બાંગ્લાદેશમાં હિન્દુઓએ જીવવું હોય તો ધાર્મિક ઓળખ છુપાવે
- હિન્દુઓ પર જાહેરમાં હુમલા વધતા કોલકાતા ઇસ્કોનની તાકીદ
- ઘરથી બહાર નિકળો ત્યારે ભગવા વસ્ત્ર ના પહેરો, તિલક અને તુલસીની માળા છુપાવો, માથુ ઢાંકીને રાખો નહીં તો હુમલા થશે
- અગરતલામાં બાંગ્લાદેશ મિશન પર વીઝા-કાઉંસલર સેવા સસ્પેન્ડ, હુમલા મુદ્દે ભારતીય હાઇકમિશનરને સમન્સ
ઢાકા/કોલકાતા : બાંગ્લાદેશમાં હિન્દુઓને તેમના પોષાક પરથી ઓળખીને હુમલા કરાઇ રહ્યા છે. જેને પગલે કોલકાતા ઇસ્કોને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને પુજારીઓને સલાહ આપી છે કે તેઓ હુમલાઓથી બચવા માટે પોતાની ઓળખ છુપાવે, ભગવો અને તિલક હટાવે. માત્ર મંદિર અને ઘરોમાં જ પૂજાપાઠ કરે, બહાર નિકળે ત્યારે પોતાની ઓળખને છુપાવી રાખે. બહાર નિકળે ત્યારે ભગવા કપડા ના પહેરે અને તુલસીની માળા છુપાવી રાખે સાથે જ માથુ ઢાંકી લે અને કપાળ પરથી તિલક ભુંસી નાખે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુઓના ઘરો, મંદિરો અને દુકાનો સહિતના સ્થળો પર હુમલા વધી રહ્યા છે. એવા સમયે આ ચેતવણી અપાઇ છે.
કોલકાતામાં ઇસ્કોનના ઉપપ્રમુખ અને પ્રવક્તા રાધારમણ દાસે મીડિયાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં તિલક અને ભગવા વસ્ત્રોમાં હિન્દુઓને જોઇને તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપતા અનેક ફોન અમને આવ્યા હતા. જેને પગલે અમે તમામ ભક્તો અને હિન્દુઓને સલાહ આપી છે કે તેઓ જાહેરમાં તિલક, ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળે. માથુ ઢાંકેલુ રાખે અને પોતાની તુલસીની માળાને પણ છુપાવીને રાખે. આમ કરવાથી તેમને કોઇ ધર્મના આધારે ઓળખી નહીં શકે અને હુમલા ટાળી શકાશે, તેમનું જીવન હાલ જોખમમાં છે.
બીજી તરફ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારનો ચીન પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે સાથે જ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશીઓને ભડકાવી રહ્યા છે. બાંગ્લાદેશની ઇસ્લામિક પાર્ટીઓના નેતાઓ ચીનની મુલાકાતે છે, ચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ બાંગ્લાદેશને વશમાં કરવા માટે તેના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વિવાદનો ચીન ફાયદો ઉઠાવવા માગતુ હોવાથી આ પાસા ફેંક્યા હતા. અગાઉ શેખ હસીના સત્તા પર હતા, જેઓ ભારત સમર્થક હતા. જે ચીનથી સહન નહોતુ થઇ રહ્યું, જેને પગલે હવે શેખ હસીના અને ભારત વિરોધી મોહમ્મદ યુનુસ અને બાંગ્લાદેશના અન્ય નેતાઓને ચીને વશમાં કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
પાંચ ઓગસ્ટે બળવા બાદ ભારત આવી ગયેલા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વર્તમાન વચગાળાની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસ પર મોટો આરોપ લગાવ્યો છે. હસીનાએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની કલ્તેઆમ પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તેઓ જ હિન્દુઓ પર આ હુમલા કરાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ યુનુસ છે. આવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધીત કરતા શેખ હસીનાએ કહ્યું હતું કે મંદિરો, ચર્ચો પર હુમલા પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તેઓ માસ્ટરમાઇન્ડ તરીકે કામ કરી રહ્યા છે. મારા પર બાંગ્લાદેશમાં નરસંહાર કરાવ્યાના આરોપો લગાવાઇ રહ્યા છે. હકીકતમાં મોહમ્મદ યુનુસ નરસંહાર કરાવી રહ્યા છે. તેઓ પુરી ડિઝાઇન સાથે બાંગ્લાદેશમાં કામ કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોના નામે તેઓ સત્તા પર બેસી ગયા છે અને હવે લઘુમતીઓની હત્યાઓ કરાવી રહ્યા છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા તારિક રહમાને પણ કહ્યું છે કે આ જ રીતે હત્યાઓ થતી રહી તો સરકાર નહીં બચે. તારિક રહમાન બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલેદા ઝીયાના પુત્ર છે.
