ટ્રમ્પ કે કમલા હેરિસ: જાણો અમેરિકાના હિન્દુઓએ ખુલ્લેઆમ કોનું કર્યું સમર્થન, કારણ પણ જણાવ્યું
Image Source: X
US Presidential Election: નવેમ્બરમાં યોજાનારી અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં હવે બે મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. આવી સ્થિતિમાં હવે અમેરિકામાં ચૂંટણી અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે અમેરિકામાં રહેતા હિન્દુઓએ જણાવ્યું કે, તેઓ આ ચૂંટણીમાં બે પ્રમુખ પાર્ટીઓમાંથી કોને પોતાનું સમર્થન આપી રહ્યા છે. હિન્દુ ફોર અમેરિકા ફર્સ્ટ નામની સંસ્થાએ જાહેરાત કરી છે કે અમે ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીશું. એટલું જ નહીં આ જૂથ પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના રાજ્યોમાં ડેમોક્રેટિક ઉમેદવાર ઉપપ્રમુખ કમલા હેરિસ વિરુદ્ધ અભિયાન શરૂ કરશે.
ગુરુવારે પોતાનો નિર્ણય જાહેર કરતા હિન્દુ ફોર અમેરિકા ફર્સ્ટના અધ્યક્ષ અને સ્થાપક ઉત્સવ સંદુજાએ દાવો કર્યો કે જો હેરિસ ચૂંટણી જીતશે તો ભારત-અમેરિકાના સંબંધો વણસી શકે છે. તેમણે કહ્યું કે, ચિંતા એ છે કે જો કમલા અમેરિકાના પ્રમુખ બની જશે તો તેઓ કેટલાક ઉદારવાદીઓને આગળ લાવી શકે છે જે એશિયન-અમેરિકન મતદારોને પ્રભાવિત કરશે. નોંધનીય છે કે બાઈડેન-હેરિસ પ્રશાસને સરહદને સુરક્ષિત નથી રાખી. તેમણે કહ્યું કે, હેરિસ પ્રમુખ જો બાઈડેન પછીના બીજા નંબરના નેતા છે અને તેમણે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે કંઈ નથી કર્યું. આ તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના કારણે અહીં અપરાધ અને ડ્રગ તસ્કરીમાં રેકોર્ડ વધારો થયો છે અને તેની અસર લઘુમતી સમુદાયો ખાસ કરીને ઘણા એશિયન-અમેરિકન બિઝનેસ ઓનર્સ પર પડી રહી છે.
ટ્રમ્પ ભારત સમર્થકના મોટા સમર્થક: સંદુજા
બીજી તરફ સંદુજાએ ઈમિગ્રેશન સિસ્ટમને વધુ મેરિટ આધારિત બનાવવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ભારત સાથે સંરક્ષણ અને ટેક્નોલોજી સહયોગને પ્રોત્સાહન આપવાના પૂર્વ રાષ્ટ્રપતિના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ ભારત સમર્થકના મોટા સમર્થક છે. તેમણે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ બાંધી શક્યા હોત અને અનેક સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી શક્યા હોત જે ભારતને ચીન સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે.
ટ્રમ્પે દેશના આતંરિક મામલામાં દખલગીરી નથી કરી
સંદુજાએ કહ્યું કે, હેરિસે ભારત સરકાર અને લોકો વિશે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જ્યારે ટ્રમ્પે દેશના આંતરિક મામલામાં દખલગીરી નથી કરી. તેમણે દાવો કર્યો કે, કમલા હેરિસ ભારત-યુએસ સંબંધોમાં અસ્થિરતા લાવશે. તેમણે કહ્યું કે હિંદુ ફોર અમેરિકા ફર્સ્ટ જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, એરિઝોના અને નેવાડા જેવા રાજ્યોમાં હિન્દુઓ વચ્ચે હેરિસ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતિત
સંદુજાએ કહ્યું કે વૈશ્વિક હિંદુ સમુદાય બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાને લઈને ચિંતિત છે. અમે તમામ સંબંધિત રાજકીય સંસ્થાઓને આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરીશું. હું ટ્રમ્પને ઘણો શ્રેય આપું છું. તેમના નેતૃત્વ હેઠળ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉપખંડના વિવિધ ભાગો જેમ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા અત્યાચારનો સ્વીકાર કર્યો. પ્રમુખ ટ્રમ્પ જ હતા જેમણે હિન્દુ નરસંહારની વાત સ્વીકારી હતી.