આ રીતે નંખાયો અમેરિકાની જાસૂસી સંસ્થા CIA નો પાયો, આવી છે એની ગુપ્ત કામગીરી
History Of America's Intelligence Agency CIA : અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી, 2025થી સત્તા સંભાળશે. ત્યાં સુધીમાં તેઓ પોતાના વહીવટીતંત્રમાં કોનો-કોનો સમાવેશ કરવો એ નક્કી કરી લેશે. અન્ય ખાતાની જેમ અમેરિકાની મહત્ત્વપૂર્ણ ગુપ્તચર સંસ્થા CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)માં પણ મોટા પાયે ફેરફાર થવાની ચર્ચા ચાલી રહી છે. CIAના નવા વડા બનવાની રેસમાં ભારતીય મૂળના કશ્યપ ‘કાશ’ પટેલનું નામ સૌથી આગળ છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ પરિસ્થિતિમાં CIAનો પાયો નંખાયો હતો અને શું છે એની કામગીરી.
આ છે CIA નું મુખ્ય કામ
CIA એ અમેરિકન સરકારની ગુપ્તચર સંસ્થા છે, જેનું મુખ્ય કામ અમેરિકાની સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાંથી માહિતી ભેગી કરીને તેનું વિશ્લેષણ કરવાનું છે. ટૂંકમાં કહીએ તો જાસૂસી એ CIAનું મુખ્ય કામ છે. તેનું અનૌપચારિક નામ ‘ધ એજન્સી’ છે. ભૂતકાળમાં એને ‘ધ કંપની’ પણ કહેવામાં આવતું. CIAનું મુખ્ય મથક વર્જિનિયા રાજ્યમાં લેંગલી ખાતે આવેલું છે.
77 વર્ષ જૂની છે સંસ્થા
બીજા વિશ્વયુદ્ધ પછી પ્રમુખ હેરી ટ્રુમૅનને મોટાપાયે કામ કરી શકે એવી ગુપ્તચર સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ. એક એવી સંસ્થા જેના એજન્ટો દુનિયાભરના દેશોમાં છુપાઈને અમેરિકા માટે જાસૂસી કરતા હોય. આ વિચારને અમલમાં મૂકતાં 18 સપ્ટેમ્બર, 1947ના રોજ CIAની સ્થાપના કરવામાં આવી. અમેરિકાની સુરક્ષા માટે જે કંઈ કરવા પડે એ કરવાની CIAના એજન્ટોને છૂટ આપવામાં આવી હતી, પછી ભલે કોઈ કામ ગેરકાયદેસર કેમ ન હોય!
જાસૂસી પ્રથા CIA પૂર્વે પણ હતી, પણ…
વિદેશોમાં ચોરીછુપે ઘૂસ મારીને માહિતી એકત્ર કરવું અમેરિકા માટે નવી વાત નહોતી. CIAની સ્થાપના અગાઉ પણ આ પ્રવુત્તિ ચાલતી જ હતી, પણ એની એક મર્યાદા હતી. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ‘ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ’, ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’ (FBI) અને ‘યુએસ આર્મ્ડ સર્વિસિઝ’ જેવી સંસ્થાઓ જાસૂસીકામ કરતી હતી, પણ એ બધી એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ હતો, જેથી કામ વ્યવસ્થિતપણે નહોતું થતું. આ કારણસર જ CIA જેવી ચોવીસ કલાક કામ કરતી જાસૂસી સંસ્થા ઊભી કરવાની જરૂરિયાત પેદા થઈ હતી.
નામ અલગ-અલગ, પણ કામ તો જાસૂસીના જ
CIAની પુરોગામી સંસ્થાઓ પર એક નજર નાંખીએ તો નીચે મુજબના નામ સામે આવે છે.
- 1941માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે ‘કોઓર્ડિનેટર ઓફ ઈન્ફોર્મેશન’ (COI) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે COIનો હેતુ વિદેશી ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરીને અમેરિકાની સરકારને ચરણે ધરવાનો હતો.
- COI ની કામગીરી પણ મર્યાદિત જણાતા 1942માં નવી ગુપ્તચર એજન્સી ‘ઑફિસ ઑફ સ્ટ્રેટેજિક સર્વિસિસ’ (OSS) ની સ્થાપના કરવામાં આવી હતી, જે વ્યૂહાત્મક ગુપ્ત માહિતી એકઠી કરવા ઉપરાંત બિનપરંપરાગત અર્ધલશ્કરી કામગીરી પણ હાથ ધરતી હતી. OSSમાં 13 હજારથી વધુ સૈન્ય કર્મચારીઓ અને જાસૂસોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાંથી 35 ટકા મહિલાઓ હતી. જોકે, OSSનું અસ્તિત્વ માત્ર ત્રણ વર્ષ ટક્યું હતું.
- 1945માં રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને તમામ જાસૂસી એજન્સીઓને વિખેરી નાંખી, એમાં OSSનો પણ અંત આવી ગયો હતો. OSS ના અલગ-અલગ એકમોને ભેગા કરીને એક નવી સંસ્થા ‘સ્ટ્રેટેજિક સર્વિસીસ યુનિટ’ (SSU) ની રચના કરવામાં આવી.
- 1946માં SSU ને ‘સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ગ્રુપ’ (CIG) માં પરિવર્તિત કરી દેવાઈ. CIG ને સ્વતંત્રપણે કામ કરવા માટે વધુ છૂટ આપવામાં આવી હતી.