દરમિયાન અગરતલામાં બાંગ્લાદેશના હાઇ કમિશન પર હુમલાના દાવા સાથે બાંગ્લાદેશે ભારતીય હાઇકમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હતા અને જવાબ આપવા કહ્યું હતું. પ્રણય વર્માએ આ મુદ્દે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય સાથે બેઠક યોજી હતી અને પોતાનો જવાબ રજુ કર્યો હતો. જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગરતલા સ્થિત બાંગ્લાદેશ સહાયક હાઇકમિશનમાં તમામ વિઝા અને કાઉંસલર સેવાઓને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. બીજી તરફ આ ઘટનાને ધ્યાનમાં રાખીને ત્રિપુરાની પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા સાથે જ હાઇ કમિશન પર ધસી આવેલા સાત લોકોની ધરપકડ પણ કરી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મુદ્દે યુકેની સંસદે ચિંતા વ્યક્ત કરી
લંડન : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને ઇસ્કોનના બે પુજારીઓની ધરપકડનો મુદ્દો બ્રિટનની સંસદમાં ગાજ્યો હતો, બ્રિટનની સંસદે હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સત્તાધારી લેબર પાર્ટીના સાંસદ બેરી ગાર્ડિનરે આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં વિદેશી બાબતોના ઇન્ડો પેસિફિક ઇન્ચાર્જ કેથરીન વેસ્ટે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા રોકવા માટે ત્યાંની સરકારે અમને ખાતરી આપી છે. લઘુમતીઓની સુરક્ષા મુદ્દે ઢાકા પહોંચીને સૌથી પહેલા બ્રિટને મોહમ્મદ યુનુસની સાથે વાત કરી હતી. ભારતીય પુજારી ચિન્મય દાસની ધરપકડ અને હિન્દુઓ પર હુમલા મુદ્દે ભારત સરકારે જે નિવેદન જાહેર કર્યું છે તેના પર અમારી નજર છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ પહેલા હુમલા અને અત્યાચારો પર અમે નજર રાખી રહ્યા છીએ.
વકીલના અભાવે ચિન્મય દાસના જામીનની સુનાવણી ટળી
ચિન્મય દાસના વકીલ પર ઘાતક હુમલો, આઇસીયુમાં રખાયા
- બાંગ્લાદેશમાં હિન્દુઓ નિરાધાર, હુમલા વધતા કોઇ વકીલ કેસ લડવા તૈયાર નથી
ચટગાંવ : બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ એટલી કફોડી છે કે હવે તેમના પર થયેલા જુઠા કેસોમાં તેમનો બચાવ કરવા માટે કોઇ વકીલ તૈયાર નથી. ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય દાસનો કેસ લડવા તૈયાર થયેલા એક હિન્દુ વકીલ પર જીવલેણ હુમલો થયા બાદ તેમને આઇસીયુમાં દાખલ કરવા પડયા હતા. આ હુમલાને પગલે અન્ય વકીલોમાં પણ ડરનો માહોલ છે અને તેઓ ચિન્મય દાસનો કેસ લડવા તૈયાર નથી.
ઇસ્કોનના મહંત સ્વામી ચિન્મય કૃષ્ણદાસની બાંગ્લાદેશમાં રાજ્યદ્રોહના અપરાધસર ધરપકડ થઈ હતી. તેઓને જામીન માટે બાંગ્લાદેશની ચટગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ વતી કોઈ વકીલ હાજર ન રહેતાં સુનાવણી મોકુફ રખાઈ હતી, આથી ચિન્મય કૃષ્ણદાસને જામીન મળી શકતા નથી.
કૃષ્ણદાસના વકીલ તરીકે પહેલાં રમણ રૉય તેઓના વકીલ તરીકે ઊભા રહ્યા હતા. પરંતુ કટ્ટરવાદીઓએ તેઓ ઉપર ભયંકર હુમલો કરતાં તેમને અનેક ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તેઓને હોસ્પિટલમાં લઈ જવા પડયા હતા. જ્યાં તબીબોએ તેમને આઈસીયુમાં દાખલ કરવા પડયા હતા. વકીલ રમણ હોયની સ્થિતિ હાલ ગંભીર છે.
આ હુમલાને પગલે હવે ચિન્મય દાસનો કેસ લડવા માટે અન્ય કોઇ વકીલ પણ તૈયાર નથી થઇ રહ્યા. ઇસ્કોનના જણાવ્યા મુજબ ચટગાંવમાં વકીલ રમણ રોયના ઘર પર હુમલો થયો હતો, આ હુમલામાં રમણ રોયને ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલ તેમની સ્થિતિ ગંભીર છે. આ પહેલા જ્યારે ચિન્મય દાસને પ્રથમ વખત કોર્ટમાં રજુ કરાયા ત્યારે રમણ રોય જ હાજર રહ્યા હતા. આ પહેલા એક મુસ્લિમ વકીલની આ જ મામલામાં હત્યા કરવામાં આવી હતી.