઈરસ ફેલાયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, વુહાનમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે. અહીં 10 દિવસમાં એચએમપીવીના કેસો 529 ટકા વધ્યા છે. અનેક બાળકો વાયરસ સંક્રમિત થયા બાદ સરકારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. વાયરસના કારણે ચીનમાં હડકંપ મચ્યો છે. એન્ટીવાયરલ ડ્રગની અછતના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એવી વણસી ગઈ છે કે, એન્ટીવાયરલ ડ્રગ 41 ડૉલરમાં વેચાઈ રહ્યું છે. 

WHOએ ચીન પાસે વાયરસની માહિતી માગી

ચીનમાં ધડાધડ કેસ સામે આવ્યા બાદ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની પણ ચિંતા વધી ગઈ છે. ડબલ્યુએચઓએ ચીન પાસે એચએમપીવી વાયરસની સંપૂર્ણ માહિતી માગી છે. આ વાયરસ અનેક દેશો સુધી પહોંચી ગયો છે, તેમ છતાં ચીન હજુ પણ વાયરસની માહિતી છુપાવી રહ્યો છે.

આ પણ વાંચો : HMPV ભારતમાં નવો નથી, 2003માં જ પહેલો કેસ નોંધાયો હતો, જાણો કોને છે સૌથી વધુ ખતરો

સ્પેનમાં હાહાકાર

એચએમપીવી વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં પણ કેસો વધ્યા છે. બ્રિટનમાં પણ સંક્રમક ફેલાઈ રહ્યું છે. ચીનના આ નવા વાયરસે આખા સ્પેનનું ટેન્શન વધારી દીધું છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાઈનો લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સ્પેનના એલિકાંટેમાં 600થી વધુ લોકોમાં ‘ઈન્ફ્લુએન્જા A) કેસ હોવાનું સામે આવ્યું છે.

ભારતના પાંચ રાજ્યોમાં આઠ કેસ સામે આવ્યા

ચીનનો આ વાયરસ ભારત સુધી પણ પહોંચી ગયો છે દેશના પાંચ રાજ્યોમાં કુલ આઠ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બે કેસ નોંધાયા છે. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત થયો છે. બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને એલર્ટ પર છે. રાજ્યોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો : શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો નથી, પરંતુ રાજ્યોને ઍલર્ટ રહેવાની સૂચના, જાણો HMPV અંગે કેવી છે કેન્દ્રની તૈયારી

કેન્દ્ર સરકાર એલર્ટ

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈન્ફ્લૂએન્જા જેવી બિમારી અને શ્વાસ સંબંધીત બિમારીઓની દેખરેખ વધારવા તેમજ વાયરસને અટકાવવા માટે તમામ પગલા ભરવાનો આદેશ આપ્યો છે. દેશમાં વાયરસના કેસો વધ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ડિઝિટલ બેઠક યોજી હતી.

એચએમપીવીમાં કોરોના જેવો પ્રકોપ નહીં

ચીન(China)માં શ્વાસ સંબંધિત નવી બીમારીના કેસો વધ્યા બાદ ભારત સરકાર (Indian Government) ઍલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ભારતીયોની ચિંતા દૂર કરતાં કહ્યું કે, ‘એચએમપીવી કેસમાં વધારાને કોવિડ સાથે કોઈ લેવા દેવા નથી, તેમાં કોરોના જેવો પ્રકોપ નથી.’

વાઇરસના લક્ષણો

આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો : 2025ની શરુઆતમાં વધુ એક મહામારીના પડઘમ? ચીને 100 વર્ષમાં પાંચ વખત દુનિયાને ખતરામાં મૂકી


Google NewsGoogle News