Get The App

બાંગ્લાદેશમાં સરકારની નફ્ફટાઈ, હિન્દુઓ પર અત્યાચાર બાદ ઇસ્કોન સાથે સંકળાયેલા 17 ખાતાઓ ફ્રીઝ

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં સરકારની નફ્ફટાઈ, હિન્દુઓ પર અત્યાચાર બાદ ઇસ્કોન સાથે સંકળાયેલા 17 ખાતાઓ ફ્રીઝ 1 - image


- ઢાકા હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધની માગ ઠુકરાવી છતાં યુનુસ સરકારની નફ્ફટાઇ

- તમામ નાણાકીય વ્યવહારોની વિગતો આપવા બેન્કોને આદેશ

- કોલકાતામાં બાંગ્લાદેશ મુદ્દે હિન્દુઓની અને વકફ બિલને લઇને મુસ્લિમોની વિશાળ રેલી, ટ્રાફિકની ભારે સમસ્યા

- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ કરીએ છીએ, ચિન્મય દાસની સાથે છીએ : ઇસ્કોનની સ્પષ્ટતા

Bangladesh News | બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દૂર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા. હવે હિન્દુઓના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને બાંગ્લાદેશમાં સ્થિત ઇસ્કોન સાથે જોડાયેલા 17 બેંક ખાતાને ફ્રીઝ કરી દીધા હતા. બાંગ્લાદેશની હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવ્યા બાદ સરકાર દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું છે. જેનો હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.  

બાંગ્લાદેશની ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે એક મહિના માટે ઇસ્કોન સાથે જોડાયેલા 17 જેટલા બેંક ખાતાને ફ્રીઝ કરવાનો વિવિધ બેંકોને આદેશ આપ્યો હતો. આ યુનિટ બાંગ્લાદેશની મુખ્ય બેંક સાથે જોડાયેલુ છે. ખાતા ફ્રીઝ કરવા ઉપરાંત તેમાં જે પણ નાણાકીય લેવડદેવડ થઇ હોય તેની સંપૂર્ણ માહિતી ત્રણ દિવસમાં સોંપવા બેંકોને આદેશ આપ્યો હતો. 30 ઓક્ટોબરના રોજ ઇસ્કોનના સભ્ય રહી ચુકેલા ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 સામે સેડિશનનો કેસ દાખલ કરાયો હતો જે બાદ દાસની ધરપકડ કરાઇ હતી. આ કાર્યવાહીનો ઇસ્કોન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.  જ્યારે બીજી તરફ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ટિકા કરી હતી અને બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુઓની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા કહ્યું હતું. 

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઢાકામાં સ્થિત ભારતીય હાઇ કમિશન હિન્દુઓ સહિતના લઘુમતિઓ પર અત્યાચારોની સ્થિતિને જોઇ રહ્યું છે, ભારતે અવાર નવાર બાંગ્લાદેશ સરકારને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા કહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોલકાતામાં એક તરફ મુસ્લિમોએ વકફ બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે બીજી તરફ હિન્દુઓએ બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. 

આ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં હિન્દુઓ અને મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને કારણે કોલકાતામાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ હતી.  બીજી તરફ ઇસ્કોને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઇસ્કોન ચિન્મય દાસની સાથે છે, સાથે જ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારોને લઇને અમે તમામ સનાતની સંગઠનો અને હિન્દુઓની સાથે છીએ. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ભારતે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર અત્યાચારનો મુદ્દો બાંગ્લાદેશ સરકારની સામે ઉઠાવ્યો છે.   


Google NewsGoogle News