''ઈતિહાસ આપણા લેખાં-જોખાં કરશે'' ઈઝરાયલ હુમલા પછી યુનોના મહામંત્રી ગુટેરેસે ઠાલવેલી હૃદયવ્યથા
- ''માનવતાને ખાતર પણ ગાઝામાં યુદ્ધ વિરામ કરો'' બંનેને કહ્યું : સાથે અપહૃતોને છોડી મૂકવા હમાસને પણ અપીલ કરી
યુનો : ઘેરાબંધીમાં આવી ગયેલી ગાઝા પટ્ટીમાં ''યુદ્ધવિરામ'' કરવાની ઈઝરાયલને અપીલ કરતા યુનોના મહામંત્રી એટોનિયો ગુટરેસેે હમાસના આતંકીઓને પણ વિના શર્તે અપહૃતોને છોડી મુકવા અપીલ કરી હતી.
હમાસે આ મહિનાની ૭મી તારીખે ઈઝરાયલ ઉપર અણવિઘ્ને હુમલો કર્યા પછી તેના વળતા જવાબમાં ઈઝરાયલે અમેરિકાના પીઠબળથી ગાઝામાં જે હાહાકાર મચાવ્યો છે તે અકલ્પનીય છે. ગાઝા શહેર સહિત આ ૨૨ કિ.મી. પહોળી પટ્ટીમાં રહેતા અન્ય નગરો પણ લગભગ ખંડોમાં પલટાઈ ગયા છે.
ગાઝા પટ્ટી ઉપર ઈઝરાયલે એવી કઠોર નાકાબંધી કરી હતી કે અનાજ તો ઠીક, પરંતુ પાણી અને જીવન રક્ષક દવાઓ પણ ત્યાં મળવી અસંભવ થઈ ગયા હતા. ખૂબ સમય વીતી ગયા પછી ગાઝા પટ્ટીથી ઈજીપ્ત તરફની સરહદ ખોવાતાં ધીમે ધીમે ત્યાં દવાઓ અને અન્ય પુરવઠો પહોંચી રહ્યો છે. સાથે અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટેની ટેબ્લેટસ પહોંચી રહી છે. તેમ છતાં ગાઝા પટ્ટી ઉપરનું જીવન દોહ્યલું બની ગયું છે.
મૂળભૂત રીતે તો વિશ્વમાં શાંતિ અને સ્થિરતા રાખવા સ્થપાયેલા આ વૈશ્વિક સંગઠન-યુનો પણ અત્યારે કશું કરી શકે તેમ નથી. તેવામાં હમાસે ફરી એક વખત ઈઝરાયલ ઉપર રોકેટ હુમલો કર્યો છે. ઈઝરાયલે ટેન્કો અને બખ્તરિયા ગાડીઓ સાથે, ભૂમિદળ દ્વારા વિનાશક હુમલો કરવાની તૈયારીઓ પુરી કરી દીધી છે. દુનિયા આ મૃત્યુ નાચ મુક પ્રેક્ષક બની જોઈ રહી છે ત્યારે યુનોના મહામંત્રી ગુટરેસે તેઓની હૃદયવ્યથા ઠાલવવતા કહી દીધું છે. ''યુદ્ધ વિરામ કરો, નહીં તો ઈતિહાસ આપણને માફ નહીં કરે'' હેન્ડલ પર (પુર્વેના ટ્વીટર પર) શુક્રવારે સાંજે પોસ્ટ કરેલા મેસેજમાં તેઓએ એક તરફ ઈઝરાયલને હુમલાઓ બંધ કરવા જણાવ્યું છે તો બીજી તરફ હમાસને કોઈપણ પૂર્વશરતવાળા તેણે બંદીવાન રાખેલા અપહૃતોને મુક્ત કરવા અપીલ કરી છે.
ગાઝા પટ્ટીમાં વર્તમાન સ્થિતિ તેવી છે કે ત્યાં ઈંટરનેટ સહિત દૂર સંચારની તમામ સેવાઓ બંધ થઈ ગઈ છે. ત્યાં રહેલા ૨૩ લાખ લોકો પરસ્પરથી તેટલા જ વિશ્વના અન્ય વિસ્તારોથી તદ્દન કપાઈ ગયા છે.
ઈઝરાયલ સેનાના મુખ્ય પ્રવક્તા, રીયર એડમિરલ ડેનીયલ હેગારીએ પત્રકારોને કહ્યું હતું કે ''આ યુદ્ધમાં અમારા હેતુઓ સિદ્ધ કરવા અમે ગાઝામાં આક્રમણ તીવ્ર કરવા નિર્ણય લીધો છે.'' આ સાથે ઈઝરાયલ ભૂમિદળના હુમલાની સંભાવના વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે હજી સુધીમાં બંને તરફ ૮૫૦૦ થી વધુના જાન ગયા છે.
આ અંગે મળી રહેલી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાની વિશેષ બેઠકને સંબોધતા ગુટરેસે કહ્યું હતું કે હમાસે જે કંઈ કર્યું (૭ ઓકટોબરે જે હુમલા કર્યા) તે યોગ્ય જ ન હતા. પરંતુ તે માટે (ઈઝરાયલે કરેલી) સામુહિક શિક્ષા પણ સ્વીકાર્ય બને તેમ નથી. પેલેસ્ટાઈનીઓ ૫૬ વર્ષથી ગુંગળાવતો કબ્જો સહન કરી રહ્યા છે. તેમની ભૂમિ પણ ધીમે ધીમે વસાહતો સ્થાપી સ્થાપી હડપ કરાઈ રહી છે.સમગ્ર વિસ્તારમાં હિંસાચાર ફેલાઈ રહ્યો છે. તેમનું અર્થતંત્ર ભાંગી ગયું છે. તેમના ઘરો નાશ પામ્યા છે. આ બધું વેક્યુમમાંથી નથી થયું (કોઈ કારણસર થયું છે) આ સાથે તેઓએ ''યુદ્ધવિરામ'' અને અપહૃતોને વિના શરતે મુક્ત કરવાની વાત પણ દોહરાવી હતી.