અંતે રચાઈ CIA
છેવટે પ્રમુખ હેરી ટ્રુમૅનને જ અગાઉની તમામ સંસ્થાઓની કામગીરીને ભુલાવી દે એવી CIAની સ્થાપના 1947માં કરી હતી. CIAમાં સામેલ કરાયેલ એક તૃતીયાંશ જેટલા કર્મચારીઓ અગાઉ OSSમાં કામ કરી ચૂક્યા હતા. દુનિયાભરમાંથી ગુપ્ત માહિતી ભેગી કરવા માટે CIA માટે નાણાંકોથળી ખુલ્લી મૂકી દેવામાં આવી. CIAને અમેરિકાની સીમા-બહારના લોકોને તાલીમ આપવાની છૂટ પણ આપવામાં આવી.
CIA સંબંધિત રસપ્રદ વિગતો
- CIAનું હેડક્વાર્ટર શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં હતું. 1961માં તેને લેંગલી ખસેડવામાં આવ્યું હતું.
- CIA સિવાય પણ અમેરિકામાં ખૂબ બધી ગુપ્તચર એજન્સીઓ કાર્યરત છે. CIA એવી 17 ગુપ્તચર એજન્સીઓનું સંચાલન કરે છે.
- CIA એજન્ટ મુસાફરી દરમિયાન મોબાઇલ અને લેપટોપ જેવા ગેજેટ્સ ઓછામાં ઓછા સાથે લઈ જાય છે, કેમ કે એવા ગેજેટ્સ ચોરાઈ જાય તો એમાં રહેલી સંવેદનશીલ વિગતો જાહેર થઈ જાય અને એજન્ટના જીવનું જોખમ સર્જાય. CIA એજન્ટસ માટે કોઈને ‘આ ગેજેટ છે’ એની ગંધ સુદ્ધાં ન આવે એવા સ્પેશિયલ ગેજેટ્સ બનાવવામાં આવતા હોય છે. જેમ કે, બોલપેન, ગોગલ્સ અથવા થર્મોસમાં એમના રેકોર્ડર, કૅમેરા અથવા હથિયાર છુપાયેલા હોઈ શકે.
- CIA ના એજન્ટો કંઈ ફિલ્મોમાં બતાવે છે એવા હીરો જેવા નથી હોતા. અમેરિકા માટે લાભદાયક માહિતી કઢાવવા માટે તેઓ લોકોને ટોર્ચર પણ કરે છે, ગેરકાયદેસર લોકોના ફોન પણ ટેપ કરે છે અને માનવાધિકારનું ઉલ્લંઘન પણ કરે છે. અલબત્ત, દુનિયાના કોઈપણ દેશના જાસૂસો આવું કરતાં જ હોય છે.
- CIA ની કામગીરી પર વિવાદો પણ સર્જાયા છે, કેમ કે ઘણી વાર CIA ના એજન્ટ્સ નિર્દોષ વ્યક્તિને ગુનેગાર સમજીને ટૉર્ચર કરતા હોય છે. વર્ષ 2003માં જર્મનીના નિર્દોષ નાગરિક ખાલિદ મસરીને આતંકવાદી સમજીને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો હતો ત્યારે એ કિસ્સો ખૂબ ચગ્યો હતો.
- અફઘાનિસ્તાન, લિથુઆનિયા, મોરોક્કો, પોલેન્ડ, રોમાનિયા અને થાઈલેન્ડ જેવા ઘણા દેશોમાં CIA દ્વારા ગુપ્ત જેલો બનાવવામાં આવેલી છે, જ્યાં શકમંદોને કેદ કરીને એમના પર ‘સચ્ચાઈ કબૂલ કરાવવા માટે’ અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે.
- વર્ષ 2022 માં CIA દ્વારા આંકડો જાહેર કરાયો હતો કે દુનિયાભરમાં CIA ના 21575 ગુપ્તચર એજન્ટ્સ કાર્યરત છે. મોટાભાગના એજન્ટ્સની ઉંમર 26 થી 35 વર્ષ વચ્ચેની હોય છે. અલબત્ત, બધાં એજન્ટ્સ કંઈ બંદૂકો લઈને સિક્રેટ મિશન પર નથી નીકળી પડતા. એ કામ તો ગણતરીના અને ખાસ ટ્રેનિંગ પામેલા એજન્ટ્સને જ સોંપાય છે. બાકીના ઘણા ઑફિસોમાં બેસીને પેપરવર્ક કરતા હોય છે.
- પેસિફિક મહાસાગરમાં પાંચ કિલોમીટર ઊંડે ડૂબી ગયેલી સોવિયેત રશિયાની સબમરીનને બહાર લાવવા માટેનું 1974નું ખાનગી મિશન ‘પ્રોજેક્ટ અઝોરિયન’ હોય કે પછી ઈરાનમાંથી છ અમેરિકી રાજદ્વારીઓને ખાનગીરાહે બહાર લઈ જવાનું 1980નું રેસ્ક્યુ મિશન હોય, CIAના સફળ કારનામાઓનું લિસ્ટ બહુ લાંબુ છે. જોકે, CIAનું સૌથી પ્રસિદ્ધ પરાક્રમ તો 2011 માં પાકિસ્તાનના એબોટાબાદમાં હુમલો કરીને ઓસામા બિન લાદેનની હત્યા કરાયેલી, એ જ છે.