બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત, ઈસ્કોન પર પ્રતિબંધ નહીં મૂકીએ..', યુનુસ સરકારનું મોટું નિવેદન
Bangladesh Yunus Government Refuses To Ban Iskcon: પશ્ચિમ બંગાળની રાજધાની ઢાકામાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ ઈસ્લામે આશ્વાસન આપ્યું છે કે, દેશમાં હિન્દુ સમુદાય સુરક્ષિત છે અને અહીં લઘુમતીઓને કોઈ ખતરો નથી. એક ઈન્ટરવ્યુમાંઈસ્લામે સ્પષ્ટ કર્યું છે કે, 'બાંગ્લાદેશ સરકારનો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો નથી. હું આ કેસની સુનાવણી અંગે નથી જાણતો પરંતુ બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે.'
આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ બાદ આ હિન્દુ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માગ વધી ગઈ છે. બાંગ્લાદેશ હાઈકોર્ટે ગુરુવારે ઈસ્કોનની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી હતી.
હિન્દુ સમુદાય સુરક્ષિત
તાજેતરમાં જ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો વચ્ચે હિંસાની ઘટના પર બોલતા ઈસ્લામે કહ્યું કે, "હિન્દુ સમુદાય બાંગ્લાદેશમાં સુરક્ષિત છે. એક વ્યવસ્થિત સ્તર પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. હું તમને વિનંતી કરું છું કે, આવીને ગ્રાઉન્ડ સ્થિતિ જુઓ. શરૂઆતના થોડા દિવસોમાં હિંસા થઈ હતી પરંતુ, હવે સ્થિતિ નિયંત્રણમાં છે." ઈસ્લામે આગળ કહ્યું કે, ચિન્મય કૃષ્ણ દાસને નિષ્પક્ષ ન્યાય મળશે અને સરકાર આ દિશામાં સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
ભારતના નિવેદન પર પ્રતિક્રિયા
ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસ્લામે આ આતંરિક મામલો ગણાવ્યો અને કહ્યું કે, 'નવી દિલ્હીએ આ મામલે ટિપ્પણી કરવાની જરૂર નહોતી. ભારત સરકારે નિવેદન ન આપવું જોઈતું હતું. આ અમારો આંતરિક મામલો છે. અમે ભારતમાં બની રહેલી ઘટનાઓ પર ક્યારેય ટિપ્પણી નથી કરતા.'
ભારતે મંગળવારે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડની નિંદા કરી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું હતું કે, "અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને તેના જામીન નામંજૂર થવા પર ખૂબ જ ચિંતિત છીએ."