હિન્દુઓ પણ આપણા ભાઈ, તેમના રક્ષણ માટે વિદ્યાર્થીઓ આગળ આવે : યુનુસ
- હિન્દુઓ-મંદિરો પર હુમલા વચ્ચે મોહમ્મદ યુનુસ ઢાકેશ્વર મંદિર પહોંચ્યા
ઢાકા : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરોધી આંદોલનમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલા પછી હિન્દુઓ રસ્તા પર ઉતરી આંદોલન કર્યું હતું ત્યારે વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળ્યાના પાંચમા દિવસે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે ઢાકાનાં આરાધ્ય દેવી ઢાકેશ્વરીનાં મંદિરે પહોંચ્યા હતા અને હિન્દુઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે હિન્દુઓને આશ્વાસન આપતા કહ્યું કે, અમને તક આપો, આપણા દેશમાં સૌને માટે સમાન અધિકાર છે. તેમણે વિદ્યાથીઓને પણ હિન્દુઓના રક્ષણ માટે આગળ આવવા કહ્યું હતું.
નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે મુખ્ય સલાહકાર તરીકે શપથ લઈ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. શેખ હસીના સરકાર વિરોધી આંદોલનમાં હિન્દુઓ પર પણ હુમલા થવાના પગલે ગયા સપ્તાહના અંતમાં હજારોની સંખ્યામાં હિન્દુઓએ ઢાકાના રસ્તા પર દેખાવો કર્યા હતા. હવે હિન્દુઓને શાંત કરવા માટે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે મંગળવારે ઢાકાનાં આરાધ્યદેવી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હિન્દુ સમુદાય સાથે મુલાકાત કરી હતી. આ સમયે લઘુમતી અધિકાર ચળવળના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ યુનુસને મળ્યું હતું અને તેમના સમક્ષ આઠ સૂત્રીય માગો રાખી હતી.
દરમિયાન વચગાળાની સરકારે એક હોટલાઈનની સ્થાપના કરી છે, જેમાં લોકોને હિન્દુ મંદિરો, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો પર હુમલા અંગેની માહિતી પૂરી પાડવા જણાવાયું છે. વધુમાં હિન્દુઓ પર હુમલા બદલ માફી માગતા મોહમ્મદ યુનુસે દુર્ગા પૂજામાં દેશમાં ત્રણ દિવસની રજાનો પણ પ્રસ્તાવ આપ્યો છે.
ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશનું રાષ્ટ્રીય મંદિર મનાય છે ત્યારે મંગળવારે મંદિરે પહોંચેલા મોહમ્મદ યુનુસે હિન્દુઓને ધીરજ રાખવાનું કહ્યું હતું જ્યારે આંદોલનકારી વિદ્યાર્થીઓને હિન્દુઓના રક્ષણ માટે આગળ આવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હિન્દુઓ સહિતના લઘુમતીઓ પણ આપણા ભાઈ છે. આપણે સાથે મળીને દેશના વિકાસમાં યોગદાન આપીશું. આપણે એવું રાષ્ટ્ર બનાવવાનું છે, જ્યાં આપણે શાંતિથી રહી શકીએ.
મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે, અહીં સૌને સમાન અધિકાર છે. આપણે બધા એક જ છીએ, અને આપણી પાસે એક સમાન અધિકાર છે. આપણી વચ્ચે કોઈ ભેદભાવ ન કરે. અમને સહાય કરો. ધીરજ રાખો, સમજી વિચારીને નિર્ણય લો કે અમે શું કરી શક્યા છીએ, શું કરી શક્યા નથી. જો અમે નિષ્ફળ રહીએ તો અમારી ટીકા પણ કરો.
મોહમ્મદ યુનુસે વધુમાં કહ્યું, આપણી લોકતાંત્રિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણે મુસ્લીમ, હિન્દુ, ખ્રિસ્તી કે બૌદ્ધ તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે સાથે આવવું જોઇએ. દરેકના અધિકારો સુનિશ્ચિત કરવા પડશે. વાસ્તવમાં સંસ્થાગત વ્યવસ્થામાં બરબાદ થવાને લીધે જ આ બધી સમસ્યાઓ ઉભી થઈ છે. તે દૂર કરવાની જરૂર છે.