પુતિન અને કિમ જોંગ વચ્ચે ઠંડા યુદ્ધના અંત પછીના ઐતિહાસિક કરારો
- પુતિન 24 વર્ષમાં પહેલી વખત નોર્થ કોરીયા ગયા
- સંરક્ષણ, વેપાર, રોકાણ, ટેકનોલોજી, સાંસ્કૃતિક બાબતો અને માનવતાવાદી કાર્યો માટે સહયોગ સધાયો
પ્યોનગોંગ : રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિન અને નોર્થ કોરીયાના પ્રમુખ કિમ જોંગ વચ્ચે ઠંડા યુદ્ધના અંત પછીના સૌથી મહત્ત્વના કરારો થયા છે. ઉલ્લેખનીય છે કે બંને દેશ હાલમાં પશ્ચિમ સાથેના તનાવનો સામનો કરી રહ્યા છે. આ કરારમાં સુરક્ષા, વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધો તથા માનવતાવાદી કાર્યોનોે સમાવેશ થાય છે.પુતિને ૨૪ વર્ષના શાસનમાં પહેલી વખત નોર્થ કોરીયાની મુલાકાત લીધી છે.
આમ ૧૯૯૧માં સોવિયત યુનિયનના વિઘટન પછી બંને દેશો વચ્ચે સંબંધોના નવા યુગની શરુઆત છે.બંને નેતાઓએ જણાવ્યું હતું કે તેમના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
આ શિખર પરિષદને લઈને અમેરિકા અને તેના સહયોગીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ કરાર મોસ્કોને અત્યંત આવશ્યક એવો દારુગોળાનો પુરવઠો પૂરો પાડશે. યુક્રેન સાથે લાંબા સમયથી ચાલેલા યુદ્ધના લીધે તેને તેની જરૂર છે. તેના બદલામાં રશિયા કિમ જોંગને આર્થિક મદદ પૂરી પાડશે અને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે.
પુતિને જણાવ્યું હતું કે તેઓ તેઓ નોર્થ કોરીયાના સમર્થન માટે આભારી છે. તેઓ અમેરિકા અને તેના સહયોગી દેશોની રશિયન ફેડરેશન સામેની સામ્રાજ્યવાદી નીતિઓ સામે લડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં સોવિયત લશ્કર કોરીયાને બચાવવા જાપાનીઝો સામે લડયું હતું. મોસ્કો કોરીયન યુદ્ધના સમયથી તેને સમર્થન આપે છે.
કિમ જોંગે જણાવ્યું હતું કે આ સંધિ બંને દેશો વચ્ચેની અત્યાર સુધીની સૌથી મહત્ત્વની સંધિ છે. આ કરાર મુજબ બંને દેશે તેમના પર આક્રમણ કરનારનો સામનો કરવા એકબીજાને મદદ કરશે.
તેણે જણાવ્યું હતું કે મોસ્કો અને પ્યોનગોંગની જબરદસ્ત મિત્રતા સોવિયત યુગ કરતાં પણ વધુ મજબૂત થઈ છે. તેઓ યુક્રેન સાથેના રશિયાના યુદ્ધમાંર્ રશિયાને સંપૂર્ણ સમર્થન આપે છે.
નોર્થ કોરીયા હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ભારે પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે અને રશિયા અમેરિકા અને યુરોપના પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. નોર્થ કોરીયાને યુએનમાં તેને સમર્થન આપી શકે તેવા રશિયાની ગરજ છે. ઉલ્લેખનીય છે કે રશિયા નોર્થ કોરીયા સામે યુએનમાં બધા ઠરાવનો વીટો વાપરી રહ્યુ છે અને કોરીયાને વધુ મુશ્કેલીમાં ધસતા બચાવી રહ્યું છે.