ભારત-બાંગ્લાદેશ સીમા પરના કાંટાળા તારથી 400 મીટર દૂર હિન્દુઓ એકઠા થઇ રહ્યા છે
- BSF જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ-એલર્ટ પર
- બાંગ્લાદેશમાં ભારે ઉથલ-પાથલ ચાલે છે : ત્યાં હિન્દુઓને નિશાન બનાવાય છે : તેઓ બાંગ્લાદેશ છોડી ભારત આવવા આતુર છે
સીલીગુડી : બાંગ્લાદેશમાં ભારે ઉથલપાથલ થઇ રહી છે. રમખાણકારો હિન્દુઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે તેથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ભારત આવવા આતુર છે. કુચ-બિહારની સીમા પર કેટલાયે હિન્દુઓ કાંટાળા-તાર પાસે એકત્ર થઇ રહ્યા છે. આ સ્થિતિમાં બીએસએફની બટાલિયન નંબર ૧૫૭ના જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ગૈબેડા જિલ્લાના ગેંડુગુરી અને દૈખવા ગામોમાં તે વિસ્તારના હિન્દુઓ શુક્રવાર સવારથી એકત્ર થઇ ભારત આવવા ઇચ્છે છે. બીજી તરફ ભારતે કુચ-બિહારમાં કાંટાળા તારની પાસે શીતલકુચી વિસ્તારના પઠાણટુવી ગામ પાસે બીએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ સતત ગશ્ત લગાવી રહ્યા છે અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે.
કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિને લક્ષમાં રાખીને તે ઉપર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં પોતાને સમકક્ષ અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાની છે. જેથી ત્યાં રહેનારા ભારતીય નાગરિકો તથા બાંગ્લાદેશીના હિન્દુઓ તથા અન્ય લઘુમતિઓની સલામતી નિશ્ચિત કરી શકાય. આ સમિતિની અધ્યક્ષતા એડીજી-બીએસએફ-ઇસ્ટર્ન કમાન્ડ કરશે.