હિંગળાજ માતાના મંદિરને તોડવામાં આવ્યું, પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરવાદ ચરમસિમાએ
હિંદુ ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વિરાસતો તોડવાનો સિલસિલો યથાવત
યુનેસ્કોની વિરાસત શારદાપીઠ મંદિરને પણ બક્ષવામાં આવ્યું નથી
નવી દિલ્હી,૨૪ નવેમ્બર,૨૦૨૩,શુક્રવાર
ધાર્મિક કટ્ટરવાદના ઓથા હેઠળ પાકિસ્તાનમાં અલ્પ સંખ્યક હિંદુઓ પર હુમલાએ કોઇ નવી વાત નથી. પાકિસ્તાનની રચના જ ધર્મ આધારિત થઇ છે આથી ઇસ્લામ સિવાયના ધર્મના લોકોને સન્માન આપવામાં આવતું નથી. લઘુમતિ પ્રજાના માનવ અધિકારોનું ઉલંઘનએ કોઇ જ નવાઇની વાત નથી. ધાર્મિક સ્થળો પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં સિંધમાં મિરપુર ખાસમાં બનેલા હિંગલાજ માતાના મંદિરને પણ તોડવામાં આવ્યું છે.
નવાઇની વાત તો એ છે કે હિંગળાજ માતાનું મંદિર તોડવામાં સમગ્ર પ્રશાસન જોડાયેલું છે. થારપારકર જિલ્લાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મીઠી નામના નગરમાં આવેલા મંદિરને તોડવા માટે અદાલતના એક આદેશને ટાંકવામાં આવ્યો છે. થોડાક મહિનાઓ પહેલા જ બ્લુચિસ્તાનમાં પણ હિંગળાજ માતાનું એક મંદિર આવેલું છે. આ મંદિરનું ૩૦ કરોડ રુપિયા ખર્ચીને પુર્ન નિર્માણ કરવામાં આવ્યું હતું.
એક ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ એલઓસી પાસે રહેલા હિંદુઓના ધાર્મિક સ્થળ શારદા પીઠ મંદિરને પણ તોડવામાં આવ્યું છે. આ મંદિર ૫૧ શકિતપીઠોમાંનું એક છે જે પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (એલઓસી)માં આવેલું છે. આ મંદિરને પાકિસ્તાનની સુપ્રીમકોર્ટ તરફથી સુરક્ષાનો આદેશ આપવામાં આવેલો હોવા છતાં કટ્ટરપંથીઓ ધ્વંસ્ત કરવા માટે તલપાપડ બન્યા હતા. મંદિરની બાજુમાં એક કોફી હાઉસ બનાવવામાં આવી રહયું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર શારદા પીઠ યુનેસ્કોની સાઇટ હોવા છતાં ધ્વસ્ત કરવામાં જરા પણ વિચાર કરવામાં આવતો નથી. બીજા ધર્મના લોકોના ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વિરાસતો તોડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. જો કે હિંદુ મંદિરોના ધ્વંસ અંગે પાકિસ્તાન સરકારની કોઇ જ પ્રતિક્રિયા આવી નથી. કેટલાક સમય પહેલા કરાંચીમાં મરી માતાનું એક મંદિર જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મંદિરને ધ્વસ્ત કરવાની કાર્યવાહી આસપાસના વિસ્તારોમાં અંધારુ કરીને કરવામાં આવી હતી. બહારની દિવાલ અને ગેટને છોડીને સમગ્ર મંદિર બાંધકામને તોડી નાખવામાં આવ્યું હતું. પેથાવર પાસે હનુમાનજી મંદિરને પણ આગ લગાડવામાં આવી હતી